Home Gujarat Surendranagar Joravarnagar Juvenile Crime Underage Youth Attack Friend Arrest Police Investigation

લોહીના સંબંધોથી પણ ઘાતક નીકળી મિત્રતા : સરેન્દ્રનગરમાં બે સગીરોએ મિત્રને ફોન કરી બોલાવ્યો અને છરીના ઘા ઝીંકી પતાવી દીધો!

લોહીના સંબંધોથી પણ ઘાતક નીકળી મિત્રતા
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 05:12 AM IST

સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઈમ રેટમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે વધુ એક લોહિયાળ ઘટનાએ શહેરને ધ્રુજાવી દીધું છે. સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં મામૂલી બોલાચાલી અને જૂના મનદુખમાં બે સગીરોએ સાથે રમીને મોટા થયેલા પોતાના જ મિત્રની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. સામાન્ય ગાળાગાળી જેવી બાબતમાં 'જીવ લેવા' સુધીની હિંમત સગીર વયના બાળકોમાં ક્યાંથી આવે છે, તે સભ્ય સમાજ માટે એક મોટો અને ગંભીર પ્રશ્ન બની ગયો છે. એક તરફ એક પરિવારનો એકનો એક 'કુલદીપક' બુઝાયો છે, તો બીજી તરફ હત્યા કરનાર બે સગીરોની જિંદગી પણ હવે કાયદાની કાળી ટીલી સાથે બાળ રિમાન્ડ હોમની દીવાલો પાછળ કેદ થઈ ગઈ છે.

મેકશન સર્કલ પાસે બોલાવીને ખેલાયો લોહિયાળ ખેલ

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં રહેતા અને જોરાવરનગર હનુમાન ચોક પાસે રહેતા રમેશભાઈ કુણપરાના પુત્ર ધનરાજને તેના જ બે સગીર મિત્રોએ ફોન કરીને મેકશન સર્કલ પાસે મળવા બોલાવ્યો હતો. ધનરાજને અંદાજ પણ નહોતો કે જે મિત્રો સાથે તે વાત કરવા જઈ રહ્યો છે, તેઓ તેની હત્યાનું કાવતરું ઘડીને આવ્યા છે. સર્કલ પાસે પહોંચતા જ જૂની અદાવત અને મનદુખ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા બંને સગીરોએ પોતાની પાસે રાખેલી છરી વડે ધનરાજ પર આડેધડ હુમલો કરી દીધો હતો.

મિત્રો બચાવવા દોડ્યા, પણ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડ્યો

હુમલા બાદ ધનરાજ લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યો હતો. ત્યાં હાજર અન્ય બે મિત્રો તાત્કાલિક તેને મોટરસાઇકલ પર વચ્ચે બેસાડીને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જોકે, છરીના ઘા એટલા ગંભીર હતા કે હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરોએ ધનરાજને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનમાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો હતો.

જૂની અદાવત અને મોબાઈલ યુગનું ઝનૂન?

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, થોડા સમય પહેલા મૃતક ધનરાજ અને આરોપી સગીરો વચ્ચે ગાળાગાળી અને બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વાતનું મનદુખ રાખીને બંને સગીરો ઝનુની બન્યા હતા. પોલીસે રાતભર કોમ્બિંગ હાથ ધરી બંને સગીર આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમને રિમાન્ડ હોમમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જતી આવી ગુનાહિત પ્રવૃત્તિઓ હવે પોલીસની કાર્યશૈલી અને સમાજના નૈતિક મૂલ્યો પર સવાલો ઉભા કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now