Home Gujarat Surat Surat Laskana Girl Forced Into Car Viral Cctv Video

સુરતમાં યુવતીને વાળ પકડી કારમાં ઢસડતા CCTV વાયરલ : મૈત્રી કરાર બાદ પરિવારજનોએ અપહરણ કર્યું હોવાનો આક્ષેપ

અપહરણના cctv
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jul 21, 2026, 10:41 AM IST

સુરતના લસકાણા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર સોસાયટીમાં યુવતીને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને લઈ જવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં કેટલાક લોકો યુવતીને વાળ પકડીને ઢસડતા અને બળજબરીથી કારમાં બેસાડતા જોવા મળે છે. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.

મળતી માહિતી મુજબ, યુવક અને યુવતી લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા અને બંનેએ 23 જૂનના રોજ મૈત્રી કરાર (Friendship Agreement) કર્યો હતો. ત્યારબાદ બંનેએ લસકાણા પોલીસ સ્ટેશનમાં હાજર રહી પોતાની મરજીથી સાથે રહેતા હોવાનો લેખિત નિવેદન પણ આપ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.

યુવતીને લઈ જવાનો પ્રયાસ, વચ્ચે પડનારાઓ પર હુમલાનો આક્ષેપ

આરોપ છે કે 17 જુલાઈના રોજ યુવતીના મામા, ભાઈ સહિત 10થી વધુ લોકો લસકાણા સ્થિત તેમના રહેઠાણે પહોંચ્યા હતા. યુવતીએ તેમની સાથે જવાની ના પાડી હોવા છતાં તેને બળજબરીથી ઘરની બહાર ખેંચીને કારમાં બેસાડવામાં આવી હતી.

ઘટના દરમિયાન યુવતીને બચાવવાનો પ્રયાસ કરનાર યુવક અને તેની માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: "તું તો હીરો છે યાર બધાનો, તારા લીધે તો ચૈતર જેલમાં ગયો..." : સ્ટેજ પરથી કોની સામે ઇશારો કરીને મનસુખ વસાવાએ આવું કહ્યું?

યુવકે પોલીસમાં કરી લેખિત રજૂઆત

આ સમગ્ર બનાવ અંગે પીડિત યુવકે લસકાણા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. પોલીસને વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હોવાનું જાણવા મળે છે.

હાલ લસકાણા પોલીસે વીડિયો અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. યુવતીને બળજબરીથી લઈ જવામાં આવી હતી કે નહીં અને સમગ્ર ઘટનાક્રમમાં કોણ-કોણ સંડોવાયેલા છે તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મુકો લાપસીના આંધણ : 30 જુલાઈ સુધી મેઘરાજાની થશે મહેર, અંબાલાલ પટેલે કરી આગાહી

નોંધ

આ સમાચાર પીડિત પક્ષના આક્ષેપો અને પ્રાથમિક માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. ઘટનાને લઈને પોલીસ તપાસ ચાલુ છે અને સંબંધિત અન્ય પક્ષની સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now