સુરત: સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરતાં હલધરુ ગામના તલાટી કમ મંત્રી અને એક કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. નવનિર્માણ પામેલા મકાનની આકારણી (એસેસમેન્ટ) કરવાની પ્રક્રિયા માટે અરજદાર પાસેથી ₹7,500ની લાંચ માંગવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, હલધરુ ગામના તલાટી કમ મંત્રી ભરત વાળાએ મકાનની આકારણીની કામગીરી પૂર્ણ કરવા બદલ ફરિયાદી પાસે ₹7,500ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડતાં સમગ્ર ઘટનાની જાણ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)ને કરી હતી.
આ પણ વાંચો: 'PM મોદી વિદ્યાર્થીઓને મળે અને તેમની વાત સાંભળે' : NEET વિવાદ વચ્ચે પ્રિયંકા ગાંધીની મોટી અપીલ
ફરિયાદના આધારે ACBએ ગોઠવ્યું ટ્રેપ
ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ ACBએ છટકું (ટ્રેપ) ગોઠવ્યું હતું. પૂર્વ આયોજન મુજબ ફરિયાદી લાંચની રકમ લઈને પહોંચતા આરોપીઓએ રૂપિયા સ્વીકાર્યા હતા. તે દરમિયાન અગાઉથી સતર્ક રહેલી ACBની ટીમે બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ સમગ્ર ગેરકાયદેસર વ્યવહારમાં તલાટી ભરત વાળા સાથે કોમ્પ્યુટર ઓપરેટર નિખિલ ભાલીયા પણ સંડોવાયેલો હતો. ACBએ બંને આરોપીઓની અટકાયત કરીને તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વધુ તપાસ હાથ ધરાઈ
ACB હવે બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. લાંચની માંગણી અગાઉ પણ કરવામાં આવી હતી કે નહીં, તેમજ અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકરણમાં સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. કેસ સંબંધિત દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ કબજે કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
તાજેતરના સમયમાં રાજ્યમાં સરકારી કચેરીઓમાં લાંચના કેસો સામે ACB દ્વારા સતત ટ્રેપની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લાંચની માંગણી કરવામાં આવે તો નાગરિકોએ સીધી ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.





