Home Gujarat Surat Surat Heavy Rain Alert Ndrf Sdrf Deployment July 2026

સુરતમાં 23-24 જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી : ડિઝાસ્ટર વિભાગ એલર્ટ, NDRF-SDRF તૈનાત

ભારે વરસાદ બાદ પાણી ભરાયેલા વિસ્તારમાં રાહત કામગીરી માટે તૈનાત NDRF અને SDRFની ટીમ.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 22, 2026, 12:42 PM IST

સુરત: હવામાન વિભાગ દ્વારા 23 અને 24 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા સુરત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. આગામી 27 જુલાઈ સુધી વરસાદની તીવ્રતા ધીમે-ધીમે ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં સરેરાશ 3.79 ઇંચ જ્યારે સુરત શહેરમાં 3.74 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ પલસાણા તાલુકામાં 7.44 ઇંચ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે જિલ્લાના 44 ગ્રામ્ય રસ્તાઓ હાલ બંધ છે, જોકે લોકોને અવરજવર માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.

137 લોકોનું સ્થળાંતર, NDRF-SDRFની ટીમો તૈનાત

સંભવિત પૂર અને પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લામાં અત્યાર સુધી 137 લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. ઉપરાંત, પુણા પાટિયા, સંજયનગર, ભેસ્તાન અને ડિંડોલી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં 2 NDRF અને 2 SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય.

ડિઝાસ્ટર વિભાગે નાગરિકોને કરી સાવચેતી રાખવાની અપીલ

ડિઝાસ્ટર વિભાગે નાગરિકોને ગાજવીજ દરમિયાન ખુલ્લા સ્થળોએ ન જવા, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા તેમજ સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે. કોઈપણ ઇમરજન્સી સર્જાય તો તાત્કાલિક ફાયર વિભાગ અથવા જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.

તમામ વિભાગોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા

ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ, વીજ વિભાગ અને સ્થાનિક સ્વરાજ્યની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પાણી ભરાવા અથવા વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ સામે ઝડપી પ્રતિસાદ માટે વિશેષ ટીમોને સજ્જ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને પાઠવી નોટિસ : CJPના 'ચલો સંસદ' વિરોધ દરમિયાન બળપ્રયોગના આક્ષેપો પર જવાબ માંગ્યો

આગામી 48 કલાક મહત્વના

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ સુરત અને આસપાસના વિસ્તારો માટે મહત્વના માનવામાં આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદી-નાળાના જળસ્તરમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નાગરિકોને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now