સુરતમાં ગેસની અછત હવે માત્ર ઉદ્યોગોની સમસ્યા રહી નથી, પરંતુ તે શ્રમિકોના જીવન પર સીધી અસર કરતી સંકટ પરિસ્થિતિમાં ફેરવાઈ ગઈ છે. ગેસ સિલિન્ડર ન મળતા અને મોંઘા ભાવના કારણે હજારો શ્રમિકો ફરી પોતાના વતન તરફ વળવા મજબૂર બન્યા છે. મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના વતન ફરતા રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી.
સુરત શહેર, જે દેશના મહત્વના ઔદ્યોગિક કેન્દ્રોમાંથી એક માનવામાં આવે છે, ત્યાં હાલ ગેસ પુરવઠાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ઉદ્યોગોમાં ગેસની અછત યથાવત રહેતા ઉત્પાદન પર અસર પડી રહી છે. બીજી તરફ સામાન્ય શ્રમિકો માટે જીવન નિર્વાહ મુશ્કેલ બની ગયું છે. આ પરિસ્થિતિના કારણે હજારો શ્રમિકો પોતાના માદરે વતન ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ વળતા જોવા મળી રહ્યા છે.
ઉધના રેલવે સ્ટેશન પર છેલ્લા કેટલાક દિવસોથી ભારે ભીડ જોવા મળી રહી છે. ટ્રેનોમાં સીટ મેળવવા માટે શ્રમિકો લાંબી કતારમાં ઉભા રહે છે. કાળઝાળ ગરમી હોવા છતાં, લોકો કલાકો સુધી ટ્રેનની રાહ જોતા જોવા મળે છે. ઘણા શ્રમિકો પરિવાર સાથે વતન તરફ જવા માટે સ્ટેશન પર જ દિવસો વિતાવી રહ્યાં છે.
ગેસ સિલિન્ડરની અછત
સુરતમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે સામાન્ય જીવન પર સીધી અસર પડી રહી છે. જે ગેસ સિલિન્ડર સામાન્ય ભાવમાં મળવો જોઈએ તે હવે ખૂબ ઊંચા ભાવમાં વેચાઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં દૈનિક વેતન પર જીવતા શ્રમિકો માટે ગેસ ખરીદવો લગભગ અશક્ય બની ગયો છે.
શ્રમિકોનો આક્ષેપ છે કે સરકાર અને સપ્લાય એજન્સીઓ ગેસ પુરવઠા સુધારવાના મોટા મોટા દાવા કરે છે પરંતુ હકીકતમાં સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી. “કાગળ પર બધું ઠીક છે, પરંતુ જમીન પર ગેસ મળતો નથી
આ પણ વાંચો: સુરતમાં દેખાઈ અમેરિકા-ઈરાન તણાવની અસર : કોમર્શિયલ ગેસની અછત, સુમુલ ડેરીની સપ્લાયમાં 50% કાપ
ઉદ્યોગો પર અસર અને વેકેશનનો માહોલ
ગેસની અછતનો સીધો પ્રભાવ સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ જેવા ઉદ્યોગો પર પણ પડી રહ્યો છે. ઘણા ઉદ્યોગોમાં ઉત્પાદન ઘટ્યું છે અથવા તાત્કાલિક બંધ રાખવામાં આવ્યા છે. સાથે જ ઉનાળાની રજાના કારણે પણ રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી છે.
વતન વાપસીનો વધતો ધસારો
આ દૃશ્યો કોરોના મહામારી દરમિયાન થયેલા સ્થળાંતરને યાદ અપાવે છે. જ્યારે લાખો શ્રમિકો પોતાના ગામડાઓ તરફ વળ્યા હતા. હાલની પરિસ્થિતિ તેટલી ગંભીર તો નથી પરંતુ ગેસની અછત અને મોંઘવારીને કારણે શ્રમિકો માટે શહેરમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે ગેસ સપ્લાય ચેઈનમાં વિક્ષેપ, વધતી માંગ અને વિતરણમાં ખામીઓ આ સંકટના મુખ્ય કારણો હોઈ શકે છે. જો આ સમસ્યાનો સમયસર ઉકેલ ન આવે તો તે લાંબા ગાળે ઉદ્યોગ અને અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે. આ પરિસ્થિતિ શહેરના આર્થિક પ્રવાહને પણ અસર કરી શકે છે. જો ગેસ પુરવઠો ઝડપથી સુધરશે નહીં, તો સુરત જેવા ઔદ્યોગિક શહેર માટે આ એક મોટી ચેતવણી બની શકે છે.





