Surat Cyber Crime: ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે વધુ એક આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સસ્તી એર ટિકિટ અપાવવાના લોભમાં નિર્દોષ લોકોને ફસાવીને લાખો રૂપિયા ખંખેરી લેતી ગેંગના મુખ્ય સૂત્રધારને સુરત પોલીસે બેંગલોરથી દબોચી લીધો છે. માસ્ટરમાઈન્ડ દ્વારા બનાવટી ઈલેક્ટ્રોનિક ટિકિટો આપીને વિશ્વાસ કેળવવામાં આવતો હતો, પરંતુ અંતે આખો ખેલ છેતરપિંડીનો હોવાનું બહાર આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓછી કિંમતની લાલચ આપી 45 ટિકિટનું બુકિંગ કરાવ્યું
આ કેસની વિગત મુજબ, આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો કે તે અન્ય જાણીતી વેબસાઇટ્સ કરતા પણ ખૂબ જ સસ્તી કિંમતે એર ટિકિટ બુક કરી આપે છે. આ લાલચમાં આવીને ફરિયાદીએ પોતાના 15 જેટલા ગ્રાહકો માટે કુલ 45 એર ટિકિટ બુક કરાવવાનો ઓર્ડર આપ્યો હતો. ટિકિટ પેટે આરોપીએ ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 8,17,550 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે, પેમેન્ટ મળ્યા બાદ આરોપીએ અસલી ટિકિટને બદલે એડિટ કરેલી બનાવટી ઇલેક્ટ્રોનિક ટિકિટો મોકલી આપી હતી.
રૂપિયા પડાવી સંપર્ક તોડી નાખ્યો
શરૂઆતમાં જ્યારે ફરિયાદીને શંકા ગઈ, ત્યારે આરોપીએ વિશ્વાસ જીતવા માટે 50,000 રૂપિયા પરત કર્યા હતા. પરંતુ બાકીના 7,67,550 રૂપિયા પરત કરવાના બદલે તેણે પોતાનો મોબાઈલ બંધ કરી સંપર્ક તોડી નાખ્યો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ફરિયાદીએ તુરંત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમ સેલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ પણ વાંચો: સુરતીઓ અહીંથી ઘી ખરીદી રહ્યા છો તો સાવધાન! : SOGના દરોડામાં 2000 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપાયો
બેંગલોરથી આસામી શખ્સની ધરપકડ
સુરત સાયબર ક્રાઇમની એક વિશેષ ટીમ ટેકનિકલ એનાલિસિસના આધારે બેંગલોર મોકલવામાં આવી હતી. ત્યાંથી પોલીસે આ કૌભાંડના મુખ્ય આરોપી હુમાયું કબીર (ઉંમર 29 વર્ષ) ને ઝડપી પાડ્યો છે. મૂળ આસામનો રહેવાસી હુમાયું બેંગલોરમાં રહીને ટિકિટ બુકિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને તેની આડમાં આ છેતરપિંડી આચરતો હતો. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ શખ્સે અન્ય કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.
આ અંગે સુરતના DCP વિશાખા ઝૈન જણાવે છે કે, "ફરિયાદીને એમ કહીને જણાવવામાં આવ્યું હતું કે તમારું એર ટિકિટ બુકિંગ સસ્તામાં થઈ જશે. જો તમે અમારી સાથે બુક કરાવો તો તમને ઓછી કિંમતે ટિકિટ મળશે એમ કહીને ફરિયાદી પાસેથી અંદાજે 7.5 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જે ટિકિટો બનાવવામાં આવી હતી, તે ખરેખર ખોટી અને બનાવટી (Fake) હતી, જે તેમને વોટ્સએપ (WhatsApp) દ્વારા મોકલીને તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. ફરિયાદીનો સંપર્ક એજન્સી સાથે એક લિંક મારફતે થયો હતો અને તમામ વાતચીત વોટ્સએપ પર થઈ હતી. આ ગુનાના આરોપીની અમે બેંગલોરથી ધરપકડ કરી છે. તે છેલ્લા દોઢ વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંકળાયેલો છે. આ ઉપરાંત, તે સાયબર ફ્રોડ માટે પોતાનું બેંક એકાઉન્ટ પણ ભાડે આપતો હતો. અત્યાર સુધીમાં તેના ખાતા પર આ ફરિયાદ સિવાય અન્ય 6 જેટલી NCRP ફરિયાદો પણ મળી આવી છે. આમ, તે ખોટા એજન્ટ તરીકે કામ કરવાની સાથે સાયબર ફ્રોડમાં પણ મદદગાર સાબિત થયો છે."





