Home Gujarat Surat Surat Millennium Textile Cloth Market Fire Short Circuit Major Call Firefighters

રિંગ રોડની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ : 'મેજર કોલ' જાહેર કરાતા 14થી વધુ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે, આખું આકાશ ધુમાડાથી ભરાયું

Surat Millennium Textile Market Fire
Published by: Nirali Gohil
Last Updated: Apr 16, 2026, 10:10 AM IST

Surat Market Fire: ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરમાં ફરી એકવાર આગની ભયાનક દુર્ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા રિંગ રોડ વિસ્તારમાં કમેલા દરવાજા પાસે સ્થિત મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-1માં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેના કારણે આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.

વૈભવી ક્રિએશન નામની દુકાનમાંથી આગની શરૂઆત

પ્રાપ્ત વિગતો અનુસાર, મિલેનિયમ માર્કેટની 'વૈભવી ક્રિએશન' નામની દુકાનમાંથી આગની શરૂઆત થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આ દુકાનમાં કાપડ અને પેકિંગ મટીરીયલનો મોટો જથ્થો હોવાથી આગે મિનિટોમાં જ આજુબાજુની દુકાનોને પણ ઝપેટમાં લીધી હતી. ઘટનાની જાણ થતા જ માર્કેટમાં રહેલા વેપારીઓ અને ગ્રાહકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. આગના સમાચાર વાયુવેગે ફેલાતા સેંકડો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: ‘બેનરો ઉતારી લેજો નહીંતર ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે’ : મધુ શ્રીવાસ્તવનો હુંકાર, વિરોધીઓને આડે હાથ લીધા

14થી વધુ ફાયરની ગાડીઓ અને ગ્રીન કોરિડોર

આગની ગંભીરતાને જોતા સુરત ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી 14થી વધુ ફાયર ફાઇટરોની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. સાંકડી ગલીઓ અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક 'ગ્રીન કોરિડોર' બનાવવામાં આવ્યો હતો, જેથી ફાયરની ગાડીઓ કોઈપણ અવરોધ વગર ઘટનાસ્થળે પહોંચી શકે. ફાયરના જવાનોએ ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.

શોર્ટ સર્કિટની આશંકા, કરોડોનું નુકસાન

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ, માર્કેટના વેપારીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, કારણ કે સીઝનનો કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો આગમાં બળીને ખાખ થઈ જવાની ભીતિ છે. સાવચેતીના ભાગરૂપે સમગ્ર માર્કેટનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. વારંવાર ટેક્સટાઇલ માર્કેટમાં બનતી આગની ઘટનાઓએ ફાયર સેફ્ટીના અમલીકરણ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now