સુરત: ડાયમંડ સિટી સુરતમાં ખાધ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સચિન જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં ચાલતી નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર ત્રાટકી મોટી સફળતા મેળવી છે. છેલ્લા ઘણા સમયથી અહીં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી નકલી ઘીનો કાળો કારોબાર ધમધમતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે દરોડા પાડતા ફેક્ટરીના દ્રશ્યો જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
આ ઓપરેશન દરમિયાન ફેક્ટરીમાંથી આશરે 2000 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત લાખોમાં અંકાય રહી છે. તંત્ર દ્વારા આ તમામ જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગે સ્થળ પરથી ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. શહેરીજનોના સ્વાસ્થ્ય માટે જોખમી એવા આ નકલી ઘીના કારોબારનો પર્દાફાશ થતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
બે શખ્સોની ધરપકડ અને તપાસનો ધમધમાટ
પોલીસે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ બે યુવાનોની સ્થળ પરથી અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ ફેક્ટરીમાં હલકી ગુણવત્તાના તેલ અને કેમિકલ્સનો ઉપયોગ કરીને શુદ્ધ ઘી જેવી સુગંધ અને દેખાવ ધરાવતું ઘી તૈયાર કરવામાં આવતું હતું. પોલીસે પકડાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ તેજ કરી છે.

બજારમાં ક્યાં થતો હતો સપ્લાય?
તંત્ર માટે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આટલી મોટી માત્રામાં બનતું નકલી ઘી સુરત કે દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જથ્થો સ્થાનિક ડેરીઓ, મીઠાઈની દુકાનો કે હોટલોમાં સપ્લાય કરવામાં આવતો હોવાની શંકા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આ મામલે સત્તાવાર એફઆઈઆર (FIR) દાખલ કરી કડક પગલાં લેવામાં આવશે.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાની ખેર નથી
સુરત પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર આવા દરોડા પાડવામાં આવે છે, છતાં નફાખોર તત્વો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સચિન જીઆઈડીસીની આ કાર્યવાહી બાદ હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ શંકાસ્પદ ગોડાઉનો અને ફેક્ટરીઓ પર વોચ રાખવામાં આવી રહી છે. ગ્રાહકોને પણ બજારમાંથી ઘી ખરીદતી વખતે સાવચેતી રાખવા અને શંકા જણાય તો તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.





