Home Gujarat Surat Surat Bhutiya Demolition Case Smc Commissioner Delhi Call Pmo Complaint

સુરતમાં ભૂતિયા ડિમોલિશન કેસમાં PMO સુધી પહોંચી ફરિયાદ : કમિશનરને દિલ્હી બોલાવ્યાની ચર્ચા, હવે અધિકારીઓ પર લટકી રહી છે કાર્યવાહી

Surat Bhutiya Demolition Case
Image Credit: indianexpress.com
Published by: Nirali Gohil
Last Updated: Jun 13, 2026, 09:43 AM IST

Surat Bhutiya Demolition Case: સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા કથિત ‘ભૂતિયા’ ડિમોલિશન કેસે હવે રાજ્યના વહીવટી અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. 100થી વધુ મકાનો તોડી પાડવાની કાર્યવાહી બાદ સમગ્ર મામલો વિવાદોના કેન્દ્રમાં આવી ગયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, સુરત મહાનગરપાલિકાએ સત્તાવાર રીતે કોઈ ડિમોલિશન ઓર્ડર જારી કર્યો ન હોવાનું જણાવ્યું છે, જેના કારણે આ કાર્યવાહી કોણે અને કયા અધિકારે કરાવી તે મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. મામલો હવે માત્ર સ્થાનિક સ્તર પૂરતો મર્યાદિત રહ્યો નથી. ફરિયાદો દેશના વડાપ્રધાન કાર્યાલય (PMO) સુધી પહોંચતા ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી અધિકારીઓમાં ચિંતા અને હલચલ વધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાએ વહીવટી પારદર્શિતા અને કાયદાકીય પ્રક્રિયા અંગે પણ અનેક સવાલો ઉભા કર્યા છે.

મનપા કમિશનરને દિલ્હી બોલાવ્યાની ચર્ચા

સૂત્રો મુજબ સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનને સમગ્ર મામલે સ્પષ્ટતા આપવા માટે દિલ્હી બોલાવવામાં આવ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ ઉચ્ચ સ્તરે કેસની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાએ માત્ર મનપા તંત્ર જ નહીં પરંતુ અન્ય વિભાગોના અધિકારીઓની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. વહીવટી વર્તુળોમાં હવે એ ચર્ચા ચાલી રહી છે કે, આખરે આટલી મોટી કાર્યવાહી પાછળ જવાબદારી કોની હતી.

પ્લાન મંજૂરી અને જમીન પ્રક્રિયામાં પણ સવાલો

ડિમોલિશન કેસમાં હવે જમીન સંબંધિત પ્રક્રિયા, બાંધકામની મંજૂરી અને પ્લાન પાસ કરાવવાની પ્રક્રિયાની પણ તપાસ શરૂ થઈ શકે છે. કેટલાક અધિકારીઓ તેમજ પોલીસના વિશેષ વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. વિરોધીઓનો આરોપ છે કે, જો મકાનો ગેરકાયદેસર હતા તો વર્ષો સુધી કાર્યવાહી કેમ ન થઈ? અને જો કાયદેસર હતા તો પછી તોડફોડ શા માટે કરવામાં આવી? આવા અનેક પ્રશ્નો હજુ સુધી અનઉત્તરિત છે.

આ પણ વાંચો: "ડિમોલિશન કોણે કર્યું તેની ખબર ન હોય તો કમિશનર રાજીનામું આપે": ભૂતિયા ડિમોલિશનમાં મેવાણીનો પ્રહાર, CBI-SIT તપાસની ઉઠાવી માંગ

વીડિયો સામે આવતા વિવાદ વધુ ઘેરાયો

ડિમોલિશન દરમિયાન મનપાના અધિકારીઓ અને પોલીસના અનેક કર્મચારીઓ સ્થળ પર હાજર હોવાના વીડિયો સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે વાયરલ થયા છે. આ વીડિયોએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં પણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો કાર્યવાહી સત્તાવાર આદેશ વિના થઈ હોય તો સ્થળ પર હાજર અધિકારીઓ કયા આધારે કામગીરી કરી રહ્યા હતા?

મનપાએ રચી 6 સભ્યોની તપાસ સમિતિ

વધતા વિવાદ અને જાહેર દબાણ વચ્ચે સુરત મહાનગરપાલિકાએ સમગ્ર ઘટનાની તપાસ માટે 6 સભ્યોની વિશેષ સમિતિની રચના કરી છે. આ સમિતિ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરીને જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકા અંગે અહેવાલ રજૂ કરશે. સમિતિને ડિમોલિશનના આદેશથી લઈને સ્થળ પરની કાર્યવાહી સુધીની તમામ વિગતો ચકાસવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: ‘ભૂતિયા ડિમોલિશન’ કેસમાં મુખ્ય ચહેરો આવ્યો સામે: ગાંધીનગર સુધી પહોંચ્યો વિવાદ, અગ્રસચિવે માંગ્યો ખુલાસો

ભાજપના ધારાસભ્યોએ પણ માંગી ઉચ્ચસ્તરીય તપાસ

આ સમગ્ર ઘટનાએ રાજકીય રંગ પણ પકડ્યો છે. ભાજપના સ્થાનિક ધારાસભ્યોએ પણ સ્વતંત્ર અને ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરી છે. ધારાસભ્યોનું કહેવું છે કે, જો પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને અસરગ્રસ્ત લોકોને ન્યાય મળવો જોઈએ.

સૌથી મોટો સવાલ: આદેશ કોણે આપ્યો?

હાલ સમગ્ર કેસમાં સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન એ છે કે ડિમોલિશનનો આદેશ કોણે આપ્યો? કયા કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ? અને જો સત્તાવાર ઓર્ડર જ ન હતો તો આટલી મોટી તોડફોડ કેવી રીતે થઈ?

આ સવાલોના જવાબ હજુ સુધી સામે આવ્યા નથી. તેથી સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ સમિતિનો અહેવાલ આવ્યા બાદ કેટલાક અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવી શકે છે. જો પ્રક્રિયામાં ગેરરીતિ અથવા સત્તાનો દુરુપયોગ સાબિત થશે તો જવાબદારો સામે શિસ્તભંગથી લઈને કાનૂની કાર્યવાહી સુધીના પગલાં લેવામાં આવી શકે છે. સુરતનો આ ‘ભૂતિયા’ ડિમોલિશન કેસ હવે માત્ર સ્થાનિક વિવાદ નથી રહ્યો, પરંતુ રાજ્યભરમાં વહીવટી જવાબદારી અને પારદર્શિતા અંગે મોટી ચર્ચાનો વિષય બની ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now