સુરતમાં ખાડીપૂરના પગલે દર વર્ષે ભારે વરસાદની સાથે પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. આ મામલે પક્ષ-વિપક્ષ દર વર્ષની જેમ આ વર્ષે પણ પોત પોતાના રાજકીય કિનારા બનાવી રહ્યાં છે. કોંગ્રેસ આક્રોશ ભર્યા નિવેદન બાદ હવે આમ આદમી પાર્ટી પણ પોતાનો રોષ અધિકારીઓ અને ધારાસભ્યો પર ઠાલવ્યો છે.
સરકાર અને સ્થાનિક તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા
આમ આદમી પાર્ટી આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ સરકાર અને સ્થાનિક તંત્ર પર ગંભીર આરોપ મૂકતા અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, “દરેક શનિવારે ધારાસભ્યો સંકલન બેઠકમાં શું ચર્ચા થાય છે? ખાડીપૂરનો પ્રશ્ન દર વર્ષેની જેમ આવે છે, ત્યારે આ મુદ્દા સંદર્ભે કોઇ ઠોસ કાર્યવાહી કેમ નથી થતી?''
''પૂર આવવાનું નિયમિત બન્યું છે''
પાયલ સાકરીયાએ કહ્યું કે, ''છેલ્લા સાત વર્ષથી ખાડીપૂરમાં પૂર આવવાનું નિયમિત બન્યું છે, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસે છે, ઘરવખરી બગડે છે અને દુકાનોમાં પણ નુકસાન થાય છે, આ નુકસાનનો જવાબદાર કોણ?'' વધુમાં કહ્યું કે, ''સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના અધિકારીઓ મળીને ટી.પી. સ્કીમ તૈયાર કરે છે અને ફાઈનલ પ્લોટ ખાડીના વિસ્તારોમાં મુકવામાં આવે છે, જે બિલ્ડરોને લાભ આપવાના ઉદ્દેશથી હોય છે. આ કારણે ખાડી ઉપર દબાણ વધે છે અને પૂરની સમસ્યા વધુ ગંભીર બને છે''.
''ખાડીને ડાયવર્ટ કરવા માટે પણ છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆતો થઈ રહી...''
તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે, મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ ખાડી પર દબાણ કરીને બનાવવામાં આવ્યું છે, તો આજે સુધી તેને હટાવવામાં શા માટે નિષ્ફળતા રહી છે?, તેમણે આક્ષેપ કર્યો કે, ઝીંગા તળાવો ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવ્યા છે, અને જ્યારે કેન્દ્રીય મંત્રીઓ આ મુદ્દો ઊઠાવે છે ત્યારે અધિકારીઓ બહાનો આપે છે કે તેમને મશીનરી ઉપલબ્ધ નથી. કેટલાક ધારાસભ્યો પોતે આવા તળાવો બનાવવામાં સામેલ છે. ખાડીને ડાયવર્ટ કરવા માટે પણ છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆતો થઈ રહી છે છતાં કોઈ કાર્યવાહી જોવા મળી નથી. વરસાદી લાઇન માટે કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં યોગ્ય આયોજન ન હોવાને કારણે વરસાદી લાઇન સતત ચોકઅપ થાય છે''.
ભાજપના નેતાઓ પર કર્યા આક્ષેપ
અંતે, પાયલ સાકરીયાએ ભાજપના નેતાઓ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, “છેલ્લા 30 વર્ષના શાસનમાં કરોડો રૂપિયા નેતાઓ અને તેમના મળત્યાઓએ પોતાના ખિસ્સામાં ભર્યા છે,” જ્યારે સામાન્ય જનતાને દર વર્ષે પૂરમાં જીવવું પડે છે.





