Home Gujarat Surat Angadiya Theft Two Held In Jalore Jodhpur With Diamonds Worth Rs 15 56 Lakh

આમિરની સરફરોશ ફિલ્મને ટક્કર મારે તેવું પોલીસનું દિલધડક ઓપરેશન : માલધારીનો વેશ ધારણ કરીને રાજસ્થાનની ધરતી પરથી આરોપીઓને દબોચી લાવી સુરત પોલીસ

આમિરની સરફરોશ ફિલ્મને ટક્કર મારે તેવું પોલીસનું દિલધડક ઓપરેશન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2025, 01:56 PM IST

આમિર ખાનની સરફરોશ ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ફિલ્મી ઢબે ગુજરાત પોલીસે વેશભૂષા ધારણ કરીને પહાડોની વચ્ચે જઈને બે આરોપીઓને સંકજામાં લીધા છે. જો કે, આ ફિલ્મી સ્ટાઈલથી આરોપીઓને પકડવાની ચર્ચા ચારેકોર થઈ રહી છે. સોશિયલ મડિયામાં વરાછા પોલીસ ચમકી છે, કારણ કે, ખાખી નહી પરંતુ માલધારીના વેશમાં પોલીસ આરોપીઓને હથકડી લગાવીને આવી હતી.

વિગતે વાત કરીએ તો, રાજસ્થાનની ધરતી પર વરાછા પોલીસે માલધારીના વેશમાં ગુપ્ત મિશન હાથ ધરી આંગડીયા ચોરીના બે આરોપીઓને રૂ.15.56 લાખના હીરાના મુદ્દામાલ સાથે પકડ્યા હતા. સુરત પોલીસે ગુનો કરી ફરાર થયેલા આરોપીઓને દબોચવા માલધારીનો વેશ ધારણ કરી 17 દિવસ સુધી દૂધ વેચ્યું, ગાયો ચરાવીને આખરે ગુનેગારોને આબાદ પકડવામાં સફળ થયા હતા.

આરોપી રાજસ્થાન ફરાર થઈ ગયા હતા
વરાછા વિસ્તારમાં ગત 17 જૂન 2025ના રોજ એક આંગડીયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી બસમાંથી અંદાજે રૂ.15 લાખના હીરા અને સોનાના દાગીનાની ચોરી કરી હતી. ફરિયાદ અને CCTV ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે જાણવા મળ્યું કે આરોપીઓ રાજસ્થાન રાજ્યના રહેવાસી છે અને ગુનો આચર્યા બાદ તરત જ રાજસ્થાન ફરાર થઈ ગયા છે.

વરાછા પોલીસે અનોખી રણનીતિ અપનાવી
વરાછા પોલીસની ખાસ ટીમે ઘટનાને ગંભીરતા જાણી તરત જ ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્સ અને સ્થાનિક માહિતીના આધારે રાજસ્થાનમાં શોધખોળ કરવા ગામડાંના તટસ્થ વાતાવરણમાં સાવધાનીથી ભળવા માટે એક અનોખી રણનીતિ અપનાવી. ટીમે માલધારીનો દેશી વેશ ધારણ કરીને ગામમાં દૂધવાળા બની ફર્યા. દૂધ વેચવા અને ગાયો ચરાવવા નીકળતા હતા.

17 દિવસ સુધી ટીમ રાજસ્થાનમાં રોકાઈ
શરૂઆતમાં આશ્ચર્ય અને શંકા સાથે જોવામાં આવેલી આ 'દૂધ વેચનારી' ટીમે સ્થાનિકો સાથે પશુપાલનની ચર્ચા કરી સ્થાનિક માહોલમાં ભળવાનું શરૂ કર્યું. 17 દિવસ સુધી ટીમ રાજસ્થાનમાં રોકાઈ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ સાથે અનુકુલન સાધ્યું. સ્થાનિક લોકો સાથે મૈત્રી કેળવી, હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજસ્થાનના જોધપુર અને ઝાલોર જિલ્લાઓમાં દિવસ-રાત તહેનાત રહ્યા હતા.

બે આરોપીઓની ધરપકડ
આ અભિયાનમાં પોલીસે બે આરોપીઓ બલવંત ઉર્ફે બલ્લુ (ઝાલોરથી) અને ભવાનીસિંહ ઉર્ફે ભામાશા (જોધપુરથી) બન્નેને દબોચી લીધા છે. આ બંને આરોપીઓ રાજસ્થાનમાં પણ લૂંટ અને ચોરીના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતા. વરાછા પોલીસની આ કામગીરીના પરિણામે માત્ર આરોપીઓ જ નહીં, પણ ચોરી થયેલ મુદ્દામાલ અંદાજે રૂ.15 લાખના હીરા અને દાગીના કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, વરાછા પોલીસ અદમ્ય ધીરજ, વેશપલટો કરી ગ્રામ્ય માહોલમાં ભળી જઈ રાજસ્થાનમાં આ ગુપ્ત મિશનને પાર પાડી ચોરોને દબોચવામાં સફળ રહી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now