Home Gujarat Surat Acb Trap Cooperative Society Bribery Case

સુરત ACBનો સપાટો : 20 હજારની લાંચ લેતા ઓડિટર અને નિવૃત્ત સુપરિન્ટેન્ડેન્ટ સહિત ત્રણ ઝડપાયા

સુરત ACBનો સપાટો
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 06:37 PM IST

સુરત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. સહકારી મંડળીના રજીસ્ટ્રેશનના બદલામાં લાંચ માંગતા સુરત જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના ઓડિટર, એક નિવૃત્ત અધિકારી અને કમ્પ્યુટર ઓપરેટરને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. રૂપિયા 20 હજારની લાંચ સ્વીકારતા આ ત્રણેય શખ્સોની ધરપકડ કરવામાં આવતા સરકારી વિભાગોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

નવી મંડળીના રજીસ્ટ્રેશન માટે માંગી હતી લાંચ

સમગ્ર ઘટનાની વિગત મુજબ, ફરિયાદીએ નવી મજૂર મંડળીની નોંધણી કરવા માટે સુરત જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીમાં અરજી કરી હતી. આ મંડળીનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવાના અવેજ પેટે ઓડિટર ઘૂઘાભાઈ ગોહિલે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. આ કામ માટે ઘૂઘાભાઈએ ફરિયાદીને નિવૃત્ત ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ વારીસ શેખ સાથે વાત કરવા જણાવ્યું હતું. વારીસ શેખે સોદાબાજી કરતા શરૂઆતમાં 25 હજારની માંગણી કરી હતી, જે લાંબી રકઝકના અંતે 20 હજારમાં નક્કી થઈ હતી.

અડાજણ વિસ્તારમાં એસીબીએ ગોઠવ્યું છટકું

લાંચની આ રકમ કચેરીના આઉટ સોર્સ કમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરીને આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીના અધિકારીઓએ અડાજણ વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું. જેવું કલ્પેશ ચૌધરીએ ફરિયાદી પાસેથી 20 હજાર રૂપિયા સ્વીકાર્યા, કે તુરંત જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. આ મામલે મુખ્ય સૂત્રધાર ઓડિટર ઘૂઘાભાઈ અને વચેટીયા બનેલા વારીસ શેખની પણ ધરપકડ કરવામાં આવી છે.

ઉંચા પગારદાર હોવા છતાં ભ્રષ્ટાચારનો મોહ

ધરપકડ કરાયેલા આરોપીઓની વિગતો તપાસતા ચોંકાવનારી માહિતી સામે આવી છે:

  • ઘૂઘાભાઈ ગોહિલ: ઓડિટર તરીકે માસિક 48,000 રૂપિયાનો પગાર મેળવે છે.

  • વારીસ શેખ: નિવૃત્ત સુપરિન્ટેન્ડેન્ટ જેમને 40,000 રૂપિયા પેન્શન કે પગાર જેવી આવક છે.

  • કલ્પેશ ચૌધરી: આઉટ સોર્સ ઓપરેટર જેનો પગાર 10,500 રૂપિયા છે.

એસીબીએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની મિલકતો અને અન્ય ગેરરીતિઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ મચી ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now