Home Gujarat Surat Surat Aap Candidate Priti Sadadiya Joins Congress

સવારે ઝાડૂને લાત મારીને બપોરે પકડ્યો પંજો! : ટિકિટ મળવા છતાં AAPની ગેમ બદલી નાંખનાર આ યુવા ચહેરો કોણ છે?

Surat AAP Candidate Change Party
Published by: Viral Patel
Last Updated: Apr 10, 2026, 01:38 PM IST

Surat AAP Candidate Change Party: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. નેતાઓ જે રીતે કપડાં બદલે તેમ પક્ષ બદલી રહ્યા છે, ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. એક યુવા મહિલા નેતાએ એવી તો 'ગેમ' કરી કે સવાર સુધી જેમના હાથમાં ઝાડૂ હતું, તેમના હાથમાં બપોર થતાં જ કોંગ્રેસનો પંજો આવી ગયો!

કોણ છે ડો. પ્રીતિ સાદડિયા?

ડો. પ્રીતિ સાદડિયા વ્યવસાયે હોમિયોપેથિક તબીબ છે અને સુરતના રાજકારણમાં એક શિક્ષિત અને યુવા ચહેરા તરીકે જાણીતા છે. તેઓ આમ આદમી પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલા હતા અને પક્ષના સક્રિય કાર્યકર તરીકે ઉભરી આવ્યા હતા.

આ પણ વાંચો: સુરત AAP પાર્ટીમાં ભારે ભડકો : એક પાર્ટીમાંથી ટિકિટ લઈ બીજીમાં જોડાયા કાર્યકર્તા

શું બની સમગ્ર ઘટના?

ઘટનાક્રમ એટલો ઝડપી હતો કે ખુદ AAP ના દિગ્ગજ નેતાઓ પણ ચોંકી ગયા. આમ આદમી પાર્ટીએ વિશ્વાસ મૂકીને ડો. પ્રીતિ સાદડિયાને સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા. ટિકિટ મળ્યાના ગણતરીના કલાકોમાં જ તેમણે પક્ષ સામે મોરચો માંડ્યો. સાંજ પડતા સુધીમાં તો તેમણે પોતાના 500 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો. કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાની હાજરીમાં તેઓ વિધિવત રીતે પક્ષમાં જોડાયા.

AAP વિરુદ્ધ ભડકાઉ પોસ્ટ: "માત્ર ઉઘરાણામાં જ રસ છે"

રાજીનામું આપ્યા બાદ ડો. પ્રીતિએ સોશિયલ મીડિયા પર પોતાની ભડાશ કાઢી હતી. તેમણે પક્ષના હોદ્દેદારો પર ગંભીર આક્ષેપો કરતા લખ્યું કે દિલ્હીથી આવેલા સહયોગીઓ અને પક્ષના બની બેઠેલા નોનસેન્સ હોદ્દેદારોને કામમાં કોઈ રસ નથી, તેઓ ફક્ત ઉઘરાણા કરવામાં જ માને છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ AAP ના આંતરિક વિખવાદો અને અસંતોષની જ્વાળા જાહેરમાં આવી ગઈ છે.

આ પણ વાંચો: અઠવા બ્રિજ પર દોડતી કાર બની 'અગનગોળો' : ભભૂકતી આગને પગલે વાહનચાલકોમાં ફફડાટ અને ટ્રાફિકજામ

AAP ના ગઢમાં ગાબડું

સુરતને આમ આદમી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, પરંતુ ચૂંટણી પહેલા જ અહીં પક્ષપલટાની મોસમ ખીલી છે. માત્ર પ્રીતિ સાદડિયા જ નહીં, પણ તાજેતરમાં જ જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડા પણ 'આપ' છોડીને ભાજપમાં જોડાયા હતા. એક તરફ ભાજપની રણનીતિ અને બીજી તરફ કોંગ્રેસનો આક્રમક મૂડ જોતા, સુરતમાં 'આપ' માટે કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડો. પ્રીતિ સાદડિયાનો આ યુ-ટર્ન સાબિત કરે છે કે રાજકારણમાં કંઈ પણ અશક્ય નથી. હવે જોવાનું એ રહેશે કે ડો. પ્રીતિનો આ પંજો કોંગ્રેસને કેટલી મજબૂતી અપાવે છે અને AAP આ ફટકામાંથી કેવી રીતે બહાર આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now