Supreme Court NEET Protest Order: NEET-UG 2026 પેપર લીક મુદ્દે દેશભરમાં થયેલા વિદ્યાર્થી આંદોલન અને ત્યારબાદ વિવિધ રાજ્યોમાં પોલીસ કાર્યવાહીને લઈને દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શનમાં જોડાયેલા વિદ્યાર્થીઓ સામે હાલ કોઈપણ પ્રકારની બળજબરીની કાર્યવાહી (coercive action) કરવામાં ન આવે. સાથે જ અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ન ધરાવતા અને કસ્ટડીમાં રહેલા સગીર પ્રદર્શનકારીઓને તાત્કાલિક મુક્ત કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યા કાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે આદેશ આપતાં સ્પષ્ટ કર્યું કે, લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર બંધારણ દ્વારા સુરક્ષિત છે. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી કે જેમનો અગાઉથી ગુનાહિત ઇતિહાસ છે અથવા જેમની સામે ગંભીર આરોપો છે, તેઓને આ વચગાળાની રાહત આપમેળે મળશે નહીં.
શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને રાહત, પરંતુ FIR નોંધવામાં રોક નહીં
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, પોલીસ જરૂરિયાત મુજબ FIR નોંધાવી શકે છે, પરંતુ આગામી આદેશ સુધી શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે કોઈ બળજબરીની કાર્યવાહી કરવામાં ન આવે. કોર્ટે આ મામલે તમામ રાજ્યોને જરૂરી સૂચનાઓ આપી છે.
સગીરોને તાત્કાલિક મુક્ત કરવાનો નિર્દેશ
કોર્ટના આદેશ મુજબ, અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ન ધરાવતા અને હાલ કસ્ટડીમાં રહેલા તમામ સગીરોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. જોકે, જેમની સામે અગાઉથી ગુનાહિત કેસ નોંધાયેલા છે, તેમના મામલામાં આ રાહત લાગુ પડશે નહીં.
પોલીસ કાર્યવાહીની સ્વતંત્ર તપાસ તરફ સંકેત
સુનાવણી દરમિયાન અરજદારો તરફથી પોલીસ દ્વારા અતિરેક બળપ્રયોગના આક્ષેપો કરવામાં આવ્યા હતા. બીજી તરફ, કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે કેટલાક અસામાજિક અને ગુનાહિત તત્વો પણ આંદોલનમાં ઘૂસી ગયા હતા અને પોલીસ પર હુમલામાં તેમની સંડોવણી હતી. કોર્ટે નોંધ્યું કે બંને પક્ષોના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ જરૂરી છે.
તમામ CCTV અને ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવાનો આદેશ
સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્ય પોલીસને પ્રદર્શન સંબંધિત CCTV ફૂટેજ, ડ્રોન રેકોર્ડિંગ, બોડી-કેમેરા વિડિયો, વાયરલેસ સંદેશા અને અન્ય ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. સાથે જ પ્રદર્શનકારીઓનો વ્યક્તિગત અથવા બાયોમેટ્રિક ડેટા જાહેર ન કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
આગામી સુનાવણીમાં રાજ્યો પાસેથી જવાબ માંગશે કોર્ટ
સુપ્રીમ કોર્ટે દિલ્હી સહિત સંબંધિત રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો છે અને આગામી સુનાવણીમાં પોલીસ કાર્યવાહિ, પ્રદર્શન દરમિયાન થયેલી ઘટનાઓ અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી પર વિચાર કરવામાં આવશે. કોર્ટે સંકેત આપ્યો છે કે શાંતિપૂર્ણ પ્રદર્શન અને કાયદો-વ્યવસ્થા વચ્ચે સંતુલન જાળવવા માટે વ્યાપક માર્ગદર્શિકા પર પણ વિચાર થઈ શકે છે.





