Assam Floods 2026: પૂર્વોત્તર ભારતનું રાજ્ય આસામ ફરી એકવાર વિનાશકારી પૂરની ઝપેટમાં આવ્યું છે. સતત ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરથી રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. હજારો પરિવારો પોતાના ઘરો છોડવા મજબૂર બન્યા છે, ખેતી, પશુપાલન અને માર્ગ વ્યવહારને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે તાજેતરના અહેવાલો મુજબ કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે, તેમ છતાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના જણાવ્યા અનુસાર હાલ રાજ્યના છ જિલ્લાઓમાં 4.45 લાખથી વધુ લોકો પૂરની સીધી અસર હેઠળ છે. અત્યાર સુધીમાં પૂરની અલગ-અલગ ઘટનાઓમાં 68 લોકોના મોત થયા છે, જ્યારે 600થી વધુ ગામો હજુ પણ પાણીમાં ગરકાવ છે. રાજ્ય સરકાર, NDRF, SDRF અને સ્થાનિક વહીવટી તંત્ર બચાવ અને રાહત કામગીરીમાં સતત વ્યસ્ત છે.
6 જિલ્લામાં લાખો લોકો પૂરથી પ્રભાવિત
ASDMAના તાજા આંકડા મુજબ શિવસાગર, ગોલાઘાટ, ચરાઇદેઓ, જોરહાટ, નાગાંવ અને કામરૂપ (મેટ્રોપોલિટન) જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત બન્યા છે.
રવિવારે અસરગ્રસ્તોની સંખ્યા 5 લાખથી વધુ હતી, પરંતુ પાણીનું સ્તર કેટલાક વિસ્તારોમાં ઘટતાં હાલ આ આંકડો 4,45,495 સુધી પહોંચ્યો છે. તેમ છતાં હજારો પરિવારો હજુ પણ સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવા મજબૂર છે.
600થી વધુ ગામો હજુ પણ પાણીમાં
સોમવાર રાત્રે સુધીના સત્તાવાર આંકડા મુજબ રાજ્યના 21 રેવન્યૂ સર્કલ હેઠળ આવેલા કુલ 631 ગામો હજુ પણ પૂરનાં પાણીમાં ગરકાવ છે. ચરાઇદેઓ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત રહ્યો છે, જ્યાં અંદાજે 1.88 લાખ લોકો અસરગ્રસ્ત છે. ત્યારબાદ શિવસાગરમાં 1.44 લાખથી વધુ લોકો પૂરના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.
ખેતી અને પશુપાલનને ભારે નુકસાન
પૂરના કારણે રાજ્યમાં કૃષિને પણ મોટો ફટકો પડ્યો છે. અંદાજે 37 હજાર હેક્ટરથી વધુ ખેતીની જમીન હજુ પણ પાણી હેઠળ છે. આ ઉપરાંત લગભગ 2.56 લાખ પશુઓ પણ પૂરની અસર હેઠળ આવ્યા છે, જ્યારે 26 હજારથી વધુ પશુઓ પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હોવાના અહેવાલ છે. જેના કારણે ગ્રામ્ય અર્થતંત્ર પર ગંભીર અસર પડી છે.
રસ્તા, મકાનો અને શાળાઓને નુકસાન
પૂરના કારણે અનેક માર્ગો ધોવાઈ ગયા છે અથવા પાણીમાં ડૂબી ગયા છે. ખાસ કરીને જોરહાટ, શિવસાગર અને ચરાઇદેઓ જિલ્લામાં માર્ગ વ્યવહારને ભારે અસર પહોંચી છે. સત્તાવાર માહિતી મુજબ, 171 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જ્યારે 4,667થી વધુ મકાનોને આંશિક નુકસાન થયું છે. શૈક્ષણિક ક્ષેત્ર પણ પૂરની અસરથી બચી શક્યું નથી. શિવસાગર અને જોરહાટની અનેક પ્રાથમિક શાળાઓમાં પાણી ભરાઈ જતાં અભ્યાસકાર્ય પ્રભાવિત બન્યું છે.
નદીઓમાં પાણીનું સ્તર હજુ પણ જોખમની નજીક
ધનસિરી (સાઉથ) નદીનું પાણી નુમાલીગઢ વિસ્તારમાં હજુ પણ જોખમની સપાટીથી ઉપર વહી રહ્યું છે. જોકે અત્યાર સુધી કોઈ પણ નદીએ ઐતિહાસિક સર્વોચ્ચ પૂર સ્તર (Highest Flood Level) પાર કર્યું નથી. તંત્ર સતત નદીના પાણીના સ્તર પર નજર રાખી રહ્યું છે.
અસરગ્રસ્તોના દુઃખદ અનુભવો
શિવસાગરના નૌજન ગામમાં પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક રહેવાસી મિતાલી ગોગોઈએ જણાવ્યું કે રાતોરાત ઘરમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી બચાવવાનો પણ સમય મળ્યો નહોતો. પીવાનું સ્વચ્છ પાણી અને ખોરાકની પણ ભારે અછત છે. તેમણે જણાવ્યું કે, રસ્તા પર ભરાયેલા પૂરના પાણીમાંથી જ બોટલમાં પાણી ભરવું પડી રહ્યું છે અને રહેવા માટે પણ યોગ્ય સ્થળ ઉપલબ્ધ નથી.
સરકારની રાહત અને બચાવ કામગીરી
રાજ્ય સરકારે અસરગ્રસ્તો માટે 184 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો શરૂ કર્યા છે. NDRF, SDRF અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો બોટની મદદથી ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ચોખા, દાળ, મીઠું સહિતની આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું છે કે, પૂર દરમિયાન સુરક્ષાના કારણોસર વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તબક્કાવાર વીજળી પુનઃસ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે. શિવસાગર, જોરહાટ, ચરાઇદેઓ, ધુબરી અને બોંગાઈગાંવ સહિતના વિસ્તારોમાં વીજ વિભાગની ટીમો સલામતી ચકાસણી બાદ વીજ પુરવઠો શરૂ કરી રહી છે.
કોંગ્રેસે સરકાર પાસે વધારાની મદદની માંગ કરી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પૂરમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કરતાં કેન્દ્ર અને રાજ્ય સરકારને રાહત અને પુનર્વસન માટે તમામ સંસાધનોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ દર વર્ષે આવતી પૂર જેવી કુદરતી આફતો સામે લાંબા ગાળાની વૈજ્ઞાનિક યોજના, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અસરકારક અર્લી વોર્નિંગ સિસ્ટમ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.





