Home Gujarat Sufficient Quantity Of Domestic Gas Is Available Invadodara Administration Appeals To The People

'પેનિકમાં બૂકિંગ ના કરશો' : વડોદરામાં ઘરેલું ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, તંત્રની લોકોને અપીલ

'પેનિકમાં બૂકિંગ ના કરશો'
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 02:31 PM IST

Vadodara News: વૈશ્વિક સ્તરે બદલાતી પરિસ્થિતિ અને કેન્દ્ર સરકાર દ્વારા 'એસ્મા' (ESMA) લાગુ કરવાના નિર્ણય વચ્ચે વડોદરાના નાગરિકોમાં ગેસની તંગીને લઈને ફેલાયેલી ગેરસમજ દૂર કરવા વહીવટી તંત્ર મેદાને આવ્યું છે. કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ સ્પષ્ટ કર્યું છે કે વડોદરા શહેર અને જિલ્લામાં ઘરેલું ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, તેથી ગ્રાહકોએ ગભરાઈને જરૂરિયાત વગરનું (પેનિક) બૂકિંગ કરાવવાની જરૂર નથી.

માંગ કરતા ફિલિંગ ક્ષમતા બમણી

વડોદરામાં ગેસના પુરવઠાની સ્થિતિ અંગે આંકડાકીય વિગતો આપતા તંત્રએ જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 5.44 લાખ ઘરેલું અને 12 હજાર કોમર્શિયલ ગેસ કનેક્શન છે. સામાન્ય દિવસોમાં સરેરાશ દરરોજ 8,000 બૂકિંગ નોંધાય છે. તેની સામે IOCL, HPCL અને BPCL જેવી કંપનીઓની રિફિલિંગ ક્ષમતા દૈનિક 14,700 સિલિન્ડરની છે. આમ, માંગ કરતા વિતરણ ક્ષમતા ઘણી વધારે હોવા છતાં, અફવાઓને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બૂકિંગનો આંકડો વધીને 12,000 સુધી પહોંચી ગયો છે. કલેક્ટરે ગ્રાહકોને અપીલ કરી છે કે નિયત અંતરાલ (લગભગ 25 દિવસ) બાદ જ બૂકિંગ કરાવે.

કાળાબજારી અને સંગ્રહખોરી સામે લાલ આંખ

ગેસના પુરવઠામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને જિલ્લા પુરવઠા અધિકારી ગીતા દેસાઇએ ગેસ કંપનીઓ, 52 જેટલી એજન્સીઓ અને મામલતદારો સાથે મહત્વની બેઠક યોજી હતી. વડોદરાના કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે કોઈપણ જગ્યાએ કાળાબજારી કે જથ્થો ડાયવર્ટ કરવાની ઘટના ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ આવી ગેરરીતિમાં સંડોવાયેલું જણાશે તો તેની સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે."

વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાં

કાળાબજારી અને સંગ્રહખોરી ડામવા માટે મામલતદાર કક્ષાએ વિશેષ ટીમો બનાવવામાં આવી છે જે ગ્રાઉન્ડ લેવલ પર મોનિટરિંગ કરશે. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દરરોજ સ્ટોકની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. ઘરેલું વપરાશકર્તાઓને ગેસ વિતરણમાં પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. વાણિજ્યિક હેતુ માટે જથ્થો મર્યાદિત હોવાથી ત્યાં પ્રાથમિકતા મુજબ વિતરણ સુનિશ્ચિત કરાશે. વહીવટી તંત્રએ ખાતરી આપી છે કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી અને સમગ્ર પરિસ્થિતિ પર તંત્રની ચાંપતી નજર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now