Home Gujarat Strict Action By The Mines And Minerals Department In Jamnagar

જામનગરમાં ખાણખનીજ વિભાગની કડક કાર્યવાહી : બે દિવસમાં સઘન ચેકિંગ દરમિયાન 5 ડમ્પર ઝડપાયા, રૂ.1.5 કરોડનો મુદામાલ જપ્ત

જામનગરમાં ખાણખનીજ વિભાગની કડક કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 12:51 PM IST

જામનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહન સામે ખાણખનીજ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસ દરમિયાન ભૂસ્તરશાસ્ત્રીની ટીમે જામનગર બાયપાસ માર્ગ પર તપાસ કરી રોયલ્ટી પાસ વિના ખનીજ વહન કરતા કુલ પાંચ ડમ્પરો પકડી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કરોડો રૂપિયાનો ખનીજ ભરેલો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ખાણખનીજ વિભાગની તપાસમાં ખુલ્યું છે કે પકડાયેલા ડમ્પરો દ્વારા સાદી રેતી, સિલીકા સેન્ડ તેમજ બ્લેક ટ્રેપ જેવા ખનીજનો ગેરકાયદેસર પરિવહન કરવામાં આવી રહ્યો હતો. આ ખનીજ વહન માટે જરૂરી રોયલ્ટી પાસ અને કાયદેસર દસ્તાવેજો ન હોવાને કારણે ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

ઝડપી કાર્યવાહી કરતા ખાણખનીજ વિભાગે તમામ પાંચેય ડમ્પરોને નજીકના સ્ટોન ક્રસર ખાતે કસ્ટડીમાં સોંપી દીધા છે. વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ જપ્ત કરાયેલ ખનીજ અને વાહનો સહિતનો કુલ મુદ્દામાલ આશરે 1.5 કરોડ રૂપિયા જેટલો થાય છે, જે ખાણખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે આ કાર્યવાહી માત્ર શરૂઆત છે. જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ ઉત્ખનન અને પરિવહન થતું હોવાની ફરિયાદોને ધ્યાને લઈને આગામી દિવસોમાં પણ સતત અને સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. ખાણખનીજ વિભાગ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now