Home Gujarat Strict Action Against Couple Illegally Occupying Shri Hari Ashram Property

શ્રી હરિ આશ્રમની મિલકત પર ગેરકાયદે કબજો કરનાર દંપતી સામે કડક કાર્યવાહી : લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ, વિનિત-તોશલ પટેલની ધરપકડ

શ્રી હરિ આશ્રમની મિલકત પર ગેરકાયદે કબજો કરનાર દંપતી સામે કડક કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2026, 02:53 PM IST

આણંદ જિલ્લાના બાકરોલ ખાતે આવેલી શ્રી હરિ આશ્રમ, હરિધામ, સોખડાની માલિકીની મિલકત પર ગેરકાયદે કબજો જમાવનાર દંપતી સામે આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કરવામાં આવેલી ફરિયાદના આધારે વિનિત ભાભુભાઈ પટેલ અને તેમની પત્ની તોશલ વિનિત પટેલની ધરપકડ કરવામાં આવી છે.

અનઅધિકૃત કબજો જમાવાયો હોવાનું સ્પષ્ટ થતા કાર્યવાહી કરવામાં આવી

મળતી માહિતી મુજબ બાકરોલ ગેટ પાસે આવેલા આત્મીય આર્કેડ બિલ્ડિંગમાં આવેલ એક ફ્લેટ શ્રી હરિ આશ્રમ ટ્રસ્ટની માલિકીનો છે. આ ફ્લેટ પર પચાવી પાડવાના ઇરાદે વિનિત અને તોશલ પટેલ દંપતીએ લાંબા સમયથી ગેરકાયદે કબજો જમાવ્યો હતો. આ મામલે શ્રી હરિ આશ્રમના ટ્રસ્ટી તથા સેક્રેટરી જયંતકુમાર દવે દ્વારા નવેમ્બર 2024માં આણંદ જિલ્લા કલેક્ટર સમક્ષ તમામ આધાર પુરાવા સાથે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી.

આ ફરિયાદ અંગે 18 ડિસેમ્બર 2025ના રોજ આણંદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી રજૂઆત, કામના કાગળો તથા તપાસનીશ અધિકારીના અહેવાલના આધારે વિનિત અને તોશલ પટેલ દંપતી દ્વારા અનઅધિકૃત કબજો જમાવાયો હોવાનું સ્પષ્ટ થયું હતું.

ફરિયાદમાં ટ્રસ્ટના સેક્રેટરી જયંતકુમાર દવે શું કહ્યું?

પરિણામે સમિતિએ સર્વાનુમતે પોલીસને ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ફરિયાદમાં ટ્રસ્ટના સેક્રેટરી જયંતકુમાર દવેએ જણાવ્યું હતું કે, શ્રી હરિ આશ્રમ ટ્રસ્ટે 2012માં આત્મીય આર્કેડનો ફ્લેટ ખરીદ્યો હતો, જેનો ઉપયોગ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તો આણંદ, વલ્લભ વિદ્યાનગર અને બાકરોલ વિસ્તારમાં સત્સંગ પ્રવૃત્તિ માટે આવે ત્યારે ઉતારા અને રાત્રિ રોકાણ માટે થતો હતો. સરકારી રેકર્ડમાં પણ આ મિલકતના માલિક અને કબજેદાર તરીકે શ્રી હરિ આશ્રમ, હરિધામ, સોખડાનું નામ નોંધાયેલું છે. આરોપી વિનિત પટેલ શરૂઆતમાં ટ્રસ્ટના ધાર્મિક કાર્યક્રમોમાં નિયમિત આવતો હતો અને સેવાભાવ દર્શાવી સાધુ-સંતો, હરિભક્તો અને વહીવટદારો સાથે નજીકતા કેળવી હતી.

દંપતી ખોટી ફરિયાદોમાં ફસાવી દેવાની ધમકી આપતું હતું

ફ્લેટની સફાઈ અને વ્યવસ્થાની જવાબદારીના બહાને તેણે ફ્લેટની ડુપ્લિકેટ ચાવી બનાવાવી પોતાની પાસે રાખી હતી. બાદમાં આત્મીય વિદ્યાધામ પરિસરનું નિર્માણ શરૂ થતાં વિનિત અને તેમની પત્ની ધાર્મિક સેવાકીય કાર્યોના બહાને ફ્લેટમાં રહેવા લાગ્યા હતા. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ અનેક વખત ચાવી પરત કરવા મૌખિક સૂચનાઓ આપી હતી, પરંતુ દંપતીએ બહાના કાઢીને ચાવી પરત કરી નહોતી અને ફ્લેટ ખાલી કરવાનું પણ નકાર્યું હતું. જ્યારે ટ્રસ્ટના પ્રતિનિધિઓ સમજાવટ માટે જતા ત્યારે આ દંપતી ખોટી ફરિયાદોમાં ફસાવી દેવાની ધમકી આપતું હતું. અંતે નછુટકે ટ્રસ્ટ દ્વારા કલેક્ટર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. તપાસમાં ફરિયાદ સાચી સાબિત થતાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી આરોપી દંપતીની ધરપકડ કરવામાં આવી છે. આણંદ જિલ્લા પ્રશાસનની આ કાર્યવાહીથી ગેરકાયદે કબજાઓ સામે કડક સંદેશો મળ્યો છે.

કાનૂની પ્રક્રિયા બાદ દંપતી જ્યુડિશિયલ કસ્ટડીમાં

બાકરોલ પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધવામાં આવેલી ફરિયાદ અનુસંધાને વિનિત અને તોશલ પટેલની પૂછપરછ તથા અન્ય કાનૂની પ્રક્રિયાઓને અંતે વિધિવત ધરપકડ કરવામાં આવી હતી અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર