પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ વચ્ચે હોર્મુઝ જળમાર્ગ અને ઓમાનની ખાડીમાં ફસાયેલા ભારતીય નાવિકોની સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે. છેલ્લા 107 દિવસથી ભારતીય ધ્વજવાળા 13 કાર્ગો જહાજો આ વિસ્તારમાં અટવાયેલા છે, જેમાં કુલ 562 ભારતીય નાવિકો સવાર છે. સતત અનિશ્ચિતતા, સુરક્ષાની ચિંતા અને પરત ફરવાની કોઈ સ્પષ્ટ સમયમર્યાદા ન હોવાને કારણે નાવિકો અને તેમના પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી છે.
આ વચ્ચે એક દુઃખદ ઘટના પણ સામે આવી છે. એમટી સેલેસ્ટિયલ નામના જહાજ પર ફરજ બજાવી રહેલા ભારતીય નાગરિક નિશાંત ઉર્થનાથનનું તબીબી કારણોસર મૃત્યુ થયું છે. તેમના નિધન બાદ ભારતીય દૂતાવાસ અને સંબંધિત એજન્સીઓ તેમના પાર્થિવ દેહને વતન પરત લાવવા માટે પ્રયાસો કરી રહી છે.
ભારતીય દૂતાવાસ સતત સંપર્કમાં
ઓમાનના મસ્કટ સ્થિત ભારતીય દૂતાવાસે જાહેર કરેલા નિવેદન મુજબ, નિશાંત ઉર્થનાથનના પરિવારજનો, જહાજના ક્રૂ સભ્યો અને સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે. દૂતાવાસ દ્વારા તેમના પાર્થિવ દેહને જલદીથી જહાજમાંથી ઉતારી ભારત મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
હાલ તેમનો પાર્થિવ દેહ ઓમાનના ડુક્મ બંદર નજીક એમટી સેલેસ્ટિયલ જહાજ પર હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય દૂતાવાસ જહાજની મેનેજમેન્ટ કંપની અને સ્થાનિક સત્તાધિકારીઓ સાથે સંકલન કરીને જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે.
આ પણ વાંચો: "ભારતીય યુવાનો નવી વિચારસરણી સાથે માનવજાતને..." : ફ્રાંસમાં 'ભારત ઈનોવેટ્સ' માં બોલ્યા PM મોદી
562 ભારતીય નાવિકો મુશ્કેલીમાં
કેન્દ્ર સરકારના શિપિંગ મંત્રાલયના આંકડા મુજબ હોર્મુઝ જળમાર્ગના પશ્ચિમ વિસ્તારમાં 329 ભારતીય નાવિકો ફસાયેલા છે, જ્યારે ઓમાનની ખાડીમાં, જે હોર્મુઝ જળમાર્ગના પૂર્વ ભાગમાં આવે છે, ત્યાં 233 ભારતીય નાવિકો અટવાયેલા છે. આમ કુલ 562 ભારતીયો છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી જહાજો પર જ જીવન પસાર કરવા મજબૂર બન્યા છે. નાવિકોના પરિવારજનોનું કહેવું છે કે લાંબા સમયથી ઘરે ન ફરી શકવાને કારણે માનસિક તણાવ વધી રહ્યો છે. સતત યુદ્ધજન્ય પરિસ્થિતિ અને સુરક્ષાના જોખમ વચ્ચે કામ કરવું તેમના માટે પડકારરૂપ બન્યું છે.
અમેરિકા-ઈરાન તણાવ બાદ સ્થિતિ ગંભીર
28 ફેબ્રુઆરીથી અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા સૈન્ય તણાવ બાદ હોર્મુઝ જળમાર્ગ અને તેની આસપાસનો વિસ્તાર વધુ સંવેદનશીલ બન્યો છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ વેપારી જળમાર્ગોમાંથી એક ગણાતા હોર્મુઝમાંથી દરરોજ લાખો બેરલ ક્રૂડ ઓઇલ અને અન્ય વેપારી માલસામાનનું પરિવહન થાય છે.
પરંતુ વધતા તણાવને કારણે અનેક વેપારી જહાજોની અવરજવર પ્રભાવિત થઈ છે. સુરક્ષાના કારણોસર કેટલાક જહાજોને રોકવામાં આવ્યા છે, જ્યારે કેટલાકને વૈકલ્પિક માર્ગો અપનાવવા પડ્યા છે. આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ ભારતીય નાવિકો પર પણ પડ્યો છે.
'વિરાટ-1' જહાજને લઈને નવી ઘટના
રવિવારે ભારતીય ધ્વજવાળા મશીનચાલિત સેઇલિંગ વેસલ ‘વિરાટ-1’ને લઈને પણ એક નવી ઘટના સામે આવી હતી. ઓમાનના દરિયાકાંઠા નજીક આ જહાજ મુશ્કેલીમાં મુકાયું હોવાનું ભારતીય દૂતાવાસે જણાવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ જહાજનું એન્જિન અચાનક બંધ પડી જતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. જહાજમાં 14 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. જોખમ વધતા તમામ નાવિકોને સુરક્ષિત રીતે લાઇફ રાફ્ટમાં ખસેડવામાં આવ્યા હતા. ભારતીય દૂતાવાસે ઓમાનના અધિકારીઓ અને નજીકથી પસાર થતાં અન્ય જહાજો સાથે સંકલન કરીને બચાવ અભિયાન શરૂ કર્યું છે. હાલ તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવવા માટે કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો: ભારત-ફ્રાન્સની ઐતિહાસિક દોસ્તી : 114 રાફેલ જેટ સાથે AI અને 12 નવી ડીલ
ભારતીય નાવિકોના પરિવારજનોમાં ચિંતા
લાંબા સમયથી ચાલતી આ સ્થિતિને કારણે નાવિકોના પરિવારજનોમાં ચિંતા વધી રહી છે. ઘણા પરિવારો સરકાર પાસે તેમના સ્વજનોને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. નૌકાયાન ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે હોર્મુઝ જળમાર્ગમાં વધતા તણાવને કારણે આગામી દિવસોમાં વેપારી જહાજોની કામગીરી વધુ પ્રભાવિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ભારતીય નાવિકોની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય બંને મહત્વના મુદ્દા બની રહ્યા છે.
ભારત સરકારની નજર સમગ્ર સ્થિતિ પર
ભારત સરકાર, વિદેશ મંત્રાલય, શિપિંગ મંત્રાલય અને ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ફસાયેલા નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ જરૂરી પડ્યે બચાવ અને પરત લાવવાની પ્રક્રિયા માટે સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. હોર્મુઝ જળમાર્ગમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે હવે સૌની નજર એ વાત પર છે કે ફસાયેલા 562 ભારતીય નાવિકો ક્યારે સુરક્ષિત રીતે પોતાના વતન પરત ફરી શકશે.





