Home Business Stock Market Today Sensex Falls 1300 And Nifty 400 Points Investors Lose Billions Of Rupees

શેરબજારમાં ભૂકંપ : સેન્સેક્સ 1300 અને નિફ્ટી 400 પોઈન્ટ તૂટ્યા, રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહા; જાણો પતનના 5 મુખ્ય કારણો

શેરબજારમાં ભૂકંપ
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2026, 04:45 AM IST

Stock Market LIVE Updates (23 March 2026): ભારતીય શેરબજાર માટે આજનો દિવસ 'બ્લેક મંડે' સાબિત થઈ રહ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે જ દલાલ સ્ટ્રીટમાં ભારે વેચવાલી જોવા મળી છે, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને ગગડી ગયા છે. નિફ્ટી ઇન્ડેક્સ 400 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 23,600ની નીચે સરકી ગયો છે, જે 9 એપ્રિલ, 2025 પછીનું સૌથી નીચું સ્તર છે. બીજી તરફ સેન્સેક્સ પણ 1,300 પોઈન્ટથી વધુ તૂટીને 73,000ના સ્તર પર આવી ગયો છે. બજારમાં સર્જાયેલા આ રક્તપાતને કારણે રોકાણકારોની સંપત્તિમાં મસમોટું ધોવાણ થયું છે.

વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ)માં ચાલી રહેલા યુદ્ધના વાદળો હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યા, જેની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે. ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સમાં 1,500 પોઈન્ટનો આઘાતજનક ઘટાડો નોંધાયો છે, જેમાં HDFC બેન્કની નબળાઈએ બજારને વધુ નીચે ધકેલ્યું છે. આ મહિનામાં નિફ્ટી 50 ઇન્ડેક્સમાં અત્યાર સુધીમાં 12% જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે.

બેન્કિંગ અને મેટલ સેક્ટરમાં લોહીની નદીઓ વહી

બજારમાં આજના ઘટાડાનું નેતૃત્વ બેન્કિંગ અને મેટલ શેરોએ કર્યું છે. નિફ્ટી બેન્ક 52,200ની સપાટીએ પહોંચી ગઈ છે.

  • ટોચના લૂઝર્સ: ટાટા સ્ટીલ, SBI, JSW સ્ટીલ અને HDFC બેન્કમાં સૌથી વધુ વેચાણ જોવા મળ્યું છે.

  • HDFC બેન્ક પર દબાણ: દેશની સૌથી મોટી ખાનગી બેન્ક HDFCના શેરમાં આ મહિને 17% થી વધુનો ઘટાડો થયો છે.

  • અન્ય નબળા શેરો: બજાજ ફાઈનાન્સ, HDFC લાઈફ અને ઈન્ડિગોના શેર પણ તેમના 52-સપ્તાહના નીચલા સ્તરે પહોંચી ગયા છે. હિન્દુસ્તાન ઝિંકનો શેર ₹500ની નીચે સરકી ગયો છે.

સોના-ચાંદીના ભાવમાં કડાકો, ક્રૂડ ઓઈલ લાલચોળ

જ્યારે શેરબજાર ઘટી રહ્યું છે, ત્યારે કોમોડિટી માર્કેટમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે એનર્જી સેક્ટરમાં તેજી છે પરંતુ કિંમતી ધાતુઓ તૂટી રહી છે.

  • સોનું અને ચાંદી: સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં $4,400 પ્રતિ ઔંસની નીચે આવી ગયું છે, જે જાન્યુઆરીમાં $5,600ની ટોચે હતું. ચાંદીના ભાવમાં છેલ્લા એક મહિનામાં 25%નો ઘટાડો થયો છે.

  • ક્રૂડ ઓઈલની સ્થિતિ: બ્રેન્ટ ક્રૂડ છેલ્લા એક મહિનામાં 60% જેટલું ઉછળ્યું છે, જે ભારતમાં મોંઘવારી વધવાના સંકેત આપી રહ્યું છે. ક્રૂડ મોંઘું થવાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેર પર પણ દબાણ છે.

કોટક બેન્ક અને ડોઇશ બેન્ક વચ્ચે મોટી ડીલના સંકેત

બજારના ઘટાડા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોટક મહિન્દ્રા બેન્ક ડોઇશ બેન્કના ભારતના રિટેલ બિઝનેસને ખરીદવાની રેસમાં સૌથી આગળ છે. કોટક બેન્કે ₹4,500 કરોડની ઓફર કરી હોવાનું મનાય છે, જે ફેડરલ બેન્ક કરતા પણ વધુ છે. જો આ ડીલ ફાઈનલ થશે તો કોટક બેન્કના પોર્ટફોલિયોમાં પર્સનલ લોન, હોમ લોન અને વેલ્થ મેનેજમેન્ટના આશરે ₹27,000 કરોડના બિઝનેસનો ઉમેરો થશે.

નિષ્ણાતોનો મત: શું અહીંથી રિકવરી આવશે?

GoIndiaStocks.com ના સ્થાપક રાકેશ અરોરાના જણાવ્યા અનુસાર, ભારત હવે સોલર પાવર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. લાંબા ગાળે કોમોડિટીની માંગ વધશે, પરંતુ ટૂંકા ગાળામાં બજાર વોલેટાઇલ રહી શકે છે. નિફ્ટી માટે હવે 23,000નું લેવલ અત્યંત મહત્વનું છે. જો બજાર આ સ્તર તોડશે તો 22,930 સુધી નીચે જઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now