Home Business Stock Market Closing Bell Sensex Nifty Records Best Weekly Performance Since 2021

દલાલ સ્ટ્રીટમાં બુલ્સની ગર્જના! : ઓટો અને બેંકિંગ શેરોમાં ધૂમ ખરીદી, નિફ્ટીએ 2021 પછીનું સર્વશ્રેષ્ઠ સાપ્તાહિક પ્રદર્શન નોંધાવ્યું

Stock Market Closing Bell
Published by: Nirali Gohil
Last Updated: Apr 10, 2026, 10:46 AM IST

Stock Market Update April 10: ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ દિવસે શાનદાર રિકવરી જોવા મળી છે. લાંબા સમયથી ચાલી રહેલી અનિશ્ચિતતા અને વોલેટિલિટી બાદ આજે તેજીવાળાઓએ બજાર પર સંપૂર્ણ કબજો જમાવી લીધો હતો. સેન્સેક્સ 918.60 પોઈન્ટ અથવા 1.20 ટકાના ઉછાળા સાથે 77,550.25 ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 275.50 પોઈન્ટ અથવા 1.16 ટકા વધીને 24,050.60 ની સપાટીએ પહોંચ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે, નિફ્ટી 24,000 ના મહત્વના રેઝિસ્ટન્સ લેવલને પાર કરવામાં સફળ રહ્યો છે, જે આગામી સમયમાં બજારમાં વધુ તેજીના સંકેત આપે છે.

આજના તેજીના માહોલમાં ઓટો, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને પીએસયુ બેંકિંગ સેક્ટરમાં 1 થી 2 ટકાનો વધારો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને ટૂંક સમયમાં યુદ્ધવિરામની આશાએ બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ બનાવ્યું છે. બ્રોડર માર્કેટમાં પણ આજે તેજી જોવા મળી હતી, જેમાં મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.5-1.5 ટકાના વધારા સાથે બંધ થયા હતા.

સેક્ટરલ પર્ફોર્મન્સ: ઓટો અને રિયલ્ટીનો દબદબો, ITમાં નરમાશ

આજના કારોબારમાં સૌથી વધુ તેજી ઓટો અને રિયલ્ટી ઇન્ડેક્સમાં જોવા મળી છે, જે લગભગ 2.5% થી વધુ વધ્યા છે. બીજી તરફ આઈટી (IT) સેક્ટરમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું, જેના કારણે IT ઇન્ડેક્સ 1.7% ઘટીને બંધ રહ્યો હતો.

  • ટોપ ગેઈનર્સ: એશિયન પેઈન્ટ્સ, આઈશર મોટર્સ, ICICI બેંક, બજાજ ઓટો અને શ્રીરામ ફાઇનાન્સ.

  • ટોપ લુઝર્સ: કોલ ઈન્ડિયા, સન ફાર્મા, ઇન્ફોસિસ, TCS અને ટેક મહિન્દ્રા.

આ પણ વાંચો: ઓટો અને બેંકિંગ શેરોમાં જોરદાર તેજી : સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી ફરી 24,000ને પાર

નિષ્ણાતોનું મંતવ્ય: નિફ્ટી અને બેંક નિફ્ટી માટે શું છે ટાર્ગેટ?

SBI સિક્યુરિટીઝના ટેકનિકલ હેડ સુદીપ શાહના જણાવ્યા અનુસાર, નિફ્ટીએ સાપ્તાહિક ચાર્ટ પર 5.89% નો ઉછાળો નોંધાવ્યો છે, જે ફેબ્રુઆરી 2021 પછીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. નિફ્ટીએ છેલ્લા ત્રણ સપ્તાહનું નુકસાન એક જ અઠવાડિયામાં સરભર કરી દીધું છે.

  • નિફ્ટી વ્યુ: હવે નિફ્ટી માટે 24,200-24,250 તાત્કાલિક અવરોધ છે. જો તે પાર થશે તો બજાર 24,400 થી 24,600 સુધી જઈ શકે છે. નીચેની તરફ 23,800 મજબૂત સપોર્ટ છે.

  • બેંક નિફ્ટી વ્યુ: બેંક નિફ્ટીમાં પણ સાપ્તાહિક ધોરણે 8.47% નો તોતિંગ વધારો જોવા મળ્યો છે. આગામી સમયમાં તે 57,000 ના સ્તરને ટેસ્ટ કરી શકે છે.

બ્રોડર માર્કેટ અને એડવાન્સ-ડિક્લાઈન રેશિયો

બજારમાં તેજી એટલી વ્યાપક હતી કે નિફ્ટી 500 ના કુલ સ્ટોક્સમાંથી 433 શેરો ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. જ્યારે કુલ બજારની વાત કરીએ તો, 3245 શેર વધ્યા હતા અને માત્ર 889 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં વધતા વોલ્યુમ અને MACD હિસ્ટોગ્રામમાં સુધારો દર્શાવે છે કે આ તેજી લાંબા ગાળા સુધી ટકી શકે છે. જોકે, નિષ્ણાતો સાવચેત કરી રહ્યા છે કે જો વીકએન્ડ દરમિયાન કોઈ નેગેટિવ વૈશ્વિક સમાચાર આવશે તો સોમવારે બજાર રિએક્ટ કરી શકે છે.

રૂપિયાની ચાલ અને કરન્સી માર્કેટ

શેરબજારમાં તેજી હોવા છતાં ભારતીય રૂપિયો આજે અમેરિકન ડોલર સામે થોડો નબળો પડ્યો છે. રૂપિયો 7 પૈસા ઘટીને 92.73 ના સ્તરે બંધ રહ્યો છે, જે અગાઉ 92.66 પર હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now