Stock Market Crash: ભારતીય શેરબજારમાં સોમવારે ભારે વેચાણ જોવા મળ્યું હતું. ઈરાન-અમેરિકા વચ્ચે વધતા ભૌગોલિક તણાવ અને ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળાને કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો, જેના પરિણામે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર બંધ થયા હતા. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં 'સોમવાર' ખરેખર 'બ્લેક મન્ડે' સાબિત થયો હતો. વૈશ્વિક બજારોના નબળા સંકેતો અને ખાસ કરીને પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે બજારમાં મોટું ગાબડું પડ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લગભગ 1% જેટલા ઘટીને બંધ થયા હતા. આ ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ થયું છે, જેમાં FMCG, ઓટો અને IT સેક્ટરમાં સૌથી વધુ વેચાણ જોવા મળ્યું હતું.
બજારની સ્થિતિ: સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો
ટ્રેડિંગ સત્રના અંતે, બીએસઈ (BSE) સેન્સેક્સ 702.68 પોઈન્ટ (0.91%) તૂટીને 76,847.57 પર બંધ રહ્યો હતો. તેવી જ રીતે, એનએસઈ (NSE) નિફ્ટી 207.95 પોઈન્ટ (0.86%) ઘટીને 23,842.65 ના સ્તરે પહોંચી ગયો હતો. બજારની શરૂઆત જ નબળી થઈ હતી અને દિવસ દરમિયાન અસ્થિરતા જોવા મળી હતી. જોકે, નીચલા સ્તરેથી કેટલીક બ્લુ-ચિપ કંપનીઓમાં ખરીદી આવતા બજાર થોડું રિકવર થયું હતું, પરંતુ તે મજબૂતી જાળવી શક્યું નહીં.
સેક્ટર મુજબની ચાલ: માત્ર પાવર અને ડિફેન્સ બચ્યા
આજના કારોબારમાં લગભગ તમામ સેક્ટરમાં લાલચોળ ઘટાડો જોવા મળ્યો હતો.
સૌથી વધુ નુકસાન: FMCG, ઓટો, IT, એનર્જી અને ઓઈલ-ગેસ સેક્ટરમાં 1-1 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
રહેત: માત્ર પાવર, ડિફેન્સ અને ટેલિકોમ સેક્ટરમાં સામાન્ય હરિયાળી જોવા મળી હતી.
મિડકેપ અને સ્મોલકેપ: મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ સુરક્ષિત રહ્યા નહોતા અને તેમાં 0.5% નો ઘટાડો થયો હતો.
વધનારા અને ઘટનારા શેરો
ટોપ ગેઈનર્સ: એચડીએફસી લાઈફ, અદાણી એન્ટરપ્રાઈઝ, આઈસીઆઈસીઆઈ બેંક, એનટીપીસી (NTPC) અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલના શેરમાં તેજી જોવા મળી હતી.
ટોપ લુઝર્સ: મારૂતિ સુઝુકી, આઈશર મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ અને ઈન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો) માં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
બજાર પડવાનું મુખ્ય કારણ: ભૂ-રાજકીય તણાવ અને ક્રૂડ ઓઈલ
બજારના નિષ્ણાતોના મતે, અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ જતાં તણાવ વધી ગયો છે. આ કારણે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગઈ છે. અમેરિકા દ્વારા હોર્મુઝની સામુદ્રધુનીમાં સંભવિત સૈન્ય હિલચાલના સમાચારથી રોકાણકારો ફફડી ઉઠ્યા છે. ક્રૂડ મોંઘું થવાથી એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ વધવાની ભીતિએ એરલાઇન સેક્ટરના શેર પણ તૂટ્યા હતા.
રૂપિયામાં નબળાઈ અને મોંઘવારીના આંકડા
શેરબજારની સાથે ભારતીય રૂપિયો પણ નબળો પડ્યો છે. ક્રૂડના વધતા ભાવ અને વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા સતત થઈ રહેલી વેચવાલીથી રૂપિયો દબાણમાં છે. બીજી તરફ, માર્ચ મહિનાનો રિટેલ ફુગાવો (CPI Inflation) 3.40% નોંધાયો છે, જે અગાઉના 3.21% કરતા થોડો વધારે છે. મંગળવારે બજારમાં રજા હોવાથી રોકાણકારોએ આજે સાવચેતીનું વલણ અપનાવ્યું હતું.
નિષ્ણાતોની સલાહ: સાવચેત રહેવું જરૂરી
રેલિગેર બ્રોકિંગના અજિત મિશ્રાના જણાવ્યા અનુસાર, નિફ્ટી માટે 23,500નું સ્તર અત્યંત મહત્વનું છે. જો બજાર આ સ્તર જાળવી રાખશે તો જ બાઉન્સ બેક જોવા મળી શકે છે. ત્યાં સુધી રોકાણકારોએ સાવધાની રાખવી જોઈએ અને ક્વોલિટી સ્ટોક્સમાં જ રોકાણ કરવું જોઈએ.





