Startup Mahasangam: વિકસિત ભારત-2047 ને સાકાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તાવિત “સ્ટાર્ટઅપ ઇન્ડિયા' ને સમગ્ર દેશમાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. સેંકડો સ્ટાર્ટઅપ્સ દ્વારા લાખો રોજગારીનું સર્જન થયું છે. આ સ્ટાર્ટ અપ્સ પોતાની પાંખો વિસ્તરી શકે, એકબીજાના પુરક બનીને વિકાસ સાધી શકે, વધારે મૂડી રોકાણ મેળવી શકે, ટેકનોલોજીકલ સુધારા અંગે માર્ગદર્શન મેળવી શકે, માર્કેટિંગ માટે માર્ગદર્શન મેળવી શકે તેવા ઉદ્દાત આશયથી આત્મીય યુનિવર્સિટી દ્વારા “સ્ટાર્ટઅપ ફોરરનર અને મહાસંગમ-2025' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. 17 ડિસેમ્બરથી 21 ડીસેમ્બર 2025 સુધી ચાલનાર આ મહાસંગમનો શુભારંભ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને ધારાસભ્ય રમેશ ટીલાળાના હસ્તે દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉદબોધનમાં ટીલાળાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોની ક્ષમતા પર વિશ્વાસ રાખીને ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા' અને તેને આનુસંગિક યોજનાઓ અમલમાં મૂકી તેનાં સકારાત્મક પરિણામો દેખાઈ રહ્યાં છે. સ્ટાર્ટઅપ્સ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો આટલી મોટી સંખ્યામાં ગુજરાતના આંગણે એકત્ર થયા છે તે બહુ મોટી વાત છે. આત્મીય યુનિવર્સિટી અને આત્મીય ઈનોવેશન ફાઉન્ડેશન તેમજ આ વિરાટ કાર્ય માટે જે જે સરકારી, સહકારી, સ્વૈચ્છિક સંસ્થાઓ અને એસોસિએશનોએ સહયોગ આપ્યો છે તે તમામ અભિનંદનનાં અધિકારી છે.
ટીલાળાએ ઉમેર્યું હતું કે, દેશ અમૃતકાળમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે ઉત્સાહપૂર્વક પ્રગતિના દ્વાર ખોલવા તત્પર ઉદ્યોગ સાહસિકોને જોઇને બહુ નજીકના સમયમાં આપણે વિકસિત ભારતનાં દર્શન કરી શકીશું તેવી લાગણી અનુભવાય છે.
આત્મીય યુનિવર્સિટીના અધ્યક્ષ ત્યાગવલ્લભ સ્વામીએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, દેશનાં નેતૃત્વએ યુવાનોની શક્તિમાં મુકેલો વિશ્વાસ સાર્થક થતો જોવા મળે છે. ગુજરાતમાં આટલા વિશાળ પાયે સ્ટાર્ટઅપ ફોરરનર અને મહાસંગમનું આયોજન ગુજરાતની તાસીરને અભિવ્યક્ત કરે છે. આ પાંચ દિવસીય આયોજનમાં દરેક સ્ટાર્ટઅપ્સને પોતાને લાભ થયો છે તેવી પ્રતીતિ થાય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. દેશના યુવાનો રોજગારી મેળવનારની સાથોસાથ રોજગારી આપનારા બને તે માટે આ આયોજન મહત્વનું બની રહેશે. ઇન્વેસ્ટર્સ, કોલાબરેટર્સ, ઇનોવેટર્સ, ઇન્ફલ્યુએન્સર્સ વગેરેને પરસ્પર નજીક આવવાની તક સાંપડશે.
ત્યાગવલ્લભ સ્વામીએ ઉમેર્યું હતું કે, આ આયોજનની મહત્વની બાબત એ છે કે, અત્રે ભાગ લેનાર સ્ટાર્ટઅપ્સ સાથે આવનારાં દોઢ વર્ષ સુધી સતત ફોલોઅપ કરીને તેમને જરૂરી માર્ગદર્શન મળી રહે, કોઈ અડચણ અનુભવતા હોય તો તે દુર થઇ શકે, સરકારી વિભાગોમાં ક્યાંય રજૂઆત કરવાની થતી હોય તો તે માટે માર્ગદર્શન મળી રહે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરના માસ્ટર ટ્રેનર્સ ઉપરાંત સંભવિત ઇન્વેસ્ટર્સ અને કોલાબરેટર્સ સાથે પેચઅપ કરવા આગામી દોઢ વર્ષ સુધી સાપ્તાહિક મેન્ટરીંગ સેશન્સના આયોજન કરવામાં આવનાર છે. ભારતમાતાને પરમવૈભવના શિખરે બિરાજમાન કરવાની આકાંક્ષાને ફળીભૂત કરવામાં આ આયોજન મહત્વનું યોગદાન સાબિત થશે.
આત્મીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. રાકેશ મુદગલે આયોજનની સફળતા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમે પ્રથમવાર આ પ્રકારનું વિશાળપાયે આયોજન કર્યું છે. પણ, દરેક ક્ષેત્રોમાંથી ઉત્સાહવર્ધક પ્રતિસાદ સાંપડ્યો છે. 450 થી વધુ સ્ટાર્ટઅપ્સ દ્વારા આગોતરું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. 100 થી વધુ રોકાણકારો ભાગ લઇ રહ્યા છે. તા. 21 ડિસેમ્બરે આયોજિત સ્ટાર્ટઅપ મહાસંગમમાં તો ત્રણ હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ ડેલીગેટ્સ, ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો અને સફળ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના છે. આ સમગ્ર કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત—2047 માટે અમૃતકાળમાં કરવા ધારેલ કર્મયજ્ઞોમાં મહત્વની આહુતિ બની રહેશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલથી નવું કરી બતાવવાની ક્ષમતા ધરાવતા યુવાનોને માટે તકોનું સર્જન થાય, તેમને યોગ્ય વાતાવરણ મળે, ફંડિંગ મળે, જરૂરી માર્ગદર્શન મળે તે માટે ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા' ની યોજના કરવામાં આવી છે. ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ આ બાબતે નોડલ એજન્સીનું કાર્ય કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મતે માઈક્રો, સ્મોલ અને મીડીયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે, એમ.એસ.એમ.ઈ. સેક્ટરને મજબુત બનાવીને દેશના આર્થીક વિકાસને ગતિ આપવામાં સ્ટાર્ટઅપ્સ મહત્વનું યોગદાન આપી શકવાની ક્ષમતા ધરાવે છે. તે સંજોગોમાં આત્મીય યુનિવર્સિટી ખાતે થયેલું આ આયોજન દેશના વિકાસ માટે મહત્વની કડી સાબિત થશે. ઉદઘાટન સમારોહમાં ગુજરાતનાં આગવાં સ્ટાર્ટઅપ મીટ્ટીકુલના સ્થાપક મનસુખ પ્રજાપતિ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાની સફળતાની ગાથા વર્ણવી હતી.




















