Home National St Stephens College Shorts Ban Dress Code Student Protest

શોર્ટ્સ પહેરીને કોલેજ જનાર વિદ્યાર્થીઓને મોટો ઝટકો! : હવે શોર્ટ્સ પહેરીને ક્લાસ, લાઇબ્રેરી અને ડાઇનિંગ હોલમાં નહીં મળે એન્ટ્રી, નવા નિયમથી ઉઠ્યો વિરોધ

St Stephen's College Dress Code
Image Credit: dubeat.com
Published by: Nirali Gohil
Last Updated: Jul 29, 2026, 06:41 AM IST

St Stephen's College Dress Code: દિલ્હી યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ દેશની પ્રતિષ્ઠિત સેન્ટ સ્ટીફન્સ કોલેજ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ વખતે કારણ કોઈ શૈક્ષણિક સિદ્ધિ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવેલો નવો ડ્રેસ કોડ છે. કોલેજ પ્રશાસને ક્લાસરૂમ, લાઇબ્રેરી, ડાઇનિંગ હોલ, એસેમ્બલી હોલ અને ચેપલ જેવા વિસ્તારોમાં શોર્ટ્સ પહેરીને આવવા પર પ્રતિબંધ મૂકતો નોટિસ જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કોલેજનું કહેવું છે કે, સંસ્થાની પરંપરા અને શૈક્ષણિક વાતાવરણને જાળવવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. બીજી તરફ, કેટલાક વિદ્યાર્થીઓએ આ નિર્ણયને વ્યક્તિગત સ્વતંત્રતામાં હસ્તક્ષેપ ગણાવી તેને 'મોરલ પોલીસિંગ' તરીકે ગણાવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે અને કોલેજના નિર્ણય અંગે વિવિધ મંતવ્યો સામે આવી રહ્યા છે.

નવા વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયો ડ્રેસ કોડ

મળતી માહિતી અનુસાર, દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ કોલેજમાં પહોંચ્યા હતા. પ્રથમ જ દિવસે કેટલાક વિદ્યાર્થીઓ શોર્ટ્સ પહેરીને કોલેજમાં આવ્યા હતા, ત્યારબાદ સેન્ટ સ્ટીફન્સ કોલેજ પ્રશાસને સત્તાવાર નોટિસ જાહેર કર્યો. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, વિદ્યાર્થીઓ ક્લાસરૂમ, એસેમ્બલી હોલ, લાઇબ્રેરી, ડાઇનિંગ હોલ અને ચેપલમાં શોર્ટ્સ પહેરીને પ્રવેશ કરી શકશે નહીં. કોલેજ પરિસરમાં અનેક સ્થળોએ આ નોટિસ લગાવવામાં આવ્યો છે, જેથી તમામ નવા વિદ્યાર્થીઓ નિયમોથી માહિતગાર થઈ શકે.

પ્રિન્સિપાલની સહી સાથે જારી થયો નોટિસ

આ નોટિસ પર કોલેજની નવી પ્રિન્સિપાલ સુસાન એલિયાસની સહી હોવાનું જણાવાયું છે. નોટિસમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને કોલેજની પરંપરા અને શિસ્ત જાળવવા માટે ડ્રેસ કોડનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. જો કે કેટલાક વિદ્યાર્થીઓનો દાવો છે કે આ નિયમ માત્ર નવા વિદ્યાર્થીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વરિષ્ઠ વિદ્યાર્થીઓ માટે પણ લાગુ પડે છે.

આ પણ વાંચો: લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર આજે ચર્ચા : રાહુલ ગાંધીના ભાષણ પર નજર, રાજ્યસભાથી લોકસભા સુધી રાજકીય ઘમાસાણ; જાણો કોણે શું કહ્યું

વિદ્યાર્થીઓનો વિરોધ, 'મોરલ પોલીસિંગ'નો આરોપ

ડ્રેસ કોડને લઈને વિદ્યાર્થીઓમાં વિરોધ પણ શરૂ થયો છે. કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોલેજ પ્રશાસન તેમના વ્યક્તિગત પહેરવેશની પસંદગીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે, જે યોગ્ય નથી. વિદ્યાર્થીઓએ આ નિર્ણયને 'મોરલ પોલીસિંગ' ગણાવ્યો છે. તેમના મતે કોલેજનું ધ્યાન શિક્ષણ અને શૈક્ષણિક વાતાવરણ પર હોવું જોઈએ, કપડાં પર નહીં. જોકે કેટલાક અન્ય વિદ્યાર્થીઓનું માનવું છે કે આ નિયમ નવો નથી અને વર્ષોથી કોલેજની પરંપરાનો ભાગ રહ્યો છે. તેમનું કહેવું છે કે સામાન્ય રીતે આ નિયમનું કડક પાલન કરાવવામાં આવતું નથી અને તેના માટે સજા પણ આપવામાં આવતી નથી.

સ્પોર્ટ્સ વિદ્યાર્થીઓ પર સૌથી વધુ અસર

કોલેજના આ નિયમની સૌથી વધુ અસર રમતગમત સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ પર પડી શકે છે. ખેલાડીઓ સામાન્ય રીતે સવારે પ્રેક્ટિસ માટે કોલેજની અધિકૃત સ્પોર્ટ્સ કિટમાં આવે છે, જેમાં શોર્ટ્સનો સમાવેશ થાય છે. કેટલાક વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, અગાઉ પણ શોર્ટ્સ પહેરીને આવેલા ખેલાડીઓને ડાઇનિંગ હોલમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ કારણે રમતગમત સાથે જોડાયેલા વિદ્યાર્થીઓમાં પણ આ નિર્ણય અંગે અસંતોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: શિરડીના સાઈ બાબાને કરોડોની ભેટ! : ગુરુ પૂર્ણિમાએ ભક્તે અર્પણ કર્યો રૂ.1.03 કરોડનો સુવર્ણ મુગટ

યુનિવર્સિટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા નહીં

સેન્ટ સ્ટીફન્સ કોલેજ દ્વારા જાહેર કરાયેલા આ નોટિસ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે, પરંતુ દિલ્હી યુનિવર્સિટી તરફથી હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન અથવા સ્પષ્ટતા આપવામાં આવી નથી. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના વિરોધ અને કોલેજ પ્રશાસનની પ્રતિક્રિયા બાદ આ મુદ્દે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. હાલ માટે ડ્રેસ કોડને લઈને શરૂ થયેલી ચર્ચાએ ફરી એકવાર શિક્ષણ સંસ્થાઓમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને સંસ્થાકીય શિસ્ત વચ્ચેના સંતુલન અંગે ચર્ચા જગાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now