Anti Paper Leak Bill, Lok Sabha 2026: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન એન્ટી પેપર લીક બિલને લઈને રાજકીય તાપમાન સતત વધી રહ્યું છે. લોકસભામાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિઓ રોકવા માટે લાવવામાં આવેલા 'જાહેર પરીક્ષા (અનૈતિક સાધનો અટકાવવા) સુધારા વિધેયક, 2026' પર આજે પણ ચર્ચા ચાલુ રહેશે. બિલ પર ચર્ચાના બીજા દિવસે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શું વલણ અપનાવે છે અને સરકારને કયા મુદ્દાઓ પર ઘેરે છે તેના પર દેશભરની નજર ટકેલી છે. બીજી તરફ રાજ્યસભામાં પણ વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ, નીટ પેપર લીક અને લોકશાહી જેવા મુદ્દાઓને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા તેમજ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ વચ્ચે તીખી શબ્દયુદ્ધ જોવા મળ્યું. સંસદની બંને ગૃહોમાં પેપર લીકનો મુદ્દો રાજકીય ચર્ચાના કેન્દ્રમાં રહ્યો.
લોકસભામાં આજે રાહુલ ગાંધીના ભાષણ પર ખાસ નજર
એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન આજે રાહુલ ગાંધી સરકાર સામે શું મુદ્દા ઉઠાવે છે તે રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે છેલ્લા કેટલાક દિવસોથી NEET પેપર લીક, ભરતી પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને કેન્દ્ર સરકાર પર સતત પ્રહાર કર્યા છે. કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ લોકસભામાં શિક્ષણ મંત્રી અંગે સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીએ સંસદ પરિસરની બહાર મીડિયા સાથે વાતચીત દરમિયાન પણ સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે તેમના સત્તાવાર ભાષણ પર સૌની નજર રહેશે.
રાજ્યસભામાં ખડગેનો સરકાર પર આકરો પ્રહાર
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ NEET પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, પેપર લીક જેવી ગંભીર ઘટનાઓમાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. વિદ્યાર્થીઓ પર બળપ્રયોગની ટીકા કરતાં તેમણે દાવો કર્યો કે અન્યાય સામે અવાજ ઉઠાવતા યુવાનો સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું છે તે લોકશાહી માટે ચિંતાજનક છે.
જે.પી. નડ્ડાનો જવાબ: ઇમરજન્સીમાં મારી પણ ધરપકડ થઈ હતી
ખડગેના આક્ષેપોનો જવાબ આપતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ પોતાના વિદ્યાર્થી જીવનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ પોતે પણ વિદ્યાર્થી આંદોલન સાથે જોડાયેલા રહ્યા હતા અને ઇમરજન્સી દરમિયાન તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે સરકાર વિદ્યાર્થીઓના મુદ્દાઓને ગંભીરતાથી લઈ રહી છે અને પેપર લીક જેવી ગેરરીતિઓ સામે કડક કાયદાકીય વ્યવસ્થા ઉભી કરવા માટે જ આ બિલ લાવવામાં આવ્યું છે.
અખિલેશ યાદવના સવાલો: અત્યાર સુધી કેટલાને સજા થઈ?
લોકસભામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ બિલ પર ચર્ચા દરમિયાન સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે, જો સરકાર ખરેખર પેપર લીક રોકવા પ્રતિબદ્ધ હોય તો પહેલા એ સ્પષ્ટ કરવું જોઈએ કે અત્યાર સુધી જૂના કાયદા હેઠળ કેટલા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કેટલાને સજા થઈ છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે તાજેતરના વર્ષોમાં સૌથી વધુ પેપર લીકની ઘટનાઓ બની છે, તેથી સરકારે જવાબદારી સ્વીકારવી જોઈએ.
ચડાવાની ચોરીના મુદ્દે સપાનો વિરોધ
આ દરમિયાન સમાજવાદી પાર્ટીએ મંદિરોમાં ચડાવાની ચોરીના મુદ્દે પણ સંસદ પરિસરમાં અનોખું પ્રદર્શન કર્યું. સપા પ્રમુખ અખિલેશ યાદવ હાથમાં દાનપાત્ર લઈને સંસદ પહોંચ્યા હતા. તેમની સાથે પક્ષના અન્ય સાંસદોએ પણ પોસ્ટર અને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને સમગ્ર મામલે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી.
આ પણ વાંચો: શિરડીના સાઈ બાબાને કરોડોની ભેટ! : ગુરુ પૂર્ણિમાએ ભક્તે અર્પણ કર્યો રૂ.1.03 કરોડનો સુવર્ણ મુગટ
એન્ટી પેપર લીક બિલ કેમ મહત્વનું?
તાજેતરના વર્ષોમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી પરીક્ષાઓમાં પેપર લીકના અનેક કેસો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિઓને રોકવા માટે કડક કાયદાકીય માળખું મજબૂત કરવાની દિશામાં આ સુધારા વિધેયક રજૂ કર્યું છે. સરકારનું કહેવું છે કે, નવા કાયદા દ્વારા પેપર લીક, નકલ અને પરીક્ષામાં ગેરરીતિઓ કરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી શક્ય બનશે. બીજી તરફ વિપક્ષનું કહેવું છે કે માત્ર નવો કાયદો લાવવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ હાલના કાયદાનો અસરકારક અમલ અને જવાબદારો સામે ઝડપી કાર્યવાહી પણ એટલી જ જરૂરી છે.
હવે લોકસભામાં આજે થનારી ચર્ચા અને રાહુલ ગાંધીના ભાષણ બાદ આ બિલને લઈને રાજકીય ચર્ચા વધુ તેજ બનવાની શક્યતા છે.





