Home Gujarat Special Programs In The Presence Of Somnath Dada In Shravan

શ્રાવણમાં સોમનાથ દાદાના સાનિધ્યમાં ખાસ કાર્યક્રમો : છ ચરણમાં કલા દ્વારા કલ્યાણના દેવતાની આરાધના કરાશે

શ્રાવણમાં સોમનાથ દાદાના સાનિધ્યમાં ખાસ કાર્યક્રમો
Published by: OBS Bureau
Last Updated: Jul 30, 2025, 10:07 AM IST

પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં સદીઓ પહેલાં હજારો નર્તક-નર્તકીઓ દ્વારા પોતાનું નૃત્ય પ્રસ્તુત કરીને કલા અને કલ્યાણના દેવતા નટરાજ સોમનાથ મહાદેવની કલા આરાધના કરવામાં આવતી હતી તે અનેક ગ્રંથો અને લેખોમાં પ્રાપ્ત થાય છે. આ પ્રાચીન કલા આરાધનાની દૈવીય પરંપરા અને ભારતીય નૃત્ય શૈલીઓમાં રહેલ શિવ તત્વને પુનઃ ઉજાગર કરવાના દિવ્ય સંકલ્પને નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મૂર્ત સ્વરૂપ મળ્યું છે. જેના પગલે "વંદે સોમનાથ કલા મહોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું છે.


શ્રાવણના સોમવારે 3 વિશેષ મંચો પર ગાયન વાદન અને રોશનીના કાર્યક્રમો

શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારે શ્રી સોમનાથ ટ્રસ્ટ નિર્મિત 3 વિશેષ મંચો પર ગાયન વાદન અને રોશની સાથે વિવિધ ભારતીય નૃત્ય શૈલીના નિપૂણ કલાકારો દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભક્તિ અને કલાનું અભૂતપૂર્વ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA)ના સહયોગ સાથે આ આયોજન હેઠળ આ મહોત્સવનું ધ્યેય ભારતના તીર્થો અને મંદિરોના આધ્યાત્મિક ઉપરાંત સાંસ્કૃતિક ગૌરવને પુન: સ્થાપિત કરવાનો છે.


દ્વિતીય ચરણ

"વંદે સોમનાથ કલા મહોત્સવ"ના બીજા ચરણમાં, સોમનાથ મંદિર ચોપાટી ગ્રાઉન્ડ તેમજ સમુદ્ર દર્શન વોકવે એમ 2 દિવ્ય સ્થાનો ખાતે પુના થી આવેલ નાદરૂપ વૃંદ દ્વારા કથક નૃત્ય, શ્રીમતિ રેમાં શ્રીકાંત (ECPA)ફાઉન્ડેશન વડોદરા અને તેમના શિષ્યો દ્વારા ભારત નાટ્યમ અને સોનલ શાહ અને તેમના શિષ્યો દ્વારા હુડો, રાહડો, સહિતા પારંપરિક ગુજરાતી નૃત્યો, ગાર્ગી બ્યાબર્તી અને દેવાંશી દેવગૌરી તેમજ શ્રીમતી દેવિકા દેવેન્દ્ર એસ મંગલા મુખી દ્વારા કથક નૃત્ય પ્રસ્તુત કરી દર્શકોને રોમાંચિત કરવામાં આવ્યા હતા.


તૃતીય ચરણ

"વંદે સોમનાથ કલા મહોત્સવ"ના ત્રીજા ચરણમાં સોમનાથના 3 અદ્ભુત દ્રશ્ય સ્થાનો પર એકીસાથે યોજવામાં આવ્યા હતા. જ્યાં સોમનાથ મંદિર સમીપ સાગરદર્શન અપ્રોચ એરિયા, સમુદ્ર દર્શન પથ પ્રોમેનેડ વોક વે, અને સોમનાથા મંદિરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે અંજલિ મેમોરીયલ કમિટી દ્વારા ભરતનાટ્યમ, મુંબઈના આનંદલહારી સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા શિવ આરાધના, કોલકાતાના ધ્રુબા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાન્સ ફાઉન્ડેશન દ્વારા પારંપરિક શૈલીમાં ભરતનાટ્યમ અને પૂણેથી આવેલ ઈશાવસ્ય ગુરુકુલમ દ્વારા કથક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા હતા


ચોથા ચરણમાં કથક નૃત્યો

ચોથું ચરણ – 04 ઓગસ્ટ, 2025ના રોજ યોજાશે જેમાં ઉદયપુર રાજસ્થાનથી કૃષ્ણેન્દુ સહા અને નૃત્યોર્મી સ્કૂલ દ્વારા ઓડિસી નૃત્ય, પુણે મહારાષ્ટ્રના કલાવર્ધિની ડાન્સ કંપની દ્વારા ભરતનાટ્યમ, અમદાવાદના સ્મિતા શાસ્ત્રીનું નૃત્ય વૃંદ દ્વારા કુચીપુડી, અને દિલ્લીથી લીના માલાકાર વિજ અને ટીમ દ્વારા કથક નૃત્યો પ્રસ્તુત કરી શિવ આરાધના કરાશે.


પાંચમું ચરણ

11 ઓગસ્ટ, 2025ના રોજ યોજાશે જેમાં દિલ્હીથી સુબ્રતા પંડા અને રસા સ્કૂલ ઓફ ઓડિસી ડાન્સ દ્વારા ઓડિસી નૃત્ય, વડોદરાની તત્વ અકાદમીની દ્યુતિ પંડ્યા દ્વારા કથક નૃત્ય અને અમદાવાદના અપલ શાહના એસ.પી.એ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાન્સ દ્વારા પરંપરાગત ટિપ્પણી નૃત્યો રજૂ કરીને સોમનાથ મહાદેવની ભક્તિમાં નૃત્યાર્પણ કરવામાં આવશે.


છઠ્ઠું ચરણ

શ્રાવણના અંતિમ સોમવારે 18 ઓગસ્ટ, 2025ના રોજ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવશે, જેમાં દિલ્હીથી લિપ્સા સતપથિ અને તેમની ટીમ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ, દિલ્હીથી કલામંડલમ વિશ્નપ્રિયા અને તેમની ટીમ દ્વારા દુર્લભ રીતે જોવા મળતું મોહિનિયાટ્ટમ, વડોદરાની કલ્પ સર્જનિ દ્વારા કથક, અમદાવાદની નૃત્યમ અકાદમી દ્વારા ભરતનાટ્યમ અને કદમ નૃત્ય કેન્દ્ર દ્વારા કથક નૃત્યના અત્યંત કલાત્મક કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now