Home Agriculture South India Tea Promotion Group Reaches Gujarat Holds Important Discussions And Tasting With Tea Traders

ગુજરાતના કપમાં દક્ષિણી સુગંધનો તડકો! : સાઉથ ઇન્ડિયા ટી પ્રમોશન ગ્રુપ પહોંચ્યું અમદાવાદ, ચા વેપારીઓ સાથે મહત્વની ચર્ચા અને ટેસ્ટિંગ

ગુજરાતના કપમાં દક્ષિણી સુગંધનો તડકો!
Published by: OBS Bureau
Last Updated: Dec 21, 2025, 11:00 AM IST

Gujarat Tea: ગુજરાતનું ચા બજાર વપરાશ અને વેપાર બંને દૃષ્ટિએ દેશના સૌથી મોટા બજારોમાંનું એક છે. રાજ્યમાં વાર્ષિક 70,000થી 80,000 ટનથી વધુ ચાનો વપરાશ થાય છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં દરરોજ લાખો કપ ચા પીવામાં આવે છે. જોકે, ગુજરાતની મોટા ભાગની ચા (60-65%) આસામથી આવે છે, જ્યારે દક્ષિણ ભારત (મુખ્યત્વે નીલગીરી)માંથી માત્ર 8-10% જ ચા ખરીદવામાં આવે છે. આ સ્થિતિ બદલવા માટે સાઉથ ઇન્ડિયા ટી પ્રમોશન ગ્રુપનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અમદાવાદમાં આવ્યું છે.

ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશનના 300થી વધુ સભ્યો સાથે ચર્ચા

ગ્રુપના કન્વીનર દીપક શાહએ જણાવ્યું કે, તેઓ ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશનના 300થી વધુ સભ્યો સાથે ચર્ચા કરી રહ્યા છે, જેમાં દક્ષિણ ભારતીય ચાનું માર્કેટિંગ અને ખરીદી વધારવા પર ધ્યાન કેન્દ્રિત છે. ગિરીશ નાયરના નેતૃત્વ હેઠળના આ પ્રતિનિધિમંડળમાં કોઈમ્બતુર ટી ટ્રેડ એસોસિએશન, કોચીન ટી ટ્રેડ એસોસિએશન, યુપાસી (UPASI) અને ફેડરેશન ઓફ ટી ટ્રેડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિઓ સામેલ છે. તેઓ ગુજરાતના વેપારીઓ સાથે મુલાકાતો લેશે, ચા ટેસ્ટિંગ સત્ર અને અન્ય ઇન્ટરેક્ટિવ મીટિંગ્સનું આયોજન કરશે.

પ્રદેશો વચ્ચે વેપાર સંબંધો મજબૂત બને તેવી અપેક્ષા

આ મુલાકાતનો મુખ્ય હેતુ દક્ષિણ ભારતીય ચાની ખરીદીનું પ્રમાણ વધારવાનો છે. આ મહત્વપૂર્ણ બેઠકથી ખરીદીના પેટર્નમાં મોટો ફેરફાર આવે અને પ્રદેશો વચ્ચે વેપાર સંબંધો મજબૂત બને તેવી અપેક્ષા છે. નોંધનીય છે કે, આ ગ્રુપે અગાઉ હૈદરાબાદ અને મુંબઈમાં પણ સફળ મીટિંગ્સ યોજી હતી, જેના સકારાત્મક પરિણામો મળ્યા હતા. ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં પણ આવા પ્રવાસો યોજાશે. દક્ષિણ ભારતીય ચા, ખાસ કરીને નીલગીરીની ચા, તેની સુગંધ અને ગુણવત્તા માટે જાણીતી છે, જે પ્રીમિયમ બ્લેન્ડ્સમાં વપરાય છે. આ પહેલથી ગુજરાતના ચા પ્રેમીઓને નવા વિકલ્પો મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now