દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લામાં જનજીવન પર ગંભીર અસર પડી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તે મુજબ રાજ્ય સરકારે આગોતરા તૈયારીરૂપે રાહત અને બચાવ કામગીરી માટે તંત્રને સજ્જ કરી દીધું હતું. ખાસ કરીને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે વાપી અને ઉમરગામ સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સામેલ છે.
રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે છેલ્લા 28 કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં અંદાજે 43 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત વાપી, કપરાડા અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો: પરિવારના મુખ્ય વ્યક્તિના અવસાન બાદ લોન કોણ ભરશે? : મોટા ભાગના લોકો આ નિયમ જાણતા નથી
આગોતરા આયોજનથી શરૂ કરાઈ બચાવ કામગીરી
વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગઈકાલથી જ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી હતી. વરસાદની તીવ્રતા વધતાં વધુ ટીમો પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને સ્થાનિક આપદા મિત્રોના સંકલનથી રાતભર રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વાપી વિસ્તારમાં આશરે 500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં અંદાજે 1,500 લોકોને સલામત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં કાવેરી નદીના પ્રભાવિત 11 ગામોમાંથી આશરે 200 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ કોઈપણ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ફસાયેલા હોય તેવી સ્થિતિ નથી.
વહીવટી તંત્રને મેદાનમાં ઉતારાયું
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રેડ એલર્ટ ધરાવતા જિલ્લાઓના પ્રભારી સચિવોને તાત્કાલિક અસરગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ તે વિસ્તારોમાં ફરજ બજાવી ચૂકેલા એડિશનલ કલેક્ટર, નાયબ કલેક્ટર અને મામલતદાર કક્ષાના અધિકારીઓને પણ સંબંધિત જિલ્લા કલેક્ટરના સંકલનમાં રાહત કામગીરી માટે મોકલવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર અને અન્ય વહીવટી અધિકારીઓ સ્થળ પર રહી સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને બચાવ કામગીરીનું સંકલન કરી રહ્યા છે.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યું મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : ઉમરગામમાં 35.67 ઈંચ વરસાદ, 365 રસ્તા બંધ
300થી વધુ રસ્તા બંધ, પરિવહન અને વીજ પુરવઠા પર અસર
ભારે વરસાદને કારણે રાજ્યમાં પંચાયત માર્ગો સહિત 300થી વધુ રસ્તાઓ પર પાણી ફરી વળતાં તેમને અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત 200થી વધુ એસટી બસ ટ્રિપ્સ રદ અથવા સ્થગિત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠા પર પણ અસર જોવા મળી છે. હાલમાં બે સબસ્ટેશનમાં ટેકનિકલ સમસ્યાની માહિતી મળી છે અને પાણી ઉતરતાં જ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
SEOCમાંથી મુખ્યમંત્રી સતત કરી રહ્યા છે મોનિટરિંગ
રાજ્ય સરકારના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)માંથી મુખ્યમંત્રી સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે સુરત, નવસારી અને વલસાડના કલેક્ટરો સાથે સીધો સંવાદ કરીને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને પાણી ઉતર્યા બાદ આરોગ્ય, સફાઈ, પીવાના પાણી અને જરૂરી જાહેર સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે પણ આગોતરા આયોજનના નિર્દેશ આપ્યા છે.
મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી હતી અને કેન્દ્ર તરફથી જરૂરી તમામ પ્રકારની સહાયની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. સંભવિત એરલિફ્ટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એરફોર્સ અને કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જોકે હાલ ખરાબ હવામાનને કારણે હવાઈ કામગીરી શક્ય નથી.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં વરસાદી સંકટ : CM ભૂપેન્દ્ર પટેલે વલસાડ, સુરત-નવસારીની સ્થિતિની કરી સમીક્ષા
હાલ માનવહાનિ નહીંવત, ટીમો હાઈ એલર્ટ પર
રાહત કમિશનરના જણાવ્યા અનુસાર હાલમાં વરસાદને કારણે કોઈ મોટી માનવહાનિ નોંધાઈ નથી. જોકે તાપી જિલ્લામાં ડૂબી જવાથી એક વ્યક્તિના મૃત્યુની ઘટના નોંધાઈ છે. તે સિવાય અન્ય કોઈ માનવ મૃત્યુનો અહેવાલ પ્રાપ્ત થયો નથી.
હાલ સુરત જિલ્લામાં ત્રણ NDRF અને પાંચ SDRFની ટીમો કાર્યરત છે. વલસાડ જિલ્લામાં બે NDRF અને ચાર SDRFની ટીમો બચાવ કામગીરી કરી રહી છે, જ્યારે વધારાની એક-એક NDRF અને SDRF ટીમ મોકલવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં SDRFની બે ટીમો કાર્યરત છે અને એક NDRF ટીમ પણ તૈનાત કરવામાં આવી રહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે જેથી જરૂર પડતાં તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી શકાય.
રાજ્ય સરકારનું કહેવું છે કે વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.





