Home Gujarat South Gujarat Heavy Rain Vapi Navsari Monsoon July 2026

વાપીમાં બે કલાકમાં 4.13 ઈંચ વરસાદ, નવસારીમાં ઘરોમાં પાણી ઘૂસ્યાં : દ. ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ; આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

વરસાદ
Published by: Chintan Chavda
Last Updated: Jul 01, 2026, 05:21 AM IST

અમદાવાદ/વાપી: જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ચોમાસાએ આખરે જોર પકડવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં બુધવારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા અનેક શહેરો અને ગામોમાં જનજીવન પ્રભાવિત થયું છે. વાપીમાં માત્ર બે કલાકમાં 4.13 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે નવસારી જિલ્લામાં 4 ઈંચથી વધુ વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ, સુરતમાં રોડ ધસી પડતાં એસટી બસ ફસાઈ જવાની ઘટના સામે આવી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ આગામી 48 કલાક દરમિયાન ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લેશે. 2થી 4 જુલાઈ દરમિયાન ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભરૂચમાં પહેલા જ વરસાદે ઉજાડી દીધો આખો પરિવાર : મોલની દીવાલ ધરાશાયી થતાં પિતા-પુત્રના મોત

વાપીમાં બે કલાકમાં 4.13 ઈંચ વરસાદ, અનેક વિસ્તારો જળબંબોળ

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં 4.13 ઈંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ચલા રોડ, કેચીગામ રોડ, મુખ્ય રેલવે અંડરપાસ સહિતના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રેલવે અંડરપાસમાં પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર પર અસર પડી હતી. ઓફિસ અને ઉદ્યોગોમાં કામે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે પમ્પિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 75 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તેમાં સૌથી વધુ નવસારી તાલુકામાં 4.53 ઈંચ અને જલાલપોર તાલુકામાં 3.50 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે નવસારી શહેર અને આસપાસના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તેમજ કેટલાક રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારે 6થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 27 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. વાપી બાદ ઉમરગામમાં 1.73 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે સુરત, પલસાણા, પારડી સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ મેટ્રો ફેઝ-3B માટે કાઉન્ટડાઉન શરૂ : GMRCએ રૂ.1.46 કરોડનું જિયોટેકનિકલ ટેન્ડર બહાર પાડ્યું

સુરતમાં રોડ ધસી પડતાં એસટી બસ ફસાઈ

સુરતના ઉધના ગામ નજીક મુખ્ય માર્ગ પર અચાનક રોડનો એક ભાગ ધસી પડતાં મોટો ખાડો પડી ગયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, ઘટનાને પગલે ટ્રાફિક પર અસર પડી હતી અને સ્થાનિકોએ પ્રી-મોન્સૂન કામગીરી તથા રોડની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઘટનાની જાણ થતાં તંત્ર સ્થળ પર પહોંચી માર્ગને સુરક્ષિત બનાવવા અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા કામગીરી હાથ ધરી હતી.

સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર

અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારમાં પણ સતત વરસાદને કારણે નાવલી નદીમાં પાણીની આવક વધી છે. નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સ્થાનિક તંત્રએ લોકોને સૂચના આપી છે. વરસાદ ચાલુ રહે તો પાણીના સ્તરમાં વધુ વધારો થવાની શક્યતા છે.

આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે 1 જુલાઈ માટે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના અનુમાન મુજબ 2 જુલાઈથી વરસાદનું જોર વધુ વધશે. ખાસ કરીને 3 અને 4 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ગાજવીજ, વીજળી પડવાની શક્યતા અને કલાકના 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની તેમજ નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: અમરેલી LCBનો મોટો સપાટો : ગુપ્ત ખાનાવાળી ઈકો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, ₹2.64 લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનમાં 80 ટકા વરસાદની ઘટ, હવે જુલાઈ પર આશા

સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન સુધી ચોમાસું સત્તાવાર રીતે બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાનું આગમન મોડું થતાં 24 જૂને રાજ્યમાં પ્રવેશ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં કેટલાક દિવસો સુધી ચોમાસું સ્થિર રહી જતાં જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ વરસાદમાં આશરે 80 ટકા જેટલી ઘટ નોંધાઈ હતી. હવે જુલાઈની શરૂઆત સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આગાહી મુજબ વરસાદ ચાલુ રહેશે તો કૃષિ, જળાશયો અને પીવાના પાણીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાની આશા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now