સોમનાથ મંદિરમાં દર્શનાર્થે જતા યાત્રાળુઓને ઓનલાઈન ઠગાઈથી બચાવવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ અપીલ જાહેર કરવામાં આવી છે. ટ્રસ્ટે જણાવ્યું છે કે કેટલાક ફ્રોડ તત્વો સોશિયલ મીડિયા, વેબસાઈટ અને સર્ચ એન્જિનનાં મારફતે “VIP દર્શન” અથવા “સ્પેશ્યલ દર્શન” કરાવવાના નામે ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે રૂપિયા ઉઘરાવી રહ્યાં છે.
તાજેતરમાં આવા અનેક કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે જેમાં ફરજી વેબસાઈટો અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ભક્તોને ગેરમાર્ગે દોરી સોમનાથ મંદિરમાં VIP દર્શન માટે ટિકિટ અથવા પાસ ઉપલબ્ધ હોવાનો ખોટો દાવો કરવામાં આવે છે. ટ્રસ્ટે સ્પષ્ટતા કરી છે કે સોમનાથ મંદિરમાં રૂપિયા લઈને VIP કે સ્પેશ્યલ દર્શનની કોઈપણ સત્તાવાર વ્યવસ્થા અસ્તિત્વમાં નથી.
ગુગલ સર્ચમાં પણ દેખાતા ભ્રામક દાવા
ટ્રસ્ટની IT ટીમ દ્વારા સતત ઓનલાઈન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે કેટલાક ફ્રોડ ઓપરેટરો સર્ચ એન્જિન કીવર્ડ્સનો દુરુપયોગ કરીને Googleના AI આધારિત સર્ચ રિઝલ્ટમાં પણ “સોમનાથ VIP દર્શન ટિકિટ ઉપલબ્ધ” જેવા ભ્રામક સંદેશા દર્શાવી રહ્યાં છે.
ટ્રસ્ટે જણાવ્યું કે આ પ્રકારની માહિતી સંપૂર્ણપણે ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે. ઘણા ભક્તો ધાર્મિક લાગણીના કારણે આવી વેબસાઈટો પર વિશ્વાસ કરીને રૂપિયા ટ્રાન્સફર કરી દેતા હોય છે અને ત્યારબાદ છેતરપિંડીનો ભોગ બને છે. ટ્રસ્ટે ખાસ અપીલ કરી છે કે કોઈપણ અજાણી વેબસાઈટ, સોશિયલ મીડિયા લિંક અથવા ઓનલાઈન એજન્ટ દ્વારા VIP દર્શન માટે પૈસા માંગવામાં આવે તો તેનાથી સાવચેત રહેવું જોઈએ.
માત્ર સત્તાવાર વેબસાઈટ જ માન્ય
સોમનાથ ટ્રસ્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે ઓનલાઈન પૂજા, રૂમ બુકિંગ, પ્રસાદ ઓર્ડર સહિતની તમામ સેવાઓ માત્ર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ મારફતે જ ઉપલબ્ધ છે. ટ્રસ્ટે જણાવ્યું કે, સત્તાવાર વેબસાઈટ Somnath Official Website સિવાય અન્ય કોઈ વેબસાઈટ અથવા એપ્લિકેશન દ્વારા કરવામાં આવતી બુકિંગ અથવા ચુકવણી માટે ટ્રસ્ટ જવાબદાર રહેશે નહીં. યાત્રાળુઓએ કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતાં પહેલાં વેબસાઈટની સત્તાવારતા ચકાસણી કરવી જોઈએ.
ફ્રોડ વેબસાઈટ સામે કાર્યવાહી શરૂ
ટ્રસ્ટે આવી ભ્રામક અને છેતરપીંડી કરતી વેબસાઈટો સામે કડક પગલાં ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ટ્રસ્ટ દ્વારા આ પ્રકારની સાઇટ્સને બ્લોક કરવા માટે Google Support સમક્ષ સત્તાવાર રિપોર્ટ કરવામાં આવ્યો છે.
સાથે જ ફ્રોડમાં સંકળાયેલા લોકો સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ટ્રસ્ટનું કહેવું છે કે ધાર્મિક લાગણીઓનો લાભ લઈને કરવામાં આવતી આવી છેતરપિંડી કોઈપણ રીતે સહન કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: જામનગરમાં જબરું થયું! : જેલમાંથી સીધા મનપાની સામાન્ય સભામાં પહોંચ્યા કોર્પોરેટરો
યાત્રાળુઓને ખાસ સાવચેતી રાખવાની સલાહ
તાજેતરના સમયમાં દેશભરના મોટા મંદિરો અને યાત્રાધામોને નિશાન બનાવી ઓનલાઈન ઠગાઈના બનાવોમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને VIP દર્શન, ઝડપી બુકિંગ અને ખાસ સુવિધાના નામે ભક્તોને ફસાવવાના પ્રયાસો વધી રહ્યા છે. સાયબર નિષ્ણાતોનું કહેવું છે કે ભક્તોએ કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવી, OTP અથવા બેંકિંગ વિગતો શેર ન કરવી અને માત્ર સત્તાવાર વેબસાઈટનો જ ઉપયોગ કરવો જોઈએ. સોમનાથ ટ્રસ્ટે પણ ભક્તોને અપીલ કરી છે કે કોઈ શંકાસ્પદ વેબસાઈટ અથવા વ્યક્તિ દ્વારા પૈસા માંગવામાં આવે તો તરત જ ટ્રસ્ટ અથવા સ્થાનિક સાયબર ક્રાઇમ સેલને જાણ કરવી.






