Home Gujarat Smc Seizes Liquor Worth Rs 35 Lakh In Vadodara

વડોદરામાં SMCના દરોડા : 53 લાખનો મુદ્દામાલ જપ્ત, નામચીન બુટલેગર મનોજ ‘પાપડ’ સહિત 15 વોન્ટેડ જાહેર

વડોદરામાં SMCના દરોડા
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2026, 02:47 PM IST

વડોદરા શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC)એ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કોયલી ગામની સીમમાં ચાલી રહેલા દારૂના કટીંગના અડ્ડા પર SMCની ટીમે દરોડો પાડી 38 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ રૂ. 53.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

53,36,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે કોયલી ગામની સીમમાં મોટી માત્રામાં વિદેશી દારૂનું કટીંગ કરીને તેને વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે SMCની ટીમે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી 1949 બોટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 38,21,350 થાય છે. આ ઉપરાંત દારૂ ભરવા અને કટીંગ માટે ઉપયોગમાં લેવાતી ત્રણ કાર પણ પોલીસે જપ્ત કરી છે, જેની કિંમત રૂ. 14.50 લાખ હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ આરોપીઓ પાસેથી રૂ. 55 હજારની કિંમતના મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી આવતા કુલ મળીને રૂ. 53,36,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

15 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા

પોલીસે સ્થળ પરથી હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપભાઇ અગ્રાવલ (રહે. ગોરવા), મણીલાલ તેરસિંગ જોરપાટ (રહે. રાજસ્થાન) અને અનવરખાન મતાબદીન ખાન (રહે. જમ્મુ-કાશ્મીર)ની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ સામે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે જપ્ત કરાયેલ દારૂનો જથ્થો પશ્ચિમ વિસ્તારના નામચીન બુટલેગર મનોજ ઉર્ફે પાપડ શંકરભાઇ નરસિંઘાણીનો છે. પોલીસે મનોજ પાપડ સહિત કુલ 15 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. નોંધનીય છે કે મનોજ પાપડ સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક પ્રોહિબીશન ગુનાઓ નોંધાયેલા છે અને તે અગાઉ ત્રણ વખત પાસા હેઠળ જેલ જઈ ચૂક્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now