Dabhoi Nagarpalika Election Result 2026: વડોદરા જિલ્લાના ડભોઈ રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ડભોઈ નગરપાલિકામાં છેલ્લા 8 વર્ષથી એકહથ્થુ શાસન ભોગવતી ભારતીય જનતા પાર્ટીએ સત્તા ગુમાવી છે. ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય શૈલેષ મહેતાના ગઢ ગણાતા ડભોઈમાં કોંગ્રેસે જોરદાર વાપસી કરીને ભાજપના સુપડા સાફ કરી નાખ્યા છે. આ પરાજય માત્ર નગરપાલિકાની હાર નથી, પરંતુ સ્થાનિક સ્તરે ભાજપના સંગઠન અને ધારાસભ્યના વર્ચસ્વ સામે પણ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.
ચૂંટણીના જાહેર થયેલા પરિણામો મુજબ, ડભોઈ નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી કોંગ્રેસે બહુમતીનો આંકડો વટાવીને 21 બેઠકો પર શાનદાર વિજય મેળવ્યો છે. બીજી તરફ સત્તાધારી ભાજપ માત્ર 15 બેઠકો પર સમેટાઈ ગયું છે. 8 વર્ષના લાંબા અંતરાલ બાદ ડભોઈ નગરપાલિકા પર ફરી એકવાર 'પંજો' મજબૂત થયો છે અને કેસરીયો ફિક્કો પડ્યો છે.
વોર્ડ નંબર 2 માં દિગ્ગજોનો પરાજય: ઉલટફેરનું કેન્દ્ર
ડભોઈના વોર્ડ નંબર 2 માં સૌથી વધુ રોમાંચક અને આશ્ચર્યજનક પરિણામો જોવા મળ્યા છે. આ વોર્ડમાં ભાજપના માજી પ્રમુખ બિરેન શાહની હાર થઈ છે, જે ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવે છે. જોકે, આ જ વોર્ડમાં કોંગ્રેસ માટે પણ માઠા સમાચાર રહ્યા છે, કારણ કે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુભાષ ભોજવાણીએ પણ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ વોર્ડના પરિણામોએ સાબિત કર્યું છે કે મતદારોએ પક્ષ કરતા પરિવર્તન પર વધુ ભાર મૂક્યો છે.
શૈલેષ મહેતાના ગઢમાં કોંગ્રેસની સર્જિકલ સ્ટ્રાઈક
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) માટે આ પરિણામો અત્યંત આઘાતજનક છે. જે મતક્ષેત્રમાં તેમનો દબદબો છે ત્યાં જ નગરપાલિકામાં પરાજય થવો એ આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે ચિંતાનો વિષય બની શકે છે. કોંગ્રેસે સંગઠિત થઈને ભાજપના શાસન વિરોધી લહેરનો ફાયદો ઉઠાવ્યો અને 21 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. કોંગ્રેસના કાર્યકરોમાં અત્યારે ભારે ઉત્સાહ છે અને જીતના ગુલાલ ઉડી રહ્યા છે.
આ પણ વાંચો: 'પોર' બેઠક પર ખીલ્યું કમળ : 1 મિલિયન ફોલોઅર્સ ધરાવતી અંકિતા પરમારે વડોદરામાં લહેરાવી વિજય પતાકા
8 વર્ષ બાદ 'કમળ' મુરઝાયું, 'પંજો' મજબૂત
2018 થી ડભોઈ નગરપાલિકામાં ભાજપનું શાસન હતું. વિકાસના દાવાઓ છતાં સ્થાનિક પ્રશ્નો અને આંતરિક જૂથવાદ ભાજપને ભારે પડ્યો હોય તેમ જણાય છે. કોંગ્રેસે આ તકનો લાભ લઈને જનતા સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. હવે 36 બેઠકોવાળી નગરપાલિકામાં કોંગ્રેસ પોતાના પ્રમુખ અને કારોબારીની રચના કરશે.
પરિણામો પર એક નજર:
કુલ બેઠકો: 36
કોંગ્રેસ (વિજય): 21
ભાજપ: 15
મોટી હાર: બિરેન શાહ (માજી પ્રમુખ, ભાજપ), સુભાષ ભોજવાણી (કોંગ્રેસ).





