Home International Severe Cold Wave In America 29 People De Ad Millions In Darkness

અમેરિકામાં ભીષણ શીતલહેર : અત્યાર સુધીમાં 29 લોકોના મોત, લાખો લોકો અંધારપટમાં

અમેરિકામાં ભીષણ શીતલહેર
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2026, 05:13 AM IST

Senior Journalist SAMIR SHUKLA reports from New Jersey.

અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિનાશક Winter Storm થી ભારે તબાહી મચી છે. ટેક્સાસથી ન્યૂ ઈંગ્લેન્ડ સુધીના અંદાજે 20 કરોડથી વધુ લોકો અત્યારે 'કોલ્ડ એલર્ટ' હેઠળ છે. અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે. હાડ થીજવતી ઠંડી, બરફવર્ષા અને વીજળી ગુલ થવાને કારણે કરોડો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

વિવિધ રાજ્યોમાંથી કરૂણ ઘટનાઓ સામે આવી રહી છે, ટેક્સાસ રાજ્યના ફ્રિસ્કોમાં સ્લેડિંગ અકસ્માતમાં 16 વર્ષીય કિશોરનું મોત થયું છે, જ્યારે ઓસ્ટિનમાં એક વ્યક્તિનું હાયપોથર્મિયાને કારણે મૃત્યુ થયું છે.

આ તરફ ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીના જણાવ્યા અનુસાર, શહેરમાં પાંચ લોકો બહાર ખુલ્લામાં મૃત હાલતમાં મળી આવ્યા છે. આ તમામના મોત કાતિલ ઠંડીને કારણે થયા છે.

તો અન્ય રાજ્યો લુઈસિયાનામાં 3, ટેનેસીમાં 3, મિસિસિપીમાં 2 અને આર્કાનસાસમાં એક કિશોરનું મોત થયું છે. નોર્થ કેરોલિના અને કેન્સાસમાં પણ ઠંડીને કારણે મોત નોંધાયા છે. મેસેચ્યુસેટ્સમાં એક મહિલાનું બરફ હટાવવાના મશીનની અડફેટે આવતા મોત થયું.

વીજ સંકટ અને વ્યાપક નુકસાનની વાત કરીએ તો 6,70,000 થી વધુ ઘરોમાં અંધારપટ છવાયેલો છે. સોમવાર સાંજ સુધી લાખો લોકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા.

સૌથી વધુ અસર દક્ષિણના રાજ્યોમાં જોવા મળી છે, જ્યાં થીજી ગયેલા વરસાદને કારણે ઝાડની ડાળીઓ અને વીજ લાઈનો તૂટી પડી છે.

મિસિસિપીમાં કટોકટી

ગવર્નર ટેટ રીવ્સે પરિસ્થિતિને ગંભીર ગણાવી છે. યુનિવર્સિટી ઓફ મિસિસિપીએ 1 ફેબ્રુઆરી સુધી તમામ ક્લાસ રદ કર્યા છે, કારણ કે કેમ્પસમાં વૃક્ષો અને વીજળીના થાંભલાઓ પડી જવાથી અવરજવર જોખમી બની છે.

નેશનલ વેધર સર્વિસ (NWS) અનુસાર, અમેરિકાના બે તૃતીયાંશ ભાગમાં હજુ પણ જોખમી પવન અને સબ-ઝીરો તાપમાન ચાલુ રહેશે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ અતિશય ઠંડી ફેબ્રુઆરીના શરૂઆતના દિવસો સુધી ચાલુ રહી શકે છે.

ભારે Snow fall ને પગલે હજારો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે અથવા મોડી ચાલી રહી છે. હાઈવે પર બરફ જામી જવાથી રસ્તાઓ અત્યંત જોખમી બન્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now