Home Gujarat Serious Pocso Accused Absconds Amidst Police Escort In Devgadh Baria

દેવગઢ બારીયામાં પોલીસ એસ્કોર્ટ વચ્ચેથી પોક્સોનો આરોપી ફરાર : દાહોદ જિલ્લા પોલીસમાં દોડધામ, મચ્યો હડકંપ

દેવગઢ બારીયામાં પોલીસ એસ્કોર્ટ વચ્ચેથી પોક્સોનો આરોપી ફરાર
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2026, 12:23 PM IST

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં પોલીસ સુરક્ષા વચ્ચેથી પોક્સો ના ગંભીર આરોપી ફરાર થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ છે. લીમખેડા પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં જેલવાસ ભોગવી રહેલો આરોપી મનોજ ભરત કટારા પોલીસ એસ્કોર્ટને ચકમો આપી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને આરોપીને ઝડપી પાડવા માટે વ્યાપક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લીમખેડા તાલુકાના હાથીયાવાન ગામનો રહેવાસી મનોજ ભરત કટારા પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં દેવગઢ બારીયા સબ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં હતો.

દેવગઢ બારીયામાં પોલીસ એસ્કોર્ટ વચ્ચેથી પોક્સોનો ગંભીર આરોપી ફરાર

જેલવાસ દરમિયાન તેની તબિયત બગડતાં તેને તબીબી સારવાર માટે પોલીસ એસ્કોર્ટ સાથે દેવગઢ બારીયાની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવારની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન પોલીસ કર્મીઓની નજર ચૂકવી આરોપી અચાનક ફરાર થઈ ગયો હતો. આરોપી નાસી છૂટતાં જ પોલીસ જવાનોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દાહોદ જિલ્લાના મુખ્ય માર્ગો, સરહદી વિસ્તારો તેમજ સંવેદનશીલ સ્થળોએ ચુસ્ત નાકાબંધી ગોઠવવામાં આવી છે. દેવગઢ બારીયા પોલીસે આરોપી વિરુદ્ધ કસ્ટડીમાંથી ફરાર થવાના ગુનામાં અલગથી કેસ દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે. આરોપીના વતન હાથીયાવાન ગામ તેમજ તેના સંભવિત આશ્રયસ્થાનો પર પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

દાહોદ જિલ્લામાં હડકંપ

ઉલ્લેખનીય છે કે, મનોજ ભરત કટારા સામે તા. 25/08/2025ના રોજ લીમખેડા પોલીસ મથકમાં પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ માત્ર 13 વર્ષ અને 6 માસની સગીરાને લલચાવી અપહરણ કરી, ડાકોરા ગામે લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી તેની ઇચ્છા વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ છે. આ કેસમાં આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા–2023ની કલમ 133(2), 85(2), 85(1), 351(3) તથા પોક્સો એક્ટની કલમ 4, 5 અને 6 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ખતરનાક આરોપી પોલીસ જાપતામાંથી ફરાર થતાં સમગ્ર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. સાથે જ, પોલીસની બેદરકારી અંગે પણ ઉચ્ચ સ્તરે તપાસના આદેશો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર