Home Gujarat Serious Negligence In The Construction Of Gambhira Bridge

ગંભીરા બ્રિજના પુન: નિર્માણમાં 'ગંભીર' બેદરકારી : સેન્ટરિંગ કામ દરમિયાન શ્રમિક 10 ફૂટ ઊંચાઈ પરથી નીચે પટકાયો, સેફ્ટીને લઈ ઉઠ્યા સવાલ

ગંભીરા બ્રિજના પુન: નિર્માણમાં 'ગંભીર' બેદરકારી
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 02:00 PM IST

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા અત્યંત મહત્વના ગંભીરા બ્રિજ પર દુર્ઘટનાનો સિલસિલો હજુ પણ યથાવત છે, હવે પુન; નિર્માણ કાર્ય દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. બ્રિજના કોલમ પર સેન્ટરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બનેલી અકસ્માતની ઘટનાએ સાઇટ પર સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

શ્રમિક નિર્માણ કાર્ય સમય નીચે પટકાયો

પ્રાપ્ત માહિતી મુજબ, બ્રિજના કોલમ પર સેન્ટરિંગ કામગીરી દરમિયાન બિહારનો રહેવાસી જુલફર ખાન નામનો શ્રમિક યુવક કામ કરી રહ્યો હતો. આ દરમિયાન પગ લપસતાં તે લગભગ 10 ફૂટ ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો. અકસ્માતમાં યુવકને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સાઇટ પર હાજર અન્ય શ્રમિકો અને સુપરવાઈઝરે તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી અને બાદમાં એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

શ્રમિકોની સેફ્ટી મુદ્દે ઉઠ્યા સવાલ

આ અકસ્માત બાદ ગંભીરા બ્રિજના નિર્માણ કાર્યમાં ચાલી રહેલી સુરક્ષા વ્યવસ્થાઓ પર મોટો પ્રશ્ન ઊભો થયો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સેન્ટરિંગ જેવી જોખમી કામગીરી દરમિયાન શ્રમિકોને ફરજિયાત હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ, સેફ્ટી શૂઝ સહિતના જરૂરી સુરક્ષા સાધનો આપવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું છે. જો આ બાબત સાચી સાબિત થાય તો તે શ્રમિક સુરક્ષા નિયમોનું ગંભીર ઉલ્લંઘન ગણાશે. ગંભીરા બ્રિજ વડોદરા અને આણંદ જિલ્લાઓ વચ્ચે મહત્વપૂર્ણ ટ્રાફિક કડી હોવાથી તેના નિર્માણમાં ગુણવત્તા સાથે સુરક્ષાનો પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. પરંતુ આવી ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના નિયમોને અવગણવામાં આવી રહ્યા છે, જેના કારણે શ્રમિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી

આ ઘટનાને લઈને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સાથે જ શ્રમિક વિભાગ અને માર્ગ-મકાન વિભાગ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી, સાઇટ પર ચાલતા તમામ કામોમાં સુરક્ષા નિયમોનું કડક પાલન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવાય તેવી જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now