બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના ભોયણ પાટિયા નજીક આજે સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટેલર પલ્ટી ખાઈ જતા બે લોકોના દુઃખદ મોત નીપજ્યાં છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે.
બનાસકાંઠાના ડીસા નજીક ગંભીર અકસ્માત
અકસ્માત એટલો ગંભીર હતો કે આસપાસના વાહન ચાલકો અને સ્થાનિકોમાં અફરા તફરી મચી ગઈ. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સેવા, પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ હાથધરી હતી.
બે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા
ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે બે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ અકસ્માતના કારણે હાઈવે પર લાંબી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વાહનચાલકોને ઘણો સમય ટ્રાફિકમાં અટવાવું પડ્યું હતું. પોલીસ દ્વારા ટ્રાફિક અને વાહનોને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હજુ સુધી અકસ્માતના ચોક્કસ કારણો અંગે પુષ્ટિ થઈ નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ ટેલરના ડ્રાઈવરનું વાહન ઉપરથી નિયંત્રણ ગુમાવવું જ કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.






