છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ. આ અથડામણમાં માઓવાદી પાર્ટીની સેન્ટ્રલ કમિટીના વરિષ્ઠ સભ્ય અને મોસ્ટ વોન્ટેડ નક્સલી સુધાકર ઉર્ફે નર સિંહચલમ માર્યો ગયો. સુધાકરના માથા પર 50 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તે તેલંગાણા છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં સક્રિય માઓવાદી નેટવર્કનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવતો હતો.
નક્સલી નેતા સુધાકરનું મોત નક્સલી ચળવળ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર સુધાકર છેલ્લા ચાર દાયકાથી માઓવાદી ચળવળનો ભાગ હતો અને પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના વ્યૂહરચનાકારોમાં તેની ગણતરી થતી હતી. તે આંધ્રપ્રદેશના એલુરુ જિલ્લાના ચિંતલપુડી મંડલના પ્રગદવરમ ગામનો રહેવાસી હતો. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળના જવાનોને સતત માહિતી મળી રહી હતી કે સુધાકર આ વિસ્તારમાં છુપાયેલો છે અને ત્યાંથી નક્સલી પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યો છે.
નક્સલવાદીઓ સામે ઝુંબેશ વધુ તીવ્ર
ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી માહિતી બાદ ગુરુવારે સવારે બીજાપુરના નેશનલ પાર્ક વિસ્તારમાં એક ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને કોબ્રા કમાન્ડોની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ સ્થળ પરથી ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે. સુધાકરનું મૃત્યુ માઓવાદીઓ માટે બીજો મોટો ફટકો છે કારણ કે ગયા મહિને પણ નક્સલવાદીઓના મહાસચિવ બસવરાજુ ઉર્ફે નમ્બાલા કેશવ રાવ છત્તીસગઢના અબુજમદ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. તેના પર 1.5 કરોડ રૂપિયાનું ઇનામ હતું.






