ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના જ મત વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા નવા બ્રિજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા. સાવલી વિસ્તારમાં કરડ અને મેસરી નદી પર અંદાજે 24 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા નવા બ્રિજમાં ગણતરીના દિવસોમાં જ ખાડાઓ પડતા અને RCC ઉખડી જતાં ધારાસભ્યએ સીધો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.
આ સમગ્ર મામલે સૌથી મહત્વની બાબત એ છે કે આ આક્ષેપો વિરોધ પક્ષ નહીં પરંતુ ખુદ શાસક પક્ષના જ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા છે. જેના કારણે રાજ્યના વિકાસકાર્યોની ગુણવત્તા, કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને સરકારી દેખરેખ અંગે નવા પ્રશ્નો ઊભા થયા છે.
લોકાર્પણ બાદ જ બ્રિજ પર ખાડા પડ્યા
માહિતી મુજબ સાવલી વિસ્તારમાં કરડ અને મેસરી નદી પર આ બ્રિજ થોડા સમય પહેલા જ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. સ્થાનિક લોકો માટે આ બ્રિજ મહત્વપૂર્ણ માનવામાં આવતો હતો, કારણ કે તે વિસ્તારમાં જોડાણ અને અવરજવર વધુ સરળ બનવાની આશા હતી.
પરંતુ લોકાર્પણના થોડા જ સમયમાં બ્રિજના એપ્રોચ રોડ અને મુખ્ય માર્ગ પર ખાડા જોવા મળતા સ્થાનિકોમાં આશ્ચર્ય અને રોષ ફેલાયો છે. કેટલાક વિસ્તારોમાં RCC પણ ઉખડી ગયું હોવાનું સામે આવ્યું છે. સ્થળ પરના દ્રશ્યોને જોતા પ્રાથમિક નજરે જ કામગીરીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થાય છે.
ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે સમગ્ર કામગીરી “લોટ-પાણી ને લાકડા” જેવી હલકી કક્ષાની દેખાઈ રહી છે. તેમણે જણાવ્યું છે કે પ્રજાના ટેક્સના નાણાંનો આ રીતે બગાડ સ્વીકાર્ય બની શકે નહીં.
આ પણ વાંચો: અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે, અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા
કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સાંઠગાંઠનો આક્ષેપ
ધારાસભ્યએ પત્રમાં કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર જો યોગ્ય મોનિટરિંગ અને ગુણવત્તા નિયંત્રણ કરવામાં આવ્યું હોત તો કરોડોના ખર્ચે બનેલા બ્રિજની આવી હાલત ન સર્જાત. કેતન ઈનામદારે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે કે સમગ્ર પ્રોજેક્ટની ઉચ્ચ સ્તરીય વિજિલન્સ તપાસ કરાવવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
તેમણે ખાસ કરીને નીચેના મુદ્દાઓ ઉઠાવ્યા
કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે
દેખરેખમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી થાય
સરકારી નાણાંના બગાડ માટે જવાબદારી નક્કી કરવામાં આવે
તેમણે પોતાના પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે “પ્રજાના પૈસાનું પાણી કરનારા તત્વો સામે કડક હાથે કામ લેવું જરૂરી છે.”
આ પણ વાંચો: ગુજરાતના સાવજ પર સૌથી મોટું સંકટ : શું માણસોને પણ છે સંક્રમણનો ખતરો? જાણો કેટલો ઘાતક છે આ વાયરસ
સ્થાનિક રાજકારણમાં ગરમાવો
આ મામલો સામે આવતા સાવલી સહિત વડોદરા જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. સામાન્ય રીતે વિકાસકાર્યો અંગેના આવા આક્ષેપો વિરોધ પક્ષ તરફથી કરવામાં આવતા હોય છે, પરંતુ અહીં ખુદ ભાજપના જ ધારાસભ્યએ પોતાની સરકાર સામે સવાલો ઉઠાવતાં મામલો વધુ ગંભીર બન્યો છે.
સ્થાનિક લોકોમાં પણ વિકાસકાર્યોની ગુણવત્તાને લઈને નારાજગી જોવા મળી રહી છે. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર બ્રિજની હાલતના ફોટા અને વીડિયો શેર કરીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ગુણવત્તા ચકાસણી, ટેકનિકલ ઓડિટ અને સતત મોનિટરિંગ અત્યંત જરૂરી હોય છે. ખાસ કરીને બ્રિજ જેવા પ્રોજેક્ટમાં નબળી કામગીરી ભવિષ્યમાં ગંભીર અકસ્માતોનું કારણ પણ બની શકે છે.
જિતુ વાઘાણીનું નિવેદન
ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે કરેલા આક્ષેપો પર ભાજપનાં પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુણવતા બાબતમાં કોઈ પણ પ્રકારની બાંધ-છોડ ના કરવા સૂચના આપી છે. સરકારી કામગીરીમાં ગુણવતા બાબતમાં ઝીરો ટોલરન્સની નીતિ છે. કોઈ કોન્ટ્રાકટર કે અધિકારીની જવાબદારી હશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે.
હવે સરકાર શું પગલાં ભરે છે તેના પર નજર
હાલ સમગ્ર મામલે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગ તરફથી સત્તાવાર પ્રતિસાદની રાહ જોવામાં આવી રહી છે. મુખ્યમંત્રી કચેરી આ મામલે વિજિલન્સ તપાસના આદેશ આપે છે કે નહીં અને જવાબદારો સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે. આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં કરોડોના વિકાસકાર્યોની ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારી અંગે ચર્ચા તેજ બનાવી છે.





