Home International Saudi Arabia Rewilding Ostrich Return Environment News

સાઉદી અરેબિયાના રણમાં 100 વર્ષ બાદ ગૂંજશે શાહમૃગનો અવાજ : લુપ્તપ્રાય કેમલ બર્ડની થઈ ઘરવાપસી

સાઉદી અરેબિયાના રણમાં 100 વર્ષ બાદ ગૂંજશે શાહમૃગનો અવાજ
Published by: OBS Bureau
Last Updated: Dec 21, 2025, 05:26 PM IST

સાઉદી અરેબિયાના પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ અભિયાન ‘રીવાઇલ્ડિંગ અરેબિયા’ હેઠળ એક ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ છે. અંદાજે 100 વર્ષના લાંબા સમયગાળા બાદ સાઉદીના રણ પ્રદેશમાં લુપ્તપ્રાય પક્ષી પ્રજાતિ ‘કેમલ બર્ડ’ એટલે કે લાલ ગરદન ધરાવતા શાહમૃગનું પુનરાગમન થયું છે. એક સમયે આરબ કવિઓ અને રોમન વિદ્વાનોમાં અત્યંત લોકપ્રિય એવા આ પક્ષીઓની સંખ્યા શિકાર અને રહેઠાણના અભાવે એટલી હદે ઘટી ગઈ હતી કે તેને આ વિસ્તારમાંથી વિલુપ્ત માની લેવામાં આવ્યા હતા. મોહમ્મદ બિન સલમાન રોયલ રિઝર્વ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ કાર્યક્રમ હેઠળ આ પક્ષીઓને ફરીથી કુદરતી વાતાવરણમાં છોડવામાં આવ્યા છે.

અરેબિયન શાહમૃગના વિકલ્પ તરીકે પસંદગી

અરબ ન્યૂઝના અહેવાલ મુજબ 20 મી સદીની શરૂઆતમાં સીરિયન અથવા અરેબિયન શાહમૃગ આ પ્રદેશમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા હતા. લાલ ગરદન ધરાવતા શાહમૃગ જૈવિક રીતે આ વિલુપ્ત થયેલી પ્રજાતિની સૌથી નજીકના સંબંધી ગણાય છે. સાઉદીના રણની અત્યંત વિષમ આબોહવામાં ટકી રહેવાની ક્ષમતા અને ઇકોસિસ્ટમમાં તેમની ભૂમિકાને ધ્યાનમાં રાખીને જૈવિક પ્રતિસ્થાપન તરીકે આ પક્ષીઓની પસંદગી કરવામાં આવી છે.

પાંચ પક્ષીઓને કુદરતી આવાસમાં મુક્ત કરાયા

રિઝર્વના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલ રીવાઇલ્ડિંગ પ્રોજેક્ટ હેઠળ કુલ 5 લાલ ગરદન ધરાવતા શાહમૃગને મુક્ત કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય 24,500 ચોરસ કિમીમાં ફેલાયેલા દરિયાઈ અને જમીની ઇકોસિસ્ટમમાં જૈવવિવિધતાના ઐતિહાસિક સ્તરને પુનઃસ્થાપિત કરવાનો છે. રિઝર્વમાં ફરીથી વસાવવા માટે નક્કી કરાયેલી 23 મૂળ પ્રજાતિઓ પૈકી શાહમૃગ એ 12 મી પ્રજાતિ છે. અગાઉ 2024 માં પર્શિયન ઓનેજરની સફળ વાપસી બાદ આ બીજી મોટી સફળતા છે.

પર્યાવરણ અને સંસ્કૃતિનું જતન

પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન રોયલ રિઝર્વના સીઈઓ એન્ડ્રુ જાલૌમિસે આ પ્રયાસને પરિવર્તનકારી ગણાવ્યો છે. તેમણે ઉમેર્યું કે એક સદી બાદ આવી પ્રતિષ્ઠિત પ્રજાતિનું પરત આવવું એ માત્ર પર્યાવરણીય જ નહીં પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ મહત્વનું છે. આ કામગીરી નેશનલ સેન્ટર ફોર વાઈલ્ડલાઈફ અને રોયલ રિઝર્વના સંયુક્ત પ્રયાસોથી વિઝન 2030 અને સાઉદી ગ્રીન ઇનિશિયેટિવ અંતર્ગત કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રીય અભિયાનનો લક્ષ્ય 2030 સુધીમાં રાજ્યની 30 ટકા જમીન અને સમુદ્રનું રક્ષણ કરી બગડેલા ઇકોસિસ્ટમને ફરીથી જીવંત કરવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now