Iran Nuclear Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર ઈરાને પરમાણુ હથિયાર ન બનાવવાની સંમતિ દર્શાવી છે અને આ મુદ્દે બંને દેશો વચ્ચે દોહા ખાતે નવી ચર્ચા થવાની છે. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમેરિકા કૂટનીતિક અને સૈન્ય બંને મોરચે આગળ વધી રહ્યું છે અને ઈરાનને કોઈપણ પરિસ્થિતિમાં પરમાણુ હથિયાર વિકસાવવા દેવામાં આવશે નહીં. વોશિંગ્ટનમાં ઓવલ ઓફિસમાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકાના અધિકારીઓ કતારની રાજધાની દોહા પહોંચી રહ્યા છે, જ્યાં મંગળવારે ઈરાન સંબંધિત મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. તેમણે કહ્યું કે આ બેઠક અત્યંત મહત્વની સાબિત થઈ શકે છે, જોકે તેનું પરિણામ શું આવશે તે સમય જ બતાવશે.
દોહા બેઠક પર વિશ્વની નજર
ડોનાલ્ડ ટ્રમ્પે દોહામાં યોજાનારી બેઠક અંગે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે અમેરિકા ઈરાન સાથેના વિવાદમાં મજબૂત સ્થિતિમાં છે. તેમના મતે તાજેતરમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ સામે કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી બાદ અમેરિકાને વ્યૂહાત્મક રીતે લાભ મળ્યો છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા માટે સૌથી મોટો ઉદ્દેશ્ય ઈરાનનું નિઃપરમાણુકરણ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અમેરિકા ઈચ્છતું નથી કે ઈરાન પરમાણુ હથિયાર ધરાવે અને તેવા હથિયારો ઈરાન પાસે નહીં હોય તેની ખાતરી કરવામાં આવશે. તેમણે વધુમાં દાવો કર્યો કે, ઈરાને પણ આ બાબતે સંમતિ દર્શાવી છે. જોકે તેમણે આ સમજૂતી કેવી રીતે થઈ અથવા બંને પક્ષો વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે કોઈ વિગતવાર માહિતી આપી નથી.
આ પણ વાંચો: 'તેલના ભાવ તરત ઘટાડો' : ટ્રમ્પની ઓઇલ કંપનીઓને સીધી ચેતવણી! કહ્યું- જનતા પર વધારાનો બોજ સ્વીકાર્ય નહીં
પરમાણુ મુદ્દે ટ્રમ્પનું નિવેદન
ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા માટે આ મુદ્દો અત્યંત સરળ છે. તેમનું કહેવું હતું કે હેતુ માત્ર એટલો છે કે ઈરાન પરમાણુ હથિયાર ન બનાવી શકે અને તે દિશામાં અમેરિકા સતત પ્રયત્નશીલ છે. જોકે ટ્રમ્પના નિવેદન બાદ ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આંતરરાષ્ટ્રીય રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો ખરેખર ઈરાને પરમાણુ હથિયારો ન બનાવવાની ખાતરી આપી હોય તો તે મધ્ય પૂર્વમાં વધેલા તણાવને ઘટાડવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
તેલના ભાવ પર પણ ટ્રમ્પની ટિપ્પણી
ટ્રમ્પે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં આવેલા ઘટાડાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેલના ભાવમાં ઘટાડો ઈરાનના પરમાણુ મુદ્દા સાથે જોડાયેલા તાજેતરના વિકાસને કારણે જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, હાલમાં તેલના ભાવ લગભગ 69 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયા છે, જ્યારે અગાઉ પરિસ્થિતિ વધુ તંગ હોવાથી ભાવ ઊંચા હતા. ટ્રમ્પે આને અમેરિકાની નીતિની સફળતા સાથે પણ જોડવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચો: તિબેટના 10 લાખ બાળકો પર ચીનની નજર! : પરિવારથી દૂર રાખી ઓળખ બદલવાના ગંભીર આરોપ
સ્થાનિક મુદ્દાઓ વચ્ચે વિદેશ નીતિ ચર્ચામાં
ટ્રમ્પે આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે તેઓ વાહન મરામત સંબંધિત એક રાષ્ટ્રપતિ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરી રહ્યા હતા. આ મેમોરેન્ડમ હેઠળ અમેરિકન નાગરિકોને પોતાના વાહનોની મરામત કરવાની વધુ સ્વતંત્રતા આપવા તેમજ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં સ્પર્ધા વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ કાર્યક્રમ દરમિયાન મીડિયાના પ્રશ્નો ઝડપથી વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા તરફ વળી ગયા અને ઈરાન મુદ્દે ટ્રમ્પના નિવેદનને ખાસ મહત્વ મળ્યું.
આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ શકે છે સ્થિતિ
દોહામાં યોજાનારી બેઠક બાદ અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં કોઈ નવો વળાંક આવે છે કે નહીં તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. ખાસ કરીને પરમાણુ કાર્યક્રમ અંગે કોઈ ઔપચારિક સમજૂતી થાય છે કે નહીં તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ શકે છે. મધ્ય પૂર્વમાં સતત બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે ટ્રમ્પના આ નિવેદનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે તે વૈશ્વિક સુરક્ષા, ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ પર સીધી અસર કરી શકે છે.





