PM Modi Gujarat Visit: ગાંધીનગર નજીક આવેલા કોબા તીર્થમાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક ધાર્મિક આગેવાનો, સંતો અને પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી સાથે મુલાકાત કરીને આશીર્વાદ લીધા હતા. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ મ્યુઝિયમ 23 એપ્રિલથી જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે.
3 લાખથી વધુ પ્રાચીન હસ્તપ્રતો સુરક્ષિત રાખવામાં આવશે
કાર્યક્રમ દરમિયાન ટોરેન્ટ ગ્રુપના અધ્યક્ષ સુધીર મહેતાએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. તેમણે મહાવીર જયંતિના અવસરે શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું હતું કે આ મ્યુઝિયમ માત્ર પ્રદર્શન માટે નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે સમર્પિત છે. તેમના જણાવ્યા અનુસાર, અહીં 3 લાખથી વધુ પ્રાચીન હસ્તપ્રતોને સુરક્ષિત રાખવામાં આવી છે, જે વિશ્વના વિશાળ સંગ્રહોમાં સ્થાન ધરાવે છે. આ સંગ્રહાલયની જવાબદારી ટોરેન્ટ ગ્રુપની યુએન ફાઉન્ડેશન સંભાળી રહી છે.
જૈન શાસનની ગૌરવ, પરંપરા અને વૈભવનું પ્રતીક : હર્ષ સંઘવી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મ્યુઝિયમને જૈન શાસનની ગૌરવ અને પરંપરાનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ શેત્રુંજ્ય પર્વત પર યાત્રાળુઓને સુવિધા વધારવા માટે દાદરાની બન્ને બાજુ વૃક્ષારોપણ કરવાની પ્રેરણા આપવામાં આવી છે.
PM મોદી નિષ્ઠાવાન અને લક્ષ્યપ્રેરિત નેતા : આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી
આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીએ વડાપ્રધાન મોદીના વ્યક્તિત્વની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેઓ નિષ્ઠાવાન અને લક્ષ્યપ્રેરિત નેતા છે. તેમના માર્ગદર્શન હેઠળ દેશ વિકાસની નવી ઊંચાઈએ પહોંચ્યો છે અને લોકોના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું છે.
મૂલ્યો, સંસ્કાર અને જ્ઞાનનું કેન્દ્ર છે આ મ્યુઝિયમ: PM મોદી
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ‘જય જિનેન્દ્ર’ સાથે શરૂઆત કરી અને મહાવીર જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આચાર્ય કૈલાશસાગર સૂરીશ્વરજીને યાદ કરતાં જણાવ્યું કે તેમની પ્રેરણાથી આ પવિત્ર તીર્થ ઊભું થયું છે. મોદીએ કહ્યું કે આ મ્યુઝિયમ મૂલ્યો, સંસ્કાર અને જ્ઞાનનું કેન્દ્ર છે અને જૈન દર્શન તથા ભારતીય વિરાસતને આગળ ધપાવવાનું મહત્વપૂર્ણ સાધન બની રહ્યું છે.
તેમણે સમ્રાટ સંપ્રતિના ઉદાહરણનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે સત્તાને સેવા અને સાધના સાથે જોડવાની પ્રેરણા આજના સમયમાં પણ પ્રાસંગિક છે. અંતમાં તેમણે વિશ્વમાં વધતી અશાંતિ વચ્ચે ભારતની વિવિધતા અને એકતાને ઉલ્લેખિત કરી અને આ મ્યુઝિયમ માનવતાને શાંતિનો સંદેશ આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.
"આક્રમણકારીઓએ જ્ઞાનને પણ દુશ્મન માનીને સળગાવી દીધું" - PM મોદી
વડાપ્રધાન મોદી બોલ્યા-ભારતમાં જ્ઞાન હંમેશથી મુક્ત પ્રવાહ રહ્યો છે. ઋષિઓ અને મુનિઓનો અવતાર રહ્યા છે. કલ્પના કરો એક સમયે આપણાં તક્ષશિલા, નાલંદા જેવા વિશ્વાલય લાખો ગ્રંથો અને પાંડુલિપિઓથી ભરેલો રહેતો હતો. પરંતુ વિદેશી આક્રમણકારીઓએ જ્ઞાનને પણ દુશ્મન માનીને સળગાવી દીધું, માનવતાનો વારસો નષ્ટ થઈ ગયો છે.
તેમણે ઉમેર્યું , આઝાદી પછી તેને શોધવા અને સંભાળવા દેશની જવાબદારી હોવી જરૂરી હતી. પરંતુ ગુલામી માનસિકતાને કારણે કોઈએ ધ્યાન ન આપ્યું. આચાર્ય પદ્મસાગર સુરીશ્વરજી જેવા મહારાજોએ તેનું મહત્વ સમજ્યું અને જીવન સમર્પિત કરી દીધું. દેશના ખૂણે ખૂણામાંથી લિપિઓ, તાડપત્રો આજે કોબામાં સુરક્ષિત અને સંકલિત થયા છે. આ ભારતના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની મોટી સેવા છે.
આ પણ વાંચો : PM Modi Gujarat Visit; PM મોદીનું અમદાવાદમાં આગમન : ગુજરાતને મળશે કોઈ રાજ્ય પાસે ના હોય એવી વિશેષ ભેટ
જૂની સરકારોએ પાંડુલિપિઓની ઉપેક્ષા કરી: PM મોદી
મોદીએ આગળ કહ્યું-જૂની સરકારોએ પાંડુલિપિઓની જે ઉપેક્ષા કરી ભૂલ કરી હતી તેને અમે સુધારીએ છીએ. અમે જ્ઞાન ભારતમ મિશન શરૂ કર્યું છે. આ કામમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. આ મિશન હેઠળ પ્રાચીન પાંડુલિપિઓનું સંરક્ષણ કરીએ છીએ. આ રવિવારે મન કી બાતમાં ઉલ્લેખ કર્યો કે, આ દિશામાં એક સર્વે કરવામાં આવ્યો છે. દેશભરમાંથી લોકો પાંડુલિપિઓને ઓનલાઇન અપલોડ કરી રહ્યા છે.
PM મોદીનું ગુજરાતીમાં ભાષણ
પીએમ મોદીએ ગુજરાતીમાં કહ્યું કે, આગ્રહ કરું છું કે, મહારાજ સાહેબે તો આ બધું કર્યું પણ આપણે જોવાનો પણ ટાઇમ ન આપે તો કેમ ચાલે? વધુમાં વધુ લોકો આવે અને જોઇને જતા રહે એમ નહીં, જાણવાની અને સમજવાની કોશિષ કરે. આ અમૂલ્ય ખજાનો છે. ગુજરાતમાં દરેક પેઢીના લોકો પરિવાર સાથે અહીં આવે, અને મન ભરીને જુએ. જ્ઞાન અને મહાન વિરાસતનું ગૌરવ કરે. મારા માટે આજે મહાવીર જયંતી શુભ છે.
'જડ સે જૂડ'નો પહેલો કાર્યક્રમ
ગુજરાતની ધરતી પર પગ મૂકતાની સાથે પહેલો કાર્યક્રમ જડ સે જૂડના અને હમણાં સાણંદ જાવ છું ત્યાં જગત સે જુડના. અહીં મહાન સાંસ્કૃતિક પરંપરા સાથે આચમન લીધું અને સાણંદમાં વિશ્વની આધુનિકમાં આધુનિક ટેકનોલોજી એટલે કે સેમિકન્ડક્ટરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. જડથી જુડના અને જગતથી જુડના એ ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યું છે. જય જિનેન્દ્ર...જય જિનેન્દ્ર...





