બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાના અંગત જીવન અને કરિયરને લઈને ઘણા રસપ્રદ ખુલાસા કર્યા છે. સલમાન ખાને જણાવ્યું કે તેના જીવનની સૌથી પહેલી મોંઘી વસ્તુ તેણે પોતાના પિતા સલીમ ખાન માટે ખરીદી હતી. આ વસ્તુ એક મોંઘીદાટ રોલેક્સ (Rolex) ઘડિયાળ હતી.
4 લાખ રૂપિયા હતા, બાકીના ઉધાર લીધા
વેરાયટી ઇન્ડિયા (Variety India) ને આપેલા ઇન્ટરવ્યૂમાં સલમાને જણાવ્યું કે, "મને મારા પિતા માટે એક ઘડિયાળ ખૂબ ગમી ગઈ હતી. તે સમયે તે ઘડિયાળની કિંમત લગભગ 9 લાખ રૂપિયા હતી. મારી પાસે માત્ર 4 લાખ રૂપિયા જ હતા, તેથી બાકીના 5 લાખ રૂપિયા મેં મિત્રો પાસેથી ઉધાર લીધા હતા અને પિતાને ઘડિયાળ ગિફ્ટ કરી હતી."
જોકે, આ મોંઘી ઘડિયાળ જોઈને સલીમ ખાને સલમાનને ઠપકો આપતા કહ્યું હતું કે, "તેં હજી બરાબર કામ કરવાનું પણ શરૂ નથી કર્યું અને આ બધું શરૂ કરી દીધું? શું તું પોતાને બ્રુનેઈનો સુલતાન સમજે છે?" જોકે બાદમાં તેમણે આ ઘડિયાળને જ્વેલરીનો એક સુંદર પીસ ગણાવી હતી. સલમાને ઉમેર્યું કે તેણે 26 થી 28 વર્ષ સુધી ઘડિયાળ પહેરવાનું બંધ રાખ્યું હતું અને આજે તે જે ઘડિયાળો પહેરે છે તેમાંથી મોટાભાગની તેના મિત્રોની હોય છે.
'મેં ક્યારેય સ્ક્રિપ્ટ વાંચી નથી'
આ જ ઇન્ટરવ્યૂમાં સલમાને એક આશ્ચર્યજનક ખુલાસો કરતા કહ્યું કે, "મેં મારા જીવનમાં આજ સુધી ક્યારેય કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી વાંચી. મેં સ્ક્રિપ્ટ લખી છે, પણ ક્યારેય વાંચી નથી." અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાને 'ચંદ્રમુખી', 'વીર' અને 'દબંગ 3' જેવી ફિલ્મોની વાર્તા પોતે લખી છે.
સલમાન ખાનનું કરિયર અને આગામી ફિલ્મો
સલમાન ખાને વર્ષ 1988 માં 'બીવી હો તો ઐસી' ફિલ્મથી સપોર્ટિંગ એક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું અને 1989 માં 'મૈંને પ્યાર કિયા' થી લીડ હીરો તરીકે ધમાકેદાર શરૂઆત કરી હતી. ત્યારપછી તેમણે 'વોન્ટેડ', 'દબંગ', 'બજરંગી ભાઈજાન' અને 'સુલ્તાન' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેમની ફિલ્મ 'ટાઈગર 3' એ વર્લ્ડવાઈડ 464 થી 466.63 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે તાજેતરમાં આવેલી 200 કરોડના બજેટની ફિલ્મ 'સિકંદર' અપેક્ષા પ્રમાણે પ્રદર્શન ન કરી શકી અને 184.89 કરોડ કમાઈ શકી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાન ટૂંક સમયમાં ચિત્રાંગદા સિંહ સાથે ફિલ્મ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ' માં જોવા મળશે. આ સિવાય તેમણે સાઉથ સુપરસ્ટાર નયનતારા સાથે આગામી એક્શન ફિલ્મ 'SVC63' નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. તેમજ તેઓ ડિરેક્ટર જોડી રાજ અને ડીકેની એક સુપરહીરો ફિલ્મમાં કરીના કપૂર ખાન સાથે કામ કરે તેવી ચર્ચા છે.





