અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં દાખલ, તબિયત અંગે સવાલો
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (ઉંમર 83 વર્ષ) મુંબઈની વિલે પાર્લે સ્થિત નાણાવટી હોસ્પિટલમાં દાખલ હોવાના અહેવાલો સામે આવ્યા છે. એક સીનિયર પત્રકારના દાવા અનુસાર, બિગ બીને 16 મેના રોજ હોસ્પિટલના એ-વિંગમાં ત્રીજા માળે દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે સાંજે 4:30 વાગ્યે તેમના પુત્ર અભિષેક બચ્ચન પણ પિતાની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
તબિયત ખરાબ કે રૂટિન ચેકઅપ?
અમિતાભ બચ્ચનની તબિયત અંગે અત્યારે અલગ-અલગ વાતો સામે આવી રહી છે. ફિલ્મ ડાયરેક્ટર વિવેક શર્માના જણાવ્યા અનુસાર, બિગ બીની તબિયત ઘણી ખરાબ છે અને તેઓ ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે. જોકે, બચ્ચન પરિવારના નજીકના સૂત્રોનું કહેવું છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, અમિતાભ બચ્ચન માત્ર તેમના રૂટિન મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા છે.
માત્ર 25% લિવર પર જીવી રહ્યા છે બિગ બી
અમિતાભ બચ્ચન લાંબા સમયથી પેટની તકલીફો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેઓ પોતે અગાઉ જણાવી ચૂક્યા છે કે ભૂતકાળમાં મેડિકલ બેદરકારીના કારણે લોહી ચડાવતી વખતે તેઓ હેપેટાઈટીસ B વાયરસનો ભોગ બન્યા હતા, જેના કારણે તેમનું 75% લિવર ખરાબ થઈ ગયું છે. તેઓ અત્યારે માત્ર 25% લિવરના સહારે જ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.
1982માં 'કુલી'ના સેટ પર થયો હતો ગંભીર અકસ્માત
અમિતાભ બચ્ચનનું આખું મેડિકલ હિસ્ટ્રી વર્ષ 1982માં ફિલ્મ 'કુલી'ના શૂટિંગ દરમિયાન બદલાઈ ગયું હતું. 26 જુલાઈ 1982ના રોજ બેંગલુરુમાં શૂટિંગ દરમિયાન એક એક્શન સીનમાં ટેબલનો ખૂણો તેમના પેટમાં વાગ્યો હતો. તેનાથી તેમના આંતરડા ફાટી ગયા હતા અને પેટમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. તે સમયે તેમની સ્થિતિ એટલી ખરાબ હતી કે ડોક્ટર્સે તેમને ક્લિનિકલી ડેડ જાહેર કરી દીધા હતા. આ અકસ્માત બાદ દેશભરમાં કરોડો ચાહકોએ તેમના માટે પ્રાર્થનાઓ કરી હતી, જેના કારણે તેઓ મોતના મોંમાંથી બહાર આવ્યા હતા. જોકે, ત્યારથી જ તેમને પેટ અને લિવર સંબંધિત સમસ્યાઓ અવારનવાર નડે છે.
પરિવારના સૂત્રો દ્વારા સ્પષ્ટતા: આ માત્ર રૂટિન બોડી ચેકઅપ છે
બચ્ચન પરિવારના નજીકના સૂત્રો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચનની તબિયતને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ ચિંતાજનક નથી. તેમની ઉંમર અને મેડિકલ હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને, ડોક્ટરોની સલાહ મુજબ તેઓ માત્ર એક સામાન્ય અને રૂટિન બોડી ચેકઅપ (Routine body check-up) માટે હોસ્પિટલ ગયા છે. તમામ જરૂરી ટેસ્ટ પૂરા થયા બાદ તેમને ટૂંક સમયમાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે અને તેઓ પોતાના ઘરે પરત ફરશે.





