Home Gujarat Salaya Haji Ali Ship Sinks Near Oman Limah

ઓમાનના દરિયામાં સલાયાનું વધુ એક જહાજ ડૂબ્યું : ‘હાજી અલી’માં સવાર 14 ખલાસીઓ બચ્યા

હજી અલી
Published by: Chintan Chavda
Last Updated: May 14, 2026, 07:02 AM IST

ઓમાનના દરિયાઈ વિસ્તારમાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરનું વધુ એક માલવાહક જહાજ દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે. સલાયા બંદરનું MSV ‘હાજી અલી’ જહાજ ઓમાનના લિમાહ નજીક દરિયામાં ડૂબી ગયું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ વહેલી સવારે જહાજ પર અચાનક ડ્રોન અથવા મિસાઈલ જેવા શંકાસ્પદ પદાર્થના હુમલા બાદ ભયાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ જહાજમાં વિકરાળ આગ ફાટી નીકળતા થોડા જ સમયમાં જહાજ દરિયામાં સમાઈ ગયું હતું.

મળતી માહિતી મુજબ ‘હાજી અલી’ જહાજ 5 મેના રોજ બરબરા બંદરેથી લાઈવ સ્ટોક ભરીને શારજાહ તરફ જવા માટે નીકળ્યું હતું. 13 મેના રોજ વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે જહાજ ઓમાનના લિમાહ નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે હુમલો કેવી રીતે થયો અને તેમાં ચોક્કસ શું વપરાયું હતું તે અંગે હજી સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

14 ખલાસીઓનો ચમત્કારિક બચાવ

વિસ્ફોટ અને આગ બાદ જહાજમાં સવાર 1 ટંડેલ અને 13 ખલાસીઓ સહિત કુલ 14 સભ્યોએ સમયસૂચકતા દાખવી તરત જ લાઈફબોટનો સહારો લીધો હતો. દરિયામાં જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહેલા તમામ ખલાસીઓને બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા. તમામને ડીબા બંદરે પહોંચાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે સૌથી મોટી રાહત માનવામાં આવી રહી છે. ખલાસીઓના મહત્વના દસ્તાવેજો પણ સલામત હોવાનું સામે આવ્યું છે. ખલાસીઓ સુરક્ષિત હોવાના સમાચાર મળતા તેમના પરિવારજનોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો.

અમરેલીમાં હાઈવે પર સિંહબાળનું કરુણ મોત: અજાણ્યા વાહનની ટક્કરે લીધો એક વર્ષના બચ્ચાનો જીવ

સલાયાના જહાજ માલિક સુલતાનભાઈ સંઘારે જણાવ્યું કે દુર્ઘટના ખૂબ જ ગંભીર હતી, પરંતુ તમામ ખલાસીઓએ હિંમત અને સમજદારી દાખવી હોવાથી મોટું જાનહાનિ ટળી શકી છે. તેમણે ભારત સરકાર સમક્ષ ખલાસીઓને વહેલી તકે વતન પરત લાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની માંગ પણ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now