Home International S Jaishankar Statement In Rajya Sabha On Middle East Crisis March 9 2026

'ગલ્ફમાં રહેતા 1 કરોડ ભારતીયોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા' : મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા વચ્ચે સંસદમાં બોલ્યા એસ જયશંકર

'ગલ્ફમાં રહેતા 1 કરોડ ભારતીયોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 11:27 AM IST

સંસદના બજેટ સત્ર 2026ના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. આ મહત્વના દિવસે એકતરફ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાના પ્રસ્તાવને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વિદેશ મંત્રી એસ. જયશંકરે મિડલ ઈસ્ટમાં સર્જાયેલા ગંભીર સંકટ પર બંને ગૃહોમાં નિવેદન આપ્યું છે. ઈરાન અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલા સંઘર્ષને પગલે ભારત સરકારની ચિંતા અને ભારતીય નાગરિકોની સુરક્ષા માટે લેવાયેલા પગલાં અંગે તેમણે રાજ્યસભામાં વિગતવાર માહિતી આપી હતી. વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ભારત સરકાર ગલ્ફ દેશોમાં વસતા ભારતીયોની સુરક્ષા પ્રત્યે અત્યંત ગંભીર છે અને સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

વિદેશ મંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં અનેક લોકોએ જાન ગુમાવ્યા છે, જેમાં ઈરાનનું ટોચનું નેતૃત્વ પણ સામેલ છે. ભારત માટે આ સ્થિતિ વધુ ચિંતાજનક એટલા માટે છે કારણ કે, ગલ્ફ દેશોમાં લગભગ 1 કરોડ ભારતીયો વસે છે, જ્યારે ઈરાનમાં પણ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠકમાં આ સંકટની પ્રાદેશિક સુરક્ષા અને આર્થિક અસરો પર ઊંડી ચર્ચા કરવામાં આવી છે.

ભારતીયોની સુરક્ષા માટે એડવાઈઝરી અને એક્શન પ્લાન

એસ. જયશંકરે ગૃહમાં માહિતી આપી હતી કે, ભારત આ વિસ્તારમાં સાર્વભૌમત્વનું સમર્થક છે અને કોઈપણ સમસ્યાનું સમાધાન માત્ર વાતચીત દ્વારા જ આવવું જોઈએ તેવું માને છે. તેમણે જણાવ્યું કે, "અમે જાન્યુઆરી માસમાં જ અમારા નાગરિકોને ચેતવણી આપી હતી કે, તેઓ વહેલી તકે સ્વદેશ પરત ફરે. ભારતીય દૂતાવાસે પણ આ અંગે એડવાઈઝરી જારી કરી હતી." ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને આર્મેનિયાના માર્ગે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને સરકાર તમામ ભારતીયોના સંપર્કમાં છે.

ઈરાની જહાજને આશરો અને રાજદ્વારી પ્રયાસો

વિદેશ મંત્રીએ એક મહત્વની ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, હિંદ મહાસાગરમાં હાજર ઈરાનના ત્રણ જહાજો પૈકી એક જહાજને ઈરાનની વિનંતી પર ભારતે ડોકિંગની મંજૂરી આપી આશરો આપ્યો હતો, જે બદલ ઈરાને ભારતનો આભાર પણ માન્યો છે. આ સંકટ ઉકેલવા માટે વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયા અને કતરના નેતૃત્વ સાથે સીધી વાતચીત કરી છે. જયશંકરે પોતે પણ 28 ફેબ્રુઆરી અને 5 માર્ચના રોજ ઈરાનના વિદેશ મંત્રી સાથે ચર્ચા કરી છે.

ઉર્જા સુરક્ષા અને સપ્લાય ચેઈન પર અસર

યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે, જેની અસર ભારતની ઉર્જા જરૂરિયાતો પર પણ પડી શકે છે. જયશંકરે ખાતરી આપી હતી કે, ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો પ્રત્યે સતર્ક છે અને સપ્લાય ચેઈન જળવાઈ રહે તે માટે તમામ મંત્રાલયોને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સ્તરે પ્રતિબદ્ધ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now