રશિયાએ સોમવારે જાહેરાત કરી હતી કે તેના પાંચમી પેઢીના અદ્યતન Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટને અંતે તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગ્રાહક મળી ગયો છે. રશિયાના યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશનના વડા વાદિમ બદેખાએ 17 નવેમ્બર, 2025ના રોજ માહિતી આપી હતી કે પ્રથમ બે Su-57 વિમાનોની ડિલિવરી વિદેશી ભાગીદારને કરવામાં આવી છે, જોકે તેમણે તે દેશનું નામ ખુલ્લું કર્યું નથી.
દુબઈ એર શોમાં Su-57Eનું તાજેતરમાં પ્રદર્શિત મોડેલ વૈશ્વિક સ્તરે ચર્ચામાં રહ્યું હતું. રશિયાની સરકારી સંરક્ષણ કંપની રોસ્ટેકના CEO સેર્ગેઈ ચેમોઝોવએ જણાવ્યું હતું કે યુદ્ધ ક્ષેત્રોમાં મળેલા પ્રેક્ટિકલ પ્રતિસાદો Su-57 પ્રત્યે દેશોની વધતી રસનું મુખ્ય કારણ છે.
"અમે કરારની વિગતો જાહેર નહીં કરીએ": રોસ્ટેક
નિકાસ કરાર વિશે પૂછવામાં આવતા ચેમોઝોવે કહ્યું:
"હું કરાર અથવા અમારા ભાગીદારોની પુષ્ટિ કરીશ નહીં. Su-57 માટે અમને અનેક દેશોમાંથી મજબૂત માંગ મળી રહી છે અને ભવિષ્યમાં આ માંગ વધુ વધવાની અપેક્ષા છે."
TWZના અહેવાલ મુજબ, રશિયા સતત આ ફાઇટર જેટને અપડેટ કરી રહ્યું છે. ચેમોઝોવે જણાવ્યું હતું કે લશ્કરી કામગીરી દરમિયાન પાઇલટ્સ પાસેથી મળતા પ્રતિસાદના આધારે વિમાનમાં સુધારાઓ નિયમિત રીતે કરવામાં આવે છે.
નવું એન્જિન પણ પ્રદર્શિત
દુબઈ એર શોમાં રશિયાએ ઇઝડેલિયે 177S નામનું નવું ટર્બોફેન એન્જિન પણ રજૂ કર્યું છે. આ એન્જિનનું સૌપ્રથમ પ્રદર્શન વર્ષ 2024માં ચીનના ઝુહાઈ એર શોમાં થયું હતું.
ગ્રાહક કોણ? અટકળો ચાલુ
આ વર્ષની શરૂઆતમાં કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં દાવો થયો હતો કે રશિયાએ અલ્જેરિયાને Su-57ની ડિલિવરી કરી છે, પરંતુ તેની કોઇ સત્તાવાર પુષ્ટિ અથવા તસવીરો સામે આવી નથી.
ચેનલ વન રશિયા સાથેની મુલાકાતમાં UACના ડિરેક્ટર જનરલ બદેખાએ ફરી પુષ્ટિ કરી કે "પ્રથમ બે Su-57 વિદેશી ભાગીદારને સુપરત કરી દેવામાં આવ્યા છે."
રશિયન રક્ષા નિકાસમાં ઘટાડો પણ માંગ યથાવત
ચેમોઝોવના જણાવ્યા મુજબ, યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી રશિયાની રક્ષા નિકાસ લગભગ અડધી થઈ ગઈ છે. પરંતુ આ ઘટાડો આંતરરાષ્ટ્રીય રસ ઓછી થવાને કારણે નથી, પણ રશિયન સશસ્ત્ર દળોની અંદર વધેલી માંગને કારણે નિકાસ ક્ષમતા અસરગ્રસ્ત થઈ છે.
રશિયા ભૂતકાળમાં ભારત અને યુનાઇટેડ આરબ અમીરાતને Su-57 ઓફર કરી ચૂક્યું છે.





















