રશિયાએ અરજદારોની એક વિશેષ શ્રેણી માટે પોતાના બિઝનેસ વિઝા પ્રોગ્રામના નિયમોમાં મોટો સકારાત્મક ફેરફાર કર્યો છે. ભારતમાં સ્થિત રશિયન એમ્બેસી દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર, ભારત સહિત અન્ય દેશોના નાગરિકો હવે પોતાના પરિવારના સભ્યો સાથે એક વર્ષના મલ્ટિપલ એન્ટ્રી બિઝનેસ વિઝા માટે એપ્લાય કરી શકશે. આ સુવિધાનો લાભ સ્ટેટલેસ વ્યક્તિઓ (જેમની પાસે કોઈ દેશનું નાગરિકત્વ નથી) પણ લઈ શકશે, જેમને 'પર્સન્સ ઓફ ઈન્ટરેસ્ટ' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. રશિયાએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તાજેતરમાં જ અમેરિકાએ ગ્રીન કાર્ડ સંબંધિત નિયમોને કડક અને જટિલ બનાવ્યા છે.
એમ્બેસીએ સોશિયલ મીડિયા પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, વિદેશી નાગરિકો અને સ્ટેટલેસ વ્યક્તિઓ રશિયા માટે એક વર્ષના મલ્ટિપલ એન્ટ્રી બિઝનેસ વિઝા મેળવવા અરજી કરવા પાત્ર છે. તેઓ પોતાના પરિવાર સાથે આ પ્રક્રિયાનો હિસ્સો બની શકે છે.
મલ્ટિપલ એન્ટ્રી બિઝનેસ વિઝા માટેની મુખ્ય શરતો
રશિયન માઈગ્રેશન કાયદા અંતર્ગત આ પ્રકારના વિઝાને રેઝિડન્સ પરમિટ તરીકે ગણવામાં આવશે નહીં.
આ વિઝા વ્યવસાયિક હેતુસર વારંવાર મુસાફરી કરવા માટે તૈયાર કરાયા છે, લાંબા સમય સુધી ત્યાં વસવાટ કરવા માટે નહીં.
આ વિઝા ધરાવતી વ્યક્તિ કોઈપણ 180 દિવસના સમયગાળા દરમિયાન રશિયામાં વધુમાં વધુ 90 દિવસ સુધી રોકાઈ શકે છે.
નોંધનીય છે કે સિંગલ એન્ટ્રી અને ડબલ એન્ટ્રી બિઝનેસ વિઝાની માન્યતા 90 દિવસથી વધુ હોતી નથી. જોકે, યોગ્ય ઇન્વિટેશનના આધારે મલ્ટિપલ એન્ટ્રી વિઝા 1 થી 5 વર્ષ માટે પણ ઇશ્યૂ થઈ શકે છે.
અરજી કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે?
અરજદારોએ વિઝા મેળવવા માટે કેટલાક ફરજિયાત દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે:
1. લેટર ઓફ ઇન્વિટેશન (Letter of Invitation)
આ પ્રક્રિયા માટે સૌથી અનિવાર્ય દસ્તાવેજ ઇન્વિટેશન લેટર છે. આ પત્ર રશિયન ફેડરલ માઈગ્રેશન સર્વિસ અથવા રશિયન વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલો હોવો જોઈએ. આ સિવાય 6 આંકડાનો રેફરન્સ નંબર પણ માન્ય ગણાશે જે સીધો એમ્બેસીને મોકલવામાં આવ્યો હોય.
આ પત્ર અસલ હોવો જરૂરી છે અને તેની નકલ સ્વીકારવામાં આવતી નથી. આ ડોક્યુમેન્ટ પર જારી કરનાર સંસ્થાનો સત્તાવાર સિક્કો, સરનામું, રજીસ્ટ્રેશન નંબર અને તારીખ તેમજ સત્તાધિકારીની સહી હોવી જોઈએ. તેમાં પ્રવાસનો કાર્યક્રમ અને આમંત્રિત વ્યક્તિઓની વિગતો હોવી પણ જરૂરી છે.
2. વેલિડ પાસપોર્ટ (Valid Passport)
અરજી કરતી વખતે પાસપોર્ટ સંપૂર્ણપણે માન્ય હોવો જોઈએ. પાસપોર્ટમાં વિઝા સ્ટેમ્પિંગ માટે ઓછામાં ઓછા 2 પેજ ખાલી હોવા જોઈએ અને તેની વેલિડિટી વિઝાની મુદત પૂરી થયા પછી પણ 6 મહિના સુધીની હોવી જોઈએ. વિઝા પ્રોસેસ દરમિયાન પાસપોર્ટ એમ્બેસી પાસે જમા રહેશે.
3. કમ્પ્લીટ એપ્લિકેશન ફોર્મ (Application Form)
અરજદારે રશિયન વિઝાના સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને તેના પર પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ લગાવવાનો રહેશે.
ફોર્મમાં કોઈ પણ ખાનું ખાલી રાખવાનું નથી અને જે વિગત લાગુ ન પડતી હોય ત્યાં 'N/A' લખવું અનિવાર્ય છે. ફોર્મમાં તારીખો યુરોપિયન ફોર્મેટ (તારીખ, મહિનો, વર્ષ) મુજબ હોવી જોઈએ અને તેના પર અરજદારની ઓરિજિનલ સહી હોવી જરૂરી છે. અધૂરી વિગતોવાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
અમેરિકાની ગ્રીન કાર્ડ પોલિસીમાં બદલાવ બાદ મોટો નિર્ણય
રશિયા તરફથી આ મહત્વની જાહેરાત અમેરિકાની નવી ગ્રીન કાર્ડ નીતિ આવ્યા બાદ કરવામાં આવી છે. અમેરિકામાં અગાઉ ટેમ્પરરી વિઝા પર રહેતા લોકો ગ્રીન કાર્ડ ન મળે ત્યાં સુધી ત્યાં રોકાઈ શકતા હતા, પરંતુ હવે નવા નિયમ મુજબ સ્ટેટસ ચેન્જ કરવા ઈચ્છતા લોકોએ પહેલા પોતાના વતન પરત ફરવું પડશે અને ત્યાંથી જ ફરી એમ્બેસી મારફતે નવી અરજી સબમિટ કરવી પડશે.





