Home Gujarat Rods Spotted In Another Bridge In Ahmedabad

અમદાવાદના વધુ એક બ્રિજમાં સળિયા દેખાયા : ભારે વાહનો પસાર થતા બ્રિજમાં વાઇબ્રેશન, તંત્રની દોડાદોડી

અમદાવાદના વધુ એક બ્રિજમાં સળિયા દેખાયા
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 09:50 AM IST

Ahmedabad News : અમદાવાદના સુભાષબ્રિજના વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતા વાડજના મહર્ષિ દધીચિ ઓવરબ્રિજની હાલત ચિંતાજનક બની છે. 14 વર્ષ જૂના આ ઓવરબ્રિજના મધ્ય ભાગે રોડ ઉખડી જતાં અંદરના લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે, જેના કારણે વાહનચાલકોમાં ભય ફેલાયો છે. ખાસ કરીને ભારે વાહનો પસાર થતાની સાથે બ્રિજમાં સ્પષ્ટ વાઇબ્રેશન અનુભવાય છે, જે સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

દધીચિ ઓવરબ્રિજ પર સળિયા બહાર આવ્યા

મળતી માહિતી મુજબ, દધીચિ ઓવરબ્રિજના જ્યાં સળિયા બહાર આવ્યા છે તેના આગળના ભાગે પણ એ જ રીતે ખાડા પડ્યા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. રોડ સપાટી ખરાબ થવાથી અકસ્માતનો ખતરો વધ્યો છે. આ બ્રિજ પર દિલ્હી દરવાજા અને શાહીબાગ વિસ્તારમાં આવન-જાવન માટે મોટા પ્રમાણમાં વાહનો પસાર થાય છે, ખાસ કરીને સુભાષબ્રિજ પર ટ્રાફિક ડાયવર્ટ કરાયા બાદ દધીચિ ઓવરબ્રિજ પર સૌથી વધુ વાહનોનું ભારણ આવ્યું છે.

આ બ્રિજ પરથી એક લાખથી વધુ વાહનચાલકો પસાર થાય

ઉલ્લેખનીય છે કે આ ઓવરબ્રિજ પરથી રોજના એક લાખથી વધુ વાહનચાલકો પસાર થાય છે, જેમાં ભારે વાહનોની સંખ્યા પણ મોટી છે. આવા સંજોગોમાં બ્રિજની હાલત વધુ ખરાબ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે વાહન પસાર થતાં જ બ્રિજમાં થતું કંપન સ્થાનિક લોકો અને નિયમિત મુસાફરો માટે ચિંતા જનક બન્યું છે.

ઇન્સ્પેક્શન કરનાર એજન્સીની કામગીરી પર ઉઠ્યા સવાલ

આ સમગ્ર મામલે બ્રિજનું ઇન્સ્પેક્શન કરનાર એજન્સીની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. મળતી માહિતી મુજબ માત્ર પાંચ મહિના પહેલા જ આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, છતાં હાલ આવી ગંભીર ખામીઓ સામે આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો સમયસર મરામત અને યોગ્ય પગલાં લેવામાં ન આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now