Home International Robot Give Knowledge Of Religion Scientist In Japan Has Prepared Ai Saint Buddharoid Will Also Perform Rituals In Temples In Future

હવે રોબોટ આપશે ધર્મનું જ્ઞાન! : જાપાનમાં તૈયાર થયો AI સંત 'Buddharoid', ભવિષ્યમાં મંદિરોમાં વિધિઓ પણ કરાવશે

હવે રોબોટ આપશે ધર્મનું જ્ઞાન!
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 07:12 AM IST

અત્યાર સુધી આપણે AI નો ઉપયોગ ઓફિસના કામ કે ચેટીંગ માટે કરતા હતા, પરંતુ હવે તે આધ્યાત્મિક ગુરુની ભૂમિકામાં પણ જોવા મળશે. જાપાનની પ્રતિષ્ઠિત ક્યોટો યુનિવર્સિટીના સંશોધકોએ એક અનોખો પ્રયોગ કર્યો છે, જેમાં તેમણે 'બુદ્ધારોઈડ' (Buddharoid) નામનો સંત રોબોટ બનાવ્યો છે. આ રોબોટ માત્ર યંત્ર નથી, પરંતુ તે બૌદ્ધ ધર્મના અઘરા વિષયોને સમજીને લોકોના જટિલ સવાલોના જવાબ આપવા માટે સક્ષમ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભવિષ્યમાં જ્યારે માનવ સંતોની અછત સર્જાશે, ત્યારે આ રોબોટ્સ ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં અને લોકોને જીવન જીવવાની સાચી દિશા બતાવવામાં મદદરૂપ સાબિત થશે.

ક્યોટો યુનિવર્સિટીનો અનોખો આવિષ્કાર

AFP ના અહેવાલ મુજબ, આ રોબોટને તૈયાર કરવામાં ક્યોટો યુનિવર્સિટીના પ્રોફેસર સેઈજી કુમાગઈનું મહત્વનું યોગદાન છે. તેમણે ચીની કંપનીના Unitree G1 હ્યુમનોઈડ રોબોટમાં પોતાનું એડવાન્સ AI મોડલ “BuddhaBotPlus” ઈન્સ્ટોલ કર્યું છે. આ મશીનને હજારો ધર્મગ્રંથો અને આધ્યાત્મિક સંવાદો પર ટ્રેનિંગ આપવામાં આવી છે. તાજેતરમાં એક મંદિરના કાર્યક્રમમાં જ્યારે આ રોબોટને રજૂ કરવામાં આવ્યો, ત્યારે તે પત્રકારો સામે ચાલ્યો, પ્રાર્થના કરી અને પવિત્ર મંત્રોચ્ચાર પણ કર્યા હતા.

સંવેદનશીલ સવાલોના પણ આપશે જવાબ

ઘણીવાર લોકો અંગત કે સંવેદનશીલ સવાલો કોઈ વ્યક્તિને પૂછતા ખચકાતા હોય છે. ‘બુદ્ધારોઈડ’ આવા પ્રશ્નોના જવાબ ખૂબ જ સરળતાથી અને કોઈ પણ પૂર્વગ્રહ વગર આપી શકે છે. પ્રોફેસર કુમાગઈએ અગાઉ પણ ‘બુદ્ધા ચેટ’ જેવા ચેટબોટ્સ બનાવ્યા હતા, પરંતુ આ વખતે તેમણે તે સોફ્ટવેરને એક હલતા-ચાલતા માણસ જેવા દેખાતા રોબોટમાં રૂપાંતરિત કર્યું છે.

પત્રકારને આપી જીવનની સીખ: 'ચિંતા કરવાનું છોડો'

આ રોબોટની રજૂઆત દરમિયાન એક રસપ્રદ કિસ્સો બન્યો હતો. જ્યારે એક યુવા પત્રકારે રોબોટ સાથે વાત કરી, ત્યારે બુદ્ધારોઈડે તેને પારખી લીધો અને કહ્યું, “તમે જરૂર કરતાં વધારે વિચારો છો અને ખૂબ જ ચિંતા કરો છો.” રોબોટે આગળ સલાહ આપતા ઉમેર્યું કે, બૌદ્ધ ધર્મ શીખવે છે કે પોતાના વિચારો પાછળ આંખ બંધ કરીને ન ભાગવું જોઈએ અને ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ. આ હકીકત સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ દંગ રહી ગયા હતા.

શું ભવિષ્યમાં રોબોટ્સ લેશે સંતોનું સ્થાન?

જાપાનમાં ઘટતી જતી વસ્તી અને યુવાનોનો ધર્મ પ્રત્યે ઘટતો જતો રસ એક ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં ‘બુદ્ધારોઈડ’ જેવા રોબોટ્સ મંદિરોમાં પૂજા અને વિધિઓ કરીને ધાર્મિક પરંપરાઓને જીવંત રાખી શકે છે. જોકે, આ ટેકનોલોજી સામે કેટલાક તાર્કિક સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું મશીન ક્યારેય માનવીય સંવેદના અને ભક્તિની જગ્યા લઈ શકશે?

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now