Gandhinagar News: ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા દેશની પ્રતિષ્ઠિત રોબોટિક્સ સ્પર્ધા 'રોબોફેસ્ટ ગુજરાત 6.0'નો આજે ગાંધીનગર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો, વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
AI આધારિત રોબોટિક્સ ઇનોવેશન પર ખાસ ભાર
આ વર્ષની સ્પર્ધાની મુખ્ય થીમ "AI-Powered Robotics Innovation Challenge" રાખવામાં આવી છે. આ થીમ અંતર્ગત વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સ ક્ષેત્રે નવીન વિચારો, સ્માર્ટ સોલ્યુશન્સ અને ટેક્નોલોજી આધારિત પ્રોટોટાઇપ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. સ્પર્ધાનો મુખ્ય હેતુ રાજ્યના યુવા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવી તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવવાનો છે.
રૂ. 5 કરોડની ઇનામી રકમથી પ્રતિભાઓને મળશે પ્રોત્સાહન
રોબોફેસ્ટ ગુજરાત 6.0 અંતર્ગત વિવિધ કેટેગરીમાં યોજાનારી સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અને સફળ પ્રોટોટાઇપ તૈયાર કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે કુલ રૂ. 5 કરોડની ઇનામી રકમ જાહેર કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા અનુસાર આ સ્પર્ધા રાજ્યના વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજી સાથે જોડીને સ્ટાર્ટઅપ, સંશોધન અને ઇનોવેશન ક્ષેત્રે આગળ વધવા માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે.
રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે ખુલશે નવી તકો
રોબોફેસ્ટ ગુજરાત 6.0માં રાજ્યભરની શાળાઓ, કોલેજો, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ટેક્નિકલ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિવિધ કેટેગરીમાં યોજાનારી સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની નવીન ટેક્નોલોજી, AI આધારિત સોલ્યુશન્સ અને રોબોટિક્સ પ્રોજેક્ટ રજૂ કરવાની તક મળશે. આ પ્લેટફોર્મ યુવા સંશોધકો અને ઇનોવેટર્સને પોતાની પ્રતિભા દર્શાવવા માટે મહત્વપૂર્ણ અવસર પૂરું પાડશે.
આ પણ વાંચો: કૃષિ ક્ષેત્રે ગુજરાતની મોટી સિદ્ધિ : મુખ્યમંત્રી સમક્ષ રજૂ થયો રાષ્ટ્રીય એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ
આત્મનિર્ભર ભારત અને ટેક્નોલોજી ઇકોસિસ્ટમને મળશે બળ
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે રોબોફેસ્ટ ગુજરાતનો મુખ્ય હેતુ માત્ર સ્પર્ધા યોજવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં ઇનોવેશન, સ્ટાર્ટઅપ સંસ્કૃતિ અને આધુનિક ટેક્નોલોજી પ્રત્યે રસ વધારવાનો પણ છે. આ પ્રકારની પહેલથી રાજ્યમાં AI, રોબોટિક્સ અને ડીપ-ટેક ક્ષેત્રે કુશળ માનવશક્તિ તૈયાર થશે, જે આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવાની સાથે ગુજરાતને ટેક્નોલોજી અને ઇનોવેશન હબ તરીકે વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.






